WTC ફાઇનલનો પિચ રિપોર્ટ:પિચ ક્યૂરેટર સિમોન લીએ કહ્યું- સારા બાઉન્સ અને પેસના કારણે ફાઇનલ મેચમાં રસાકસી જોવા મળશે; બોલર-બેટ્સમેનને અનુકૂળ પિચ

4 મહિનો પહેલા

ભારતીય ટીમ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 18 જૂનથી WTC ફાઇનલ મેચ યોજાવા જઇ રહી છે. મેચ દરમિયાન પિચનું વર્તન કેવું હશે અને કોને મદદ મળશે એ અંગે પિચના ક્યુરેટરે ઘટસ્ફોટ કર્યો હતો. તેમના જણાવ્યા પ્રમાણે પિચમાં બાઉન્સ અને પેસ બંને મળી રહેશે. જેથી ક્રિકેટની આ મેચમાં બોલર અને બેટ્સમેન વચ્ચે રસપ્રદ ટક્કર યોજાશે.

પિચ ક્યુરેટર લીએ ESPN ક્રિકઇન્ફોને કહ્યું હતું કે બંને ટીમ માટે આ વેન્યૂ એક સમાન છે, જેથી ભારત અને ન્યૂઝીલેન્ડને સમાન કન્ડિશન મળી રહેશે. અમે બંને ટીમ વચ્ચે રસાકસી ભરી અને સમાન જંગ જોવા ઇચ્છીએ છીએ. હું વ્યક્તિગત રીતે પણ એવી પિચની ઝંખના રાખું છું કે જેમાં પેસ, બાઉન્સ અને બોલ પણ બેટ પર આવે.

ફાઇનલ દરમિયાન વાતાવરણ સાફ રહેશે
તેઓએ જણાવ્યું હતું કે આપણે બધા જાણીએ છીએ કે ઈંગ્લેન્ડમાં વાતાવરણ સામાન્ય રૂપે અનુકૂળ હોતું નથી અને એનાથી કોઈપણ પ્રકારની સહાયતા પણ થતી નથી. તેવામાં મારા મત મુજબ પિચનું નિર્માણ સંભવ નથી, પરંતુ આ સમયગાળા દરમિયાન ગરમી હશે અને એની સાથે વાતાવરણ પણ પિચ અને ક્રિકેટરો માટે અનુકૂળ રહેશે. જેથી પિચને ઓવર રોલિંગ કર્યા વિના અમને હાર્ડ અને વધુ ગતિશીલ પિચ મળશે.

પિચ એકતરફી નહીં હોય, બેટિંગ અને બોલિંગ વચ્ચે સમાન ટક્કર યોજાશે
લીએ જણાવ્યું હતું કે હું પણ એક ક્રિકેટ ફેન છું અને પિચમાં જો પેસ હોય તો દર્શકોને પણ મેચના પ્રત્યેક બોલને જોવામાં રસ પડે છે. ભલે પછી ફાસ્ટ પેસમાં બેટિંગ જોરદાર કરવામાં આવે કે પછી બોલિંગના કેટલાક સ્પેલ સારા હોય. જ્યારે બોલર અને બેટ્સમેન વચ્ચે ઘર્ષણ થાય છે, ત્યારે મેડન ઓવર જોવાની મજા જ કઈંક અલગ હોય છે.

આ કારણોસર પિચમાં થોડી ગતિ અને બાઉન્સ જોવા મળી શકે છે. કારણ કે અમે પિચને એકતરફી બોલર્સ માટે બનાવવા ઇચ્છતા નથી. આના કારણે બધા ખુશ પણ છે.

મહાસંગ્રામ માટે બંને ટીમ તૈયાર
WTC ફાઇનલમાં જીત દાખવવા માટે બંને ટીમો સજ્જ છે. કીવી ટીમે આ મહિનાના શરૂઆતના તબક્કામાં ઈંગ્લેન્ડને એના ગઢમાં 1-0થી હરાવ્યું હતું. કીવી ટીમે 22 વર્ષ પછી ઈંગ્લેન્ડની ભૂમિ પર ટેસ્ટ શ્રેણીમાં જીત દાખવી છે.

વળીં, ભારતીય ટીમ 3 જૂનના રોજ ઈંગ્લેન્ડ પહોંચી ગઈ હતી. અહીંયા 3 દિવસ ક્વોરન્ટીન રહ્યા પછી નેટ પ્રેક્ટિસ શરૂ કરી હતી. આની સાથે વિરાટની સેના 11 જૂનથી 4 દિવસીય પ્રક્ટિસ મેચ પણ રમી રહી છે. તમામ ખેલાડીઓ બે ટૂકડીમાં વહેંચાઈ ગયા છે અને મેચ રમી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...