ટીમ ઈન્ડિયાને ફટકો:સ્નાયુ ખેંચાવાના કારણે કે.એલ.રાહુલ ટેસ્ટ સિરીઝની બહાર, 25 નવેમ્બરથી પ્રથમ મેચ; સૂર્યકુમાર યાદવને ટીમમાં સ્થાન

6 દિવસ પહેલા
  • કૉપી લિંક

ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટના બે દિવસ પહેલા ટીમ ઈન્ડિયા માટે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. ટીમનો સ્ટાર ઓપનર કેએલ રાહુલ ઈજાના કારણે ટેસ્ટ સિરીઝથી બહાર થઈ ગયો છે. કે.એલ.રાહુલને માંસપેશીઓમાં ઈજા પહોંચી છે. PTIના અહેવાલ મુજબ BCCIના એક અધિકારીએ આ વાતની પુષ્ટિ કરી છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 25 નવેમ્બરે કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં બે મેચોની સિરીઝની પ્રથમ ટેસ્ટ રમાશે.

લાંબા સમયથી ત્રણેય ફોર્મેટમાં રમી રહ્યો છે
કે.એલ. રાહુલ લાંબા સમયથી ભારતીય ટીમ માટે ત્રણેય ફોર્મેટ રમી રહ્યો છે. રાહુલ પ્રથમ ઈંગ્લેન્ડ પ્રવાસ, પછી IPL ફેઝ-2, પછી ટી20 વર્લ્ડ કપ અને ત્યારબાદ ન્યૂઝીલેન્ડ સામેની હોમ ટી20 શ્રેણીમાં ટીમનો મુખ્ય સભ્ય હતો. ENG પ્રવાસ પર રમાયેલી ચાર ટેસ્ટ મેચોમાં KL એ 39.38ની એવરેજથી 315 રન બનાવ્યા હતા. આઠ ઇનિંગ્સમાં તેણે 1 સદી અને 1 અડધી સદી ફટકારી હતી.

વિરાટ-રોહિત પહેલાથી બહાર, એવામાં આ મોટો ઝાટકો
BCCIએ પહેલાથી જ કેપ્ટન વિરાટ કોહલી, રોહિત શર્મા, ઝડપી બોલર જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શમીને ન્યૂઝીલેન્ડ ટેસ્ટ શ્રેણી માટે આરામ આપ્યો છે. આવી સ્થિતિમાં રાહુલની ઈજા બાદ ખરેખર ટીમ પર તેની મોટી અસર પડશે. તમને જણાવી દઈએ કે, વિરાટને માત્ર પ્રથમ ટેસ્ટ મેચ માટે જ આરામ આપવામાં આવ્યો હતો અને તે મુંબઈમાં રમાનાર બીજી ટેસ્ટ મેચમાં ટીમનો ભાગ હશે.

સૂર્યકુમાર યાદવ ટીમમાં સામેલ થયો
મુંબઈના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવનો ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ માટે ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સૂર્યા અગાઉ ટી20 સિરીઝમાં ટીમનો ભાગ હતો. એક મીડિયા અહેવાલ અનુસાર, ટીમ સાથે સંકળાયેલા એક સૂત્રએ કહ્યું- સૂર્યકુમાર ટેસ્ટ ટીમમાં વાપસી કરશે. તે કોલકાતાથી કાનપુર ભારતની ટેસ્ટ ટીમ સાથે જોડાશે.

પ્રથમ ટેસ્ટ માટે ઈન્ડિયન ટીમ
અજિંક્ય રહાણે (કેપ્ટન), મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, શુભમન ગિલ, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, રિદ્ધિમાન સાહા, કેએસ ભારત, રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, અક્ષર પટેલ, જયંત યાદવ, ઇશાંત શર્મા, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા.

અન્ય સમાચારો પણ છે...