હિટમેન પણ ચોંકી ગયો:ઈશ સોઢીએ ઈન્ડિયન કેપ્ટનનો એક હાથે અવિશ્વસનીય કેચ પકડ્યો, રોહિત સહિત બધા અચંબિત થઈ ગયા; વીડિયો વાઈરલ

6 દિવસ પહેલા

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ત્રીજી T20 મેચમાં કીવી ખેલાડી ઈશ સોઢીએ એક એવો કરિશ્માઈ કેચ પકડ્યો હતો કે જેને જોઈને બધા ચોંકી ગયા હતા. સોઢીએ પોતાની જ બોલિંગ પર હિટમેનનો રોકેટ શોટ રોકવાની સાથે તેને પેવેલિયન ભેગો પણ કર્યો હતો. જેનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.

રોહિતની શાનદાર ઈનિંગ
ઈશ સોઢીએ ત્રીજી મેચમાં 4 ઓવરમાં 31 રન આપ્યા અને આક્રમક બેટિંગ કરી રહેલા રોહિત શર્માની વિકેટ પણ પોતાને નામ કરી હતી. જોકે આ મેચમાં રોહિત શર્માએ 5 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 31 બોલમાં 56 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી. જેની સહાયથી ઈન્ડિયન ટીમનો સ્કોર 20 ઓવરમાં 184 રન હતો.

કામરાન અકમલે ભારત-રોહિતની પ્રશંસા કરી
કામરાન અકમલે પોતાની યૂટ્યૂબ ચેનલ પર વાત કરતા કહ્યું હતું કે મુખ્ય ખેલાડીઓને આરામ આપ્યો હોવા છતા T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચવા કીવી ટીમને આવી ટક્કર માત્ર ભારત જ આપી શકે છે. આવું પરાક્રમ ભારત સિવાય કોઈ ન કરી શકે. રોહિતે જેવી રીતે યુવા ખેલાડી સાથે સિરીઝ જીતી છે, તે પ્રશંસનીય છે. ઈન્ડિયન ટીમ યુવા ખેલાડીનો સારી રીતે પ્રયોગ કરીને તેમને દક્ષિણ આફ્રિકા ટૂર માટે તૈયાર કરી રહી છે. આનાથી ટીમ મેનેજમેન્ટ અને કેપ્ટનની દૂર દ્રષ્ટી પણ સારી જોવા મળી રહી છે.

રોહિતની કેપ્ટનશિપ બેટિંગ જેવી આક્રમક- અકમલ
વાતચીત દરમિયાન પાકિસ્તાની ક્રિકેટર કામરાન અકમલે કહ્યું, રોહિતની કેપ્ટનશિપ તેના બેટિંગ જેવી જ આક્રમક છે. વર્લ્ડ કપ ફાઇનલિસ્ટ ટીમ અત્યારે ભારત સામે ઘુંટણીયે છે, આનાથી રોહિત શર્માની છબી વિશે બધુ સ્પષ્ટ થઈ જાય છે. આ ટીમ પાસે ઋતુરાજ ગાયકવાડ, વેંકટેશ અય્યર, હર્ષલ પટેલ અને આવેશ ખાન જેવા ખેલાડી હોવાથી સિનિયર ખેલાડી પરથી બોજ હળવો થઈ જાય છે.

રોહિતને નામ બીજો પ્રશંસનીય રેકોર્ડ દાખલ
બીજી T20 ઈન્ટરનેશનલ મેચમાં 450 છગ્ગા પૂરા કરનારા રોહિત શર્માએ ત્રીજી મેચમાં 3 છગ્ગા મારવાની સાથે જ T20 ઈન્ટરનેશનલમાં પોતાના 150 છગ્ગા પૂરા કર્યા છે. તે આવું કરનારો વિશ્વનો બીજો અને ભારતનો પહેલો બેટર બની ગયો છે. રોહિતની પહેલા માર્ટિન ગપ્ટિલે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં (161) છગ્ગા માર્યા છે.

સરળતાથી ભારતે સિરીઝ અને મેચ જીતી
રવિવારે કીવી ટીમનો વ્હાઈટ વોશ કરવા માટે હિટમેન એન્ડ કંપની કોલકાતાના મેદાનમાં ઊતરી હતી. જેમાં ટોસ જીતી રોહિત શર્માએ પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટના નુકસાને 184 રન કર્યા હતા. જેના જવાબમાં કીવી ટીમ 17.2 ઓવરમાં 111ના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ છે. આની સાથે જ રોહિત શર્માએ 3-0થી સિરીઝ જીતી ન્યૂઝીલેન્ડ ટીમનો વ્હાઈટ વોશ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...