ટીમ ઈન્ડિયાની પોસિબલ પ્લેઈંગ-XI:છેલ્લી મેચમાં 4 મોટા ફેરફાર થઈ શકે છે; ચહલના કમબેકની આશા, આવેશ પાસે ડેબ્યુ કરવાની તક

7 દિવસ પહેલા

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કોલકાતામાં આજે ત્રણ મેચોની ટી-20 સિરીઝની છેલ્લી મેચ રમાશે. જયપુર અને રાંચિમાં મળેલી જીત બાદ ટીમ ઈન્ડિયા સિરીઝમાં અજેય લીડ મેળવી ચૂકી છે. તેવામાં આજે ટીમ મેનેજમેન્ટ અને કેપ્ટન રોહિત શર્મા ટીમમાં ઘણા ખેલાડીઓને આરામ આપી બેન્ચ સ્ટ્રેન્થને તક આપી શકે છે. વળી, આજની મેચમાં ચહલનું કમબેક પણ થઈ શકે છે. IPLમાં શાનદાર બોલિંગ કરનાર આવેશ ખાનની આજે ડેબ્યુ મેચ પણ બની શકે છે. ચાલો જાણવાનો પ્રયત્ન કરીએ કે કોલકાતામાં ઈન્ડિયન ટીમ કઈ ટીમ સાથે મેદાન પર ઉતરી શકે છે.

ઓપનિંગ જોડી
આ મેચ માટે ઓપનિંગ જોડીમાં ફેરફાર જોવા મળી શકે છે. કે.એલ.રાહુલ અને રોહિત શર્મા સિવાય આ મેચમાં રાહુલની જગ્યાએ રુતુરાજ ગાયકવાડને સામેલ કરવામાં આવી શકે છે. રુતુરાજ ખૂબજ શાનદાર ફોર્મમાં છે. આ વર્ષે IPLમાં 635 રન બનાવાની સાથે તેને ઓરેન્જ કેપ પોતાના નામે કરી હતી. સાથે જ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની 5 મેચોમાં તેણે 259 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ પણ બંને મેચોમાં કેપ્ટન ઈનિંગ્સ રમીને 48 અને 55 રનનો સ્કોર બનાવ્યો. આ મેચમાં પણ તેના સારા પ્રદર્શનની આશા રહેશે.

મિડલ ઓર્ડર
નંબર-3 સૂર્યકુમાર યાદવ, નંબર-4 પર શ્રેયસ અય્યર અને વિકેટ કિપર તરીકે ઈશાન કિશનને તક મળી શકે છે. સૂર્યકુમાર જયપુરમાં રમાયેલ પહેલી મેચમાં મેન ઓફ ધ મેચ રહ્યો હતો. તેણે 40 બોલ પર 62 રન ફટકાર્યા હતાં. શ્રેયસ અય્યરને હજી સુધી સિરીઝમાં કઈ ખાસ બેટિંગ કરવાની તક મળી નથી. પહેલી મેચમાં તે 8 બોલ પર માત્ર 5 રન બનાવી શક્યો હતો. કોલકાતામાં તે મોટી ઈનિગ રમવા ઉત્સુક હશે.

મેચમાં વિકેટકીપર તરીકે રિષભ પંતની જગ્યાએ ઈશાન કિશન પ્લેઈંગ ઈલેવન માટે ટિકિટ મેળવી શકે છે. પંત લાંબા સમયથી સતત રમી રહ્યો છે, તેથી તેને આરામ આપીને કેપ્ટન રોહિત શર્મા ઈશાનને અઝમાવી શકે છે. ઈશાન છેલ્લા ઘણા સમયથી સારા ફોર્મમાં છે અને તેને આજની મેચમાં તક મળે તેવી શક્યતા છે.

ઓલરાઉન્ડર્સ
પ્રથમ બે મેચમાં વેંકટેશ અય્યર અને અક્ષર પટેલને ઓલરાઉન્ડર તરીકે તક મળી હતી અને આ બંને ભવિષ્યમાં રમતા જોવા મળી શકે છે. પહેલી બે મેચોમાં અશ્વિનના કારણે અય્યરે બોલિંગ નહોતી કરી પરંતું તે કદાચ કોલકાતામાં બોલિંગ કરતો જોવા મળી શકે છે. સાથે જ અક્ષર પટેલ પણ જરૂર પડ્યે બોલ અને બેટ વડે જોરદાર રમત બતાવી શકે છે. રાંચીમાં તેણે માત્ર 26 રનમાં 1 વિકેટ લીધી હતી.

ચહલનું કમબેક થશે?
કોલકાતામાં રવિચંદ્રન અશ્વિનને આરામ આપીને યુઝવેન્દ્ર ચહલને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરી શકાય છે. પ્રથમ બે મેચમાં તેને અશ્વિનના કારણે રમવાની તક મળી ન હતી, પરંતુ આજે તમામની નજર તેના પર રહેશે. ચહલે અત્યાર સુધી 49 T20 ઈન્ટરનેશનલ મેચોમાં 63 વિકેટ લીધી છે અને જો તેને આજે પ્લેઈંગ ઈલેવનમાં ટિકિટ મળશે તો તે ચોક્કસપણે સારો દેખાવ કરવા માટે બેતાબ રહેશે.

પોતાની ડેબ્યુ મેચમાં હર્ષલ પટેલ 2 વિકેટ ઝડપી મેન ઓફ ધ મેચ રહ્યો હતો
પોતાની ડેબ્યુ મેચમાં હર્ષલ પટેલ 2 વિકેટ ઝડપી મેન ઓફ ધ મેચ રહ્યો હતો

યુવા પેસ એટેક
કોલકાતામાં ફાસ્ટ બોલર તરીકે દીપક ચહર, હર્ષલ પટેલ અને આવેશ ખાનને તક મળી શકે છે. પેસ આક્રમણ દીપર ચહર દ્વારા કમાન્ડ કરવામાં આવી શકે છે, જેણે પ્રથમ બે મેચમાં બે વિકેટ લીધી હતી. આ સાથે જ આવેશને ભુવનેશ્વર કુમારની જગ્યાએ ડેબ્યુ કરવાની તક મળી શકે છે. તાજેતરના સમયમાં આવેશ ખાને પોતાની બોલિંગથી બધાને પ્રભાવિત કર્યા છે. IPL 14માં તે બીજા નંબરનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. દિલ્હી કેપિટલ્સ તરફથી રમતા આવશે 16 મેચમાં 24 વિકેટ લીધી હતી.

હર્ષલ પટેલ ફરી એકવાર ત્રીજા ફાસ્ટ બોલરની ભૂમિકામાં જોવા મળી શકે છે. રાંચીમાં ડેબ્યૂ કરતા હર્ષલે ચાર ઓવરમાં માત્ર 25 રન આપીને બે ખેલાડીઓને આઉટ કર્યા હતા અને મેન ઓફ ધ મેચ બન્યો હતો. છેલ્લી મેચમાં પણ તેની પાસેથી આવું જ પ્રદર્શન કરવાની અપેક્ષા રાખવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...