ભારત 2-1થી સીરિઝ જીત્યું:ભારત ઘરઆંગણે ઇંગ્લેન્ડ સામે સતત છઠ્ઠી શ્રેણી જીત્યું, ટી. નટરાજને અંતિમ ઓવરમાં 14 રન ડિફેન્ડ કર્યા, કરનની 95* રનની ઇનિંગ્સ પાણીમાં

પુણેએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભારતે પ્રથમ દાવમાં 329 રન કર્યા, જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ 322 રન જ કરી શકી
  • ઘરઆંગણે ભારતે શ્રેણી જીતની હેટ્રિક લગાવી, આ પહેલાં ઓસ્ટ્રેલિયા અને વિન્ડીઝને આપી હતી માત
  • સેમ કરન (95* રન અને 1 વિકેટ) પ્લેયર ઓફ ધ મેચ અને જોની બેરસ્ટો (219 રન) પ્લેયર ઓફ ધ સીરિઝ બન્યો

ભારતે ત્રણ વનડે શ્રેણીની અંતિમ મેચમાં પુણે ખાતે ઇંગ્લેન્ડને 7 રને હરાવ્યું છે. 330 રનનો પીછો કરતાં ઇંગ્લેન્ડની ટીમ 50 ઓવરમાં 9 વિકેટે 322 રન જ કરી શકી. આ મેચ જીતીને ભારતે ઘરઆંગણે ઇંગ્લેન્ડ સામે સતત છઠ્ઠી સીરિઝ પોતાના નામે કરી છે. ઇંગ્લેન્ડ માટે કરને પોતાન વનડે કરિયરની પ્રથમ ફિફટી ફટકારતાં 83 બોલમાં 95* રન કર્યા પણ મેચ જિતાડી શક્યો નહીં. ટી. નટરાજને અંતિમ ઓવરમાં 14 રન ડિફેન્ડ કર્યા. ભારત માટે શાર્દુલ ઠાકુરે 4, ભુવનેશ્વર કુમારે 3 અને ટી. નટરાજને 1 વિકેટ લીધી છે. મેચનું સ્કોરકાર્ડ જોવા અહીં ક્લિક કરો...

ભારતમાં ઇન્ડિયા vs ઇંગ્લેન્ડ બાઈલેટરલ શ્રેણીનો રેકોર્ડ:

વર્ષવિનરમાર્જિન
1981ભારત2-1
1984ઇંગ્લેન્ડ4-1
1993ડ્રો3-3
2002ડ્રો3-3
2006ભારત5-1
2008ભારત5-0
2011ભારત5-0
2013ભારત3-2
2017ભારત2-1
2021ભારત2-1

ભારતે ઘરઆંગણે સીરિઝ જીતની હેટ્રિક લગાવી
ટીમ ઇન્ડિયાએ ઘરઆંગણે સતત ત્રીજી શ્રેણી પોતાના નામે કરી છે. આ પહેલાંની પણ બંને સીરિઝ ભારત જીત્યું હતું. મેન ઈન બ્લૂએ આ પહેલાં જાન્યુઆરી 2020માં ઓસ્ટ્રેલિયાને 2-1થી અને ડિસેમ્બર 2019માં વેસ્ટ ઇન્ડિઝને 2-1થી માત આપી હતી.

ભારતે T-20 શ્રેણી પહેલાં ટેસ્ટમાં ઇંગ્લેન્ડને 3-1 અને T20Iમાં 3-2થી માત આપી હતી. ટીમ ઇન્ડિયાએ 52 દિવસમાં ત્રણેય ફોર્મેટમાં ઇંગ્લેન્ડને હરાવ્યું છે.

ભારતે 49મી ઓવરમાં બે કેચ છોડ્યા
હાર્દિક પંડ્યા નાખેલી 49મી ઓવરમાં બે કેચ છૂટ્યા. ત્રીજા બોલે માર્ક વુડ બેટિંગ કરી રહ્યો હતો ત્યારે શાર્દુલ ઠાકુરે કેચ ડ્રોપ કર્યો. તે પછી ચોથા બોલે ટી. નટરાજને સેમ કરનનો કેચ ડ્રોપ કર્યો હતો.

155 રન પર ઇંગ્લેન્ડની અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ. શાર્દુલ ઠાકુરે કરિયરની બીજી વનડે રમી રહેલા લિયમ લિવિંગ્સ્ટોનને 36 રને આઉટ કર્યો. લિવિંગ્સ્ટોન અને મલાને પાંચમી વિકેટ માટે 60 રનની ભાગીદારી કરી હતી. 168 રને શાર્દુલે ઇંગ્લેન્ડને છઠ્ઠો ઝટકો આપ્યો. તેણે ડેવિડ મલાનને 50 રને આઉટ કર્યો.

DRSથી આઉટ થયો બટલર
100 રનની અંદર ઇંગ્લેન્ડે 4 વિકેટ ગુમાવી દીધી હતી. શાર્દુલે ઇંગ્લિશ કપ્તાન જોસ બટલરને 15 રને LBW કર્યો હતો. ગ્રાઉન્ડ અમ્પાયરે નોટઆઉટ આપતા ભારતે રિવ્યૂ લઈને તેને પેવેલિયન ભેગો કર્યો હતો. તે પહેલાં 68 રનના સ્કોરે ફાસ્ટ બોલર ટી. નટરાજને ઇંગ્લેન્ડને ત્રીજો ઝટકો આપ્યો હતો. તેણે બેન સ્ટોક્સને 35 રને આઉટ કર્યો હતો. બેન સ્ટોક્સ નટરાજનના ફૂલટોસઆ શિખર ધવન દ્વારા કેચ આઉટ થયો હતો.

મિસ્ડ ચાન્સ
બેન સ્ટોક્સ 15 રને રમી રહ્યો હતો ત્યારે ભુવનેશ્વર કુમારની બોલિંગમાં મીડ-ઓન પર હાર્દિકે તેનો સરળ કેચ છોડ્યો હતો.

જેસન રોય 14 રને ભુવનેશ્વર કુમારની બોલિંગમાં બોલ્ડ થયો હતો.
જેસન રોય 14 રને ભુવનેશ્વર કુમારની બોલિંગમાં બોલ્ડ થયો હતો.

ભુવનેશ્વરે ઇંગ્લિશ ઓપનર્સને પેવેલિયન ભેગા કર્યા
જેસન રોયે ઇનિંગ્સની પ્રથમ ઓવરમાં 3 ફોર અને એક ડબલ સહિત 14 રન ફટકાર્યા હતા. જોકે, ઓવરના છેલ્લે ભુવનેશ્વર કુમારે ઇનસ્વિંગર નાખીને તેને બોલ્ડ કરીને હિસાબ ચૂકતે કર્યો હતો. તે પછી જોની બેરસ્ટો 1 રને ભુવનેશ્વર કુમારની બોલિંગમાં LBW થયો હતો. બેરસ્ટોએ રિવ્યૂ લીધો હતો પરંતુ અમ્પાયરના નિર્ણયને ફેરવી શક્યો નહોતો.

ભારતે 330 રનનો ટાર્ગેટ આપ્યો
ભારત ઇંગ્લેન્ડ સામે ત્રણ વનડે શ્રેણીની અંતિમ મેચમાં પુણે ખાતે 48.2 ઓવરમાં 329 રનમાં ઓલઆઉટ થયું છે. ભારતે એકસમયે 25 ઓવરની અંદર 4 વિકેટ ગુમાવી દીધી હતી. તે પછી ઋષભ પંત અને હાર્દિક પંડ્યાએ કરિયરની ત્રીજી અને સાતમી ફિફટી ફટકારી ટીમને સારા સ્કોર સુધી પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી. બંનેએ અનુક્રમે 78 અને 64 રન બનાવ્યા. તે સિવાય ઓપનર શિખર ધવને 32મી ફિફટી મારી 67 રનનું યોગદાન આપ્યું.

ઇંગ્લેન્ડ માટે માર્ક વુડે 3, આદિલ રાશિદે 2, જ્યારે લિયમ લિવિંગ્સ્ટોન, રીસ ટોપ્લે, બેન સ્ટોક્સ, સેમ કરન અને મોઇન અલીએ 1-1 વિકેટ ઝડપી છે.

મિસ્ડ ચાન્સ
કૃણાલ પંડ્યા 11 રને રમી રહ્યો હતો ત્યારે બેન સ્ટોક્સની બોલિંગમાં આદિલ રાશિદે એક્સ્ટ્રા કવર પર તેનો કેચ ડ્રોપ કર્યો હતો.

હાર્દિક 64 રને આઉટ થયો
હાર્દિક પંડ્યાએ વનડે કરિયરની સાતમી ફિફટી ફટકારતાં 44 બોલમાં 5 ફોર અને 4 સિક્સની મદદથી 64 રન કર્યા હતા. તે બેન સ્ટોક્સની બોલિંગમાં બોલ્ડ થયો હતો.

બોલને પુલ કરતો હાર્દિક પંડ્યા
બોલને પુલ કરતો હાર્દિક પંડ્યા

પંતની વનડેમાં ત્રીજી ફિફટી, હાર્દિક સાથે 99 રનની ભાગીદારી કરી
ઋષભ પંતે પોતાના વનડે કરિયરની ત્રીજી ફિફટી ફટકારતાં 62 બોલમાં 5 ફોર અને 4 સિક્સની મદદથી 78 રન બનાવ્યા હતા. તે સેમ કરનની બોલિંગમાં જોસ બટલર દ્વારા કેચ આઉટ થયો હતો. તેણે અને હાર્દિક પંડ્યાએ પાંચમી વિકેટ માટે 99 રનની ભાગીદારી કરી હતી.

હાર્દિકે એક ઓવરમાં ત્રણ સિક્સ મારી
હાર્દિક પંડ્યાએ ભારતીય ઇનિંગ્સની 28મી ઓવરમાં ત્રણ સિક્સ મારી હતી. મોઇન અલીએ નાખેલી ઓવરના પહેલા બોલે ડાઉન ધ ગ્રાઉન્ડ, પાંચમા બોલે ડીપ મિડવિકેટ અને છઠ્ઠા બોલે ડીપ સ્કવેર લેગ પર સિક્સ મારી હતી. ત્રણ સિક્સ ઉપરાંત બે સિંગલ સહિત ઓવરમાં 20 રન આવ્યા હતા.

કોહલી અને રાહુલ બંને 7 રને આઉટ થયા
શ્રેણીની નિર્ણાયક મેચમાં ઇન્ડિયન કેપ્ટન વિરાટ કોહલીએ નિરાશ કર્યા હતા. તે મોઇન અલીની બોલિંગમાં બોલ્ડ થયો હતો. તેણે 10 બોલમાં 1 ફોરની મદદથી 7 રન કર્યા હતા. જ્યારે લોકેશ રાહુલ પણ 7 રને જ આઉટ થયો હતો. તે લિયમ લિવિંગ્સ્ટોનની બોલિંગમાં લો-ફૂલ ટોસ પર મોઇન અલી દ્વારા કેચ આઉટ થયો હતો. આ લિવિંગ્સ્ટોનની વનડે કરિયરની પ્રથમ વિકેટ હતી. તે પોતાની બીજી વનડે મેચ જ રમી રહ્યો છે.

ધવને 32મી ફિફટી મારી
શિખર ધવને આક્રમક બેટિંગ કરતાં ટીમ ઇન્ડિયાને સારી શરૂઆત અપાવી હતી. તેણે પોતાના વનડે કરિયરની 32મી ફિફટી ફટકારતાં 56 બોલમાં 10 ફોરની મદદથી 67 રન બનાવ્યા હતા. તે લેગ સ્પિનર આદિલ રાશિદની બોલિંગમાં રાશિદના હાથે જ કેચ આઉટ થયો હતો.

રોહિત 37 રને બોલ્ડ થયો, ધવન સાથે 17મી વખત 100+ રનની ભાગીદારી કરી
ભારતીય ઓપનર રોહિત શર્મા આદિલ રાશિદની બોલિંગમાં બોલ્ડ થયો હતો. રોહિતે 37 બોલમાં 6 ફોરની મદદથી 37 રન કર્યા હતા. તેણે શિખર ધવન સાથે પ્રથમ વિકેટ માટે 103 રનની ભાગીદારી કરી.હતી બંનેએ વનડેમાં 17મી વખત 100+ રનની ઓપનિંગ ભાગીદારી કરી છે. તેમણે એડમ ગિલક્રિસ્ટ-મેથ્યુ હેડન (16 વખત)નો રેકોર્ડ તોડ્યો છે.

રોહિતને બોલ્ડ કર્યા પછી મોઇન અલી અને બટલર સાથે ઉજવણી કરતો આદિલ રાશિદ.
રોહિતને બોલ્ડ કર્યા પછી મોઇન અલી અને બટલર સાથે ઉજવણી કરતો આદિલ રાશિદ.

વનડેમાં સૌથી વધુ 100+ રનની ઓપનિંગ ભાગીદારી

  • 21 સચિન તેંડુલકર- સૌરવ ગાંગુલી
  • 17 રોહિત શર્મા- શિખર ધવન
  • 16 એડમ ગિલક્રિસ્ટ- મેથ્યુ હેડન
રોહિત શર્મા અને શિખર ધવને પ્રથમ વિકેટ માટે 103 રનની ભાગીદારી કરી હતી.
રોહિત શર્મા અને શિખર ધવને પ્રથમ વિકેટ માટે 103 રનની ભાગીદારી કરી હતી.

છેલ્લા 10 વર્ષમાં ઘરઆંગણે વનડેમાં શ્રેષ્ઠ શરૂઆત
ભારતે આજે ઇંગ્લેન્ડ સામે પ્રથમ બેટિંગ કરતાં 10 ઓવરમાં વિના વિકેટે 65 રન કર્યા. ભારતની આ છેલ્લા 10 વર્ષમાં ઘરઆંગણે વનડેમાં શ્રેષ્ઠ શરૂઆત છે. આ પહેલાં ટીમે 2011ના વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે 73/1 કર્યા હતા.

કેપ્ટન તરીકે કોહલીની 200મી ઇન્ટરનેશનલ મેચ
કેપ્ટન તરીકે વિરાટ કોહલીની આ ત્રણેય ફોર્મેટમાં મળાવીને 200મી ઇન્ટરનેશનલ મેચ છે. તે આ સિદ્ધિ મેળવનાર વર્લ્ડનો આઠમો અને ભારતનો ત્રીજો કેપ્ટન છે. વર્લ્ડમાં મહેન્દ્ર સિંહ ધોનીએ સૌથી વધુ 332 મેચમાં કપ્તાની કરી છે.

ઇંગ્લેન્ડે ટોસ જીતીને બોલિંગ લીધી
ઇંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ભારત સામેની ત્રીજી વનડેમાં પુણે ખાતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ઇંગ્લેન્ડે પોતાની પ્લેઈંગ-11માં એક ફેરફાર કર્યો છે. ટોમ કરનની જગ્યાએ માર્ક વુડ રમી રહ્યો છે. જ્યારે ભારતે પણ પોતાની ટીમમાં એક બદલાવ કર્યો છે. કુલદીપ યાદવની જગ્યાએ ટી-નટરાજન રમી રહ્યો છે. શ્રેણી 1-1ની બરાબરી પર છે. આજે મેચ જીતનાર ટીમ સીરિઝ પોતાના નામે કરશે.

ભારતની પ્લેઈંગ 11: શિખર ધવન, રોહિત શર્મા, વિરાટ કોહલી (કેપ્ટન), લોકેશ રાહુલ, ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, શાર્દુલ ઠાકુર, ટી. નટરાજન અને પ્રસિદ્વ કૃષ્ણ

ઇંગ્લેન્ડની પ્લેઈંગ-11: જેસન રોય, જોની બેરસ્ટો, બેન સ્ટોક્સ, ડેવિડ મલાન, જોસ બટલર (કેપ્ટન/ વિકેટકીપર), લિયમ લિવિંગ્સ્ટોન, મોઇન અલી, સેમ કરન, માર્ક વુડ, આર. ટોપ્લે અને આદિલ રાશિદ

81 વનડે પછી ટીમ ઇન્ડિયા રીસ્ટ-સ્પિનર વગર રમી રહી છે
ભારતની પ્લેઈંગ-11માં કુલદીપ યાદવ કે યુઝવેન્દ્ર ચહલ બંનેમાંથી કોઈને પણ સ્થાન મળ્યું નથી. ટીમ ઇન્ડિયાની પ્લેઈંગ-11માં રીસ્ટ-સ્પિનર ન હોય તેવું 81 વનડે પછી પહેલીવાર બન્યું છે. છેલ્લે ભારત 2017 ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં એકપણ રીસ્ટ સ્પિનર વગર રમ્યું હતું.

ઇંગ્લેન્ડ ભારતમાં એક જ દ્વિપક્ષીય શ્રેણી જીત્યું છે
ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે ભારતમાં કુલ 9 દ્વિપક્ષીય શ્રેણી રમાઈ છે. તેમાંથી 6 ભારતે અને માત્ર 1 ઇંગ્લેન્ડે જીતી છે. 2 શ્રેણી ડ્રો રહી હતી. ઇંગ્લેન્ડ 1984માં 4-1થી શ્રેણી જીત્યું હતું, પરંતુ તે પછી અહીં બાઈલેટરલ સીરિઝ જીતવામાં નિષ્ફ્ળ રહ્યું છે. બીજી તરફ, ભારત ઇંગ્લેન્ડ સામે ઘરઆંગણે છેલ્લી પાંચેય શ્રેણી જીત્યું છે અને સતત છઠ્ઠી સીરિઝ જીતવા પૂરેપૂરો પ્રયાસ કરશે.

ટ્રોફી સાથે ઇંગ્લિશ કેપ્ટન જોસ બટલર અને ભારતીય કેપ્ટન વિરાટ કોહલી.
ટ્રોફી સાથે ઇંગ્લિશ કેપ્ટન જોસ બટલર અને ભારતીય કેપ્ટન વિરાટ કોહલી.

નંબર ગેમ
1. ભારત વનડે શ્રેણી હારવાની હેટ્રિક લગાવવાથી બચવા માગશે. આ પહેલાંની બંને શ્રેણી ટીમ ઇન્ડિયાએ ગુમાવી હતી. ઓસ્ટ્રેલિયાએ 2-1થી અને ન્યૂઝીલેન્ડે 3-0થી હરાવ્યા હતા.
2. શિખર ધવન 6 હજાર રનના માઈલસ્ટોનથી 90 રન દૂર છે. તે આ સિદ્ધિ મેળવી તો 6 હજાર રન કરનાર 10મો ભારતીય બેટ્સમેન બનશે.

અન્ય સમાચારો પણ છે...