તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રેણી 1-1થી બરાબર:ઇંગ્લેન્ડનો ભારત સામે સૌથી સફળ રનચેઝ, 47 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો; બેરસ્ટોએ કરિયરની 11મી સદી મારી

પુણે3 મહિનો પહેલા
 • ભારતે 50 ઓવરમાં 6 વિકેટે 336 રન બનાવ્યા, લોકેશ રાહુલે સર્વાધિક 108 રન કર્યા
 • જવાબમાં ઇંગ્લેન્ડે 4 વિકેટ ગુમાવી ટાર્ગેટ ચેઝ કર્યો, જોની બેરસ્ટોએ 124 રન બનાવ્યા
 • અંતિમ વનડે 28 માર્ચે પુણે ખાતે રમાશે

ઇંગ્લેન્ડે ત્રણ વનડે શ્રેણીની બીજી મેચમાં પુણે ખાતે ભારતને 6 વિકેટે હરાવ્યું છે. 337 રનનો પીછો કરતાં ઇંગ્લિશ ટીમે 43.3 ઓવરમાં ટાર્ગેટ ચેઝ કર્યો. આ તેમનો ભારત સામે વનડેમાં સૌથી સફળ રનચેઝ છે. અગાઉ 47 વર્ષ પહેલાં તેમણે 1974માં લીડ્સ ખાતે 266 રન ચેઝ કર્યા હતા. આ મેચ જીતીને ઇંગ્લિશ ટીમે શ્રેણી 1-1થી બરાબર કરી દીધી છે. અંતિમ વનડે 28 માર્ચે પુણે ખાતે જ રમાશે. મેચનું સ્કોરકાર્ડ જોવા અહીં ક્લિક કરો...

બેરસ્ટોએ કરિયરની 11મી સદી મારી
જોની બેરસ્ટોએ પોતાના કરિયરની 11મી સદી ફટકારતાં 11 ફોર અને 7 સિક્સની મદદથી 124 રન બનાવ્યા હતા. તે કૃષ્ણ પ્રસિદ્વની બોલિંગમાં વિરાટ કોહલી દ્વારા કેચ આઉટ થયો હતો. ત્યારબાદ જોસ બટલર શૂન્ય રને કૃષ્ણની એ જ ઓવરમાં બોલ્ડ થયો હતો. ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમે ઇંગ્લેન્ડ સામે છેલ્લી 5 વનડેમાંથી ચારમાં હારનો સામનો કર્યો છે. એક જીત વર્તમાન શ્રેણીની પહેલી વનડેમાં મળી હતી, જે ગેમ ભારતે 66 રને પોતાના નામે કરી હતી.

વનડેમાં સદી માર્યા વગર એક ઇનિંગ્સમાં સૌથી વધુ સિક્સ:

 • 10 સિક્સ: બેન સ્ટોક્સ (99 રન કર્યા) વિરુદ્ધ ભારત, 2021
 • 9 સિક્સ: એસ. પ્રશ્નના (95 રન કર્યા) વિરુદ્ધ આયર્લેન્ડ, 2016
 • 9 સિક્સ: ક્રિસ ગેલ (77 રન કર્યા) વિરુદ્ધ ઇંગ્લેન્ડ, 2019

સ્ટોક્સ 1 રન માટે સદી ચૂક્યો
ઇંગ્લિશ ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ 1 રન માટે સદી ચૂક્યો હતો. તેણે પોતાના વનડે કરિયરની 21મી ફિફટી ફટકારતાં 52 બોલમાં 4 ફોર અને 10 સિક્સની મદદથી 99 રન કર્યા. તે ભુવનેશ્વર કુમારની બોલિંગમાં વિકેટકીપર ઋષભ પંતના હાથે કેચ આઉટ થયો હતો. તેણે અને બેરસ્ટોએ બીજી વિકેટ માટે 175 રનની ભાગીદારી કરી હતી.

વનડેમાં સૌથી ઝડપી 11 સદી:

 • 64 ઇનિંગ્સ: હાશિમ અમલા
 • 65 ઇનિંગ્સ: કવિન્ટન ડી કોક
 • 71 ઇનિંગ્સ: બાબર આઝમ
 • 78 ઇનિંગ્સ: જોની બેરસ્ટો
 • 82 ઇનિંગ્સ: વિરાટ કોહલી

રોય-બેરસ્ટોએ સતત ત્રીજી વનડેમાં ભારત વિરુદ્ધ 100+ રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી:

 • 160 (133) એજબેસ્ટન 2019
 • 135 (86) પુણે 2021 (પ્રથમ વનડે)
 • 110 (99) પુણે 2021 (બીજી વનડે)

રોયની 19મી ફિફટી
જેસન રોયે પોતાના વનડે કરિયરની 19મી ફિફટી ફટકારતાં 52 બોલમાં 7 ફોર અને 1 સિક્સની મદદથી 55 રન કર્યા હતા. તેણે અને જોની બેરસ્ટોએ પ્રથમ વિકેટ માટે 110 રનની ભાગીદારી કરી હતી. તેમજ તેની અને બેરસ્ટોની જોડીએ સતત ત્રીજી વનડેમાં ભારત વિરુદ્ધ 100+ રન બનાવ્યા. આ પહેલાં ઓસ્ટ્રેલિયાના એડમ ગિલક્રિસ્ટ અને મેથ્યુ હેડને 2003માં ભારત વિરુદ્ધ સતત ત્રણ વનડેમાં 100+ રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી.

ઇંગ્લિશ ઓપનર્સ જોની બેરસ્ટો અને જેસન રોયે પ્રથમ વિકેટ માટે 110 રનની ભાગીદારી કરી.
ઇંગ્લિશ ઓપનર્સ જોની બેરસ્ટો અને જેસન રોયે પ્રથમ વિકેટ માટે 110 રનની ભાગીદારી કરી.

રોયે પ્રસિદ્ધની એક ઓવરમાં ત્રણ ફોર મારી
ઇંગ્લેન્ડની ઇનિંગ્સની છઠ્ઠી ઓવરમાં જેસન રોયે પ્રસિદ્વની બોલિંગમાં ત્રણ ફોર મારી હતી. તેણે ઓવરના પ્રથમ બોલે મિડવિકેટ, બીજા બોલે સ્કવેર લેગ અને ચોથા બોલે ફાઈન લેગ બાઉન્ડરી પર બોલ પહોંચાડ્યો હતો.

ભારતે 337 રનનો ટાર્ગેટ આપ્યો
ભારતે ઇંગ્લેન્ડ સામે ત્રણ વનડે શ્રેણીની બીજી મેચમાં પુણે ખાતે 50 ઓવરમાં 6 વિકેટે 336 રન કર્યા છે. ટીમ ઇન્ડિયા માટે લોકેશ રાહુલે વનડે કરિયરની પાંચમી ફિફટી ફટકારતાં 108 રન બનાવ્યા. જ્યારે ઋષભ પંતે 77 અને વિરાટ કોહલીએ 66 રનનું યોગદાન આપ્યું. હાર્દિક પંડ્યાએ 16 બોલમાં 35 રન ફટકારીને ઇનિંગ્સને ફિનિશિંગ ટચ આપ્યો. ઇંગ્લેન્ડ માટે રીસ ટોપ્લે અને ટોમ કરને 2-2 વિકેટ, આદિલ રાશિદ અને સેમ કરને 1-1 વિકેટ ઝડપી.

ટીમ ઇન્ડિયા માટે લોકેશ રાહુલે 114 બોલમાં સર્વાધિક 108 રન, જ્યારે ઋષભ પંતે 40 બોલમાં 77 રન બનાવ્યા.
ટીમ ઇન્ડિયા માટે લોકેશ રાહુલે 114 બોલમાં સર્વાધિક 108 રન, જ્યારે ઋષભ પંતે 40 બોલમાં 77 રન બનાવ્યા.

છેલ્લી 5 વનડેમાં ભારતનો સ્કોર

 • 308/8 વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, સિડની
 • 338/9 વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, સિડની
 • 302/5 વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, કેનબરા
 • 317/5 વિરુદ્ધ ઇંગ્લેન્ડ, પુણે
 • 336/6* વિરુદ્ધ ઇંગ્લેન્ડ, પુણે
 • ભારતે બીજીવાર સતત પાંચ વનડેમાં 300+ રન કર્યા છે. આ પહેલાં 2017માં સતત પાંચ વનડેમાં 300+ રન બનાવ્યા હતા. ત્યારે પાંચમાંથી ત્રણ વખત સ્કોર ઇંગ્લેન્ડ સામે કર્યો હતો.

રાહુલે કરિયરની પાંચમી સેન્ચુરી મારી
લોકેશ રાહુલે પોતાના વનડે કરિયરની પાંચમી સદી ફટકારતાં 114 બોલમાં 7 ફોર અને 2 સિક્સની મદદથી 108 રન બનાવ્યા. તે ટોમ કરનની બોલિંગમાં ડીપ સ્કવેર લેગ પર ટોપ્લે દ્વારા કેચ આઉટ થયો હતો. તેણે અને ઋષભ પંતે ચોથી વિકેટ માટે 113 રનની ભાગીદારી કરી હતી.

પંત 2 વાર રિવ્યૂ લઈને બચ્યો
ઋષભ પંત 40 રને રમી રહ્યો હતો ત્યારે ટોમ કરનની બોલિંગમાં તેને કેચ આઉટ જાહેર કરાયો હતો. તે પછી પંતે રિવ્યૂ લીધો. રિપ્લેમાં સ્પષ્ટ હતું કે કરનનો શોર્ટ બોલ પંતના બેટ કે ગ્લવ્સને અડ્યો નહોતો. તે પહેલાં પણ રિવ્યૂ લઈને બચ્યો હતો. તે 27 રને રમી રહ્યો હતો ત્યારે ટોમ કરનની જ બોલિંગમાં તેને LBW આઉટ અપાયો હતો. જોકે, રિપ્લેમાં સ્પષ્ટ હતું કે, બોલ તેના બેટને અડ્યો હતો.

વનડેમાં કોહલીને સૌથી વધુ વખત આઉટ કરનાર લેગ સ્પિનર:

 • એડમ ઝામ્પા: 5 વાર
 • ઈશ સોઢી: 3 વાર
 • આદિલ રાશિદ: 3 વાર

કોહલી અને રાહુલની 121 રનની ભાગીદારી
વિરાટ કોહલીએ પોતાના વનડે કરિયરની 62મી ફિફટી ફટકારતાં 79 બોલમાં 3 ફોર અને 1 સિક્સની મદદથી 66 રન કર્યા હતા. તે આદિલ રાશિદની બોલિંગમાં કીપર બટલર દ્વારા કેચ આઉટ થયો હતો. રાશિદે વનડેમાં કોહલીને ત્રીજીવાર આઉટ કર્યો છે. આઉટ થતાં પહેલા કોહલીએ વનડેનો મેજર રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તે વનડેમાં એક જ ક્રમે સૌથી ઝડપી 10 હજાર રન બનાવનાર બેટ્સમેન બન્યો છે. તેમજ તેણે અને લોકેશ રાહુલે ત્રીજી વિકેટ માટે 121 રનની ભાગીદારી કરી છે.

સતત ચોથી વનડેમાં 50+ સ્કોર
કોહલીએ કરિયરમાં સાતમીવાર સતત ચાર ઇનિંગ્સમાં 50+ સ્કોર કર્યા. છેલ્લી ચાર વનડે ઇનિંગ્સમાં તેનો સ્કોર: 89, 63, 56, 50* (આજે). આ પહેલાં તે વનડે કરિયરમાં 6 વખત આ રીતે સતત ચાર ઇનિંગ્સમાં 50+ સ્કોર કરી ચૂક્યો છે.

કોહલીએ પોતાની ઇનિંગ્સ દરમિયાન કેટલાક આકર્ષક શોટ્સ ફટકાર્યા હતા.
કોહલીએ પોતાની ઇનિંગ્સ દરમિયાન કેટલાક આકર્ષક શોટ્સ ફટકાર્યા હતા.

કોહલીને જીવનદાન
વિરાટ કોહલી 35 રને રમી રહ્યો હતો ત્યારે લેગ સ્પિનર આદિલ રાશિદની બોલિંગમાં સ્ટમ્પ પાછળ ઇંગ્લિશ કપ્તાન જોસ બટલરે તેનો કેચ છોડ્યો હતો. આ કેચ છોડવો ઇંગ્લેન્ડને કેટલો મોંઘો પડશે?

રોહિત શરૂઆતને કન્વર્ટ કરી શક્યો નહીં
રોહિત શર્મા સેમ કરનની બોલિંગમાં શોર્ટ ફાઈન લેગ પર આદિલ રાશિદના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 25 બોલમાં 5 ફોરની મદદથી 25 રન બનાવ્યા હતા. રોહિત મોટા સ્કોરમાં સેટ જણાતો હતો, પરંતુ શરૂઆતને કન્વર્ટ કરી શક્યો નહીં.

રોહિતને આઉટ કર્યા પછી બેન સ્ટોક્સ સાથે સેલિબ્રેટ કરતો સેમ કરન.
રોહિતને આઉટ કર્યા પછી બેન સ્ટોક્સ સાથે સેલિબ્રેટ કરતો સેમ કરન.

રોહિતે ટોપ્લેની ઓવરમાં ત્રણ ફોર મારી
ભારતીય ઇનિંગ્સની આઠમી ઓવરમાં રોહિત શર્માએ ડાબોડી ફાસ્ટ બોલર રીસ ટોપ્લેની બોલિંગમાં ત્રણ ફોર મારી હતી. ઓવરના પ્રથમ બોલે સ્કવેર લેગ, ત્રીજા બોલે બેકવર્ડ પોઇન્ટ પર અને પાંચમા બોલે ડીપમાં ફોર મારી હતી. ઓવરના બીજો, ચોથો અને છેલ્લો બોલ ખાલી ગયો હતો.

ધવને નિરાશ કર્યા
ગઈ મેચનો હીરો શિખર ધવન આ મેચમાં નિષ્ફ્ળ રહ્યો હતો. તે રીસ ટોપ્લેની બોલિંગમાં સ્લીપમાં બેન સ્ટોક્સ દ્વારા કેચ આઉટ થયો હતો. ધવને 17 બોલમાં માત્ર 4 રન બનાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગઈ મેચમાં 98 રન બનાવીને ધવન મેન ઓફ ધ મેચ બન્યો હતો.

શિખર ધવનને આઉટ કર્યા પછી સાથી ખેલાડીઓ સાથે ઉજવણી કરતો રીસ ટોપ્લે.
શિખર ધવનને આઉટ કર્યા પછી સાથી ખેલાડીઓ સાથે ઉજવણી કરતો રીસ ટોપ્લે.

સ્ટોક્સે બોલ પર થૂંક લગાવી
ભારતીય ઇનિંગ્સની ચોથી ઓવરમાં ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે બોલ પર થૂંક લગાવી હતી. અમ્પાયરે આ બદલ ઇંગ્લિશ ટીમને વોર્નિંગ આપી હતી.

ઇંગ્લેન્ડે ટોસ જીતીને બોલિંગ લીધી
ઇંગ્લેન્ડના સ્ટેન્ડ-ઈન કેપ્ટન જોસ બટલરે ભારત સામે ત્રણ વનડે શ્રેણીની બીજી મેચમાં પુણે ખાતે ટોસ જીતીને બોલિંગ લીધી છે. ઇંગ્લેન્ડનો નિયમિત કપ્તાન ઓઇન મોર્ગન ઇજાને લીધે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. ભારત શ્રેણીમાં 1-0થી આગળ છે.

ટોસ દરમિયાન વિરાટ કોહલી અને જોસ બટલર.
ટોસ દરમિયાન વિરાટ કોહલી અને જોસ બટલર.

ભારતીય ટીમમાં માત્ર એક બદલાવ
ટીમ ઇન્ડિયાએ પોતાની પ્લેઈંગ-11માં માત્ર એક ફેરફાર કર્યો છે. ઈજાગ્રસ્ત શ્રેયસ ઐયરની જગ્યાએ ઋષભ પંતને પ્લેઈંગ-11માં તક મળી છે. ઐયરને પ્રથમ વનડે દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે ડાબા ખભામાં ઇજા થઈ હતી. તે મિનિમમ 3 મહિના ક્રિકેટથી દૂર રહેશે.

ઇંગ્લેન્ડની ટીમમાં ત્રણ ફેરફાર, લિયમ લિવિંગ્સ્ટોનનું ડેબ્યુ
જ્યારે ઇંગ્લેન્ડની ટીમમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે. ઓઇન મોર્ગનની જગ્યાએ ડેવિડ મલાન, સેમ બિલિંગ્સની જગ્યાએ લિયમ લિવિંગ્સ્ટોન અને માર્ક વુડની જગ્યાએ આર. ટોપ્લે રમી રહ્યા છે.

ભારતની પ્લેઈંગ-11: રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી (કેપ્ટન), લોકેશ રાહુલ, ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ અને પ્રસિદ્ધ કૃષ્ણ

ઇંગ્લેન્ડની પ્લેઈંગ-11: જેસન રોય, જોની બેરસ્ટો, બેન સ્ટોક્સ, ડેવિડ મલાન, જોસ બટલર (કેપ્ટન/ વિકેટકીપર), લિયમ લિવિંગ્સ્ટોન, મોઇન અલી, ટોમ કરન, સેમ કરન, આર. ટોપ્લે અને આદિલ રાશિદ

ભારત પ્રથમ વનડે 66 રને જીત્યું હતું
ભારતે ત્રણ વનડે શ્રેણીની પ્રથમ મેચમાં પુણે ખાતે ઇંગ્લેન્ડને 66 રને હરાવ્યું હતું. ટોસ હાર્યા પછી પ્રથમ બેટિંગ કરતાં ભારતે 50 ઓવરમાં 5 વિકેટે 317 રન કર્યા હતા. જવાબમાં ઇંગ્લિશ ટીમ 42.1 ઓવરમાં 251 રનમાં ઓલઆઉટ થઈ હતી. મેચ જીતીને ભારતે શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. તેમજ પ્રસિદ્વ કૃષ્ણ ડેબ્યુ પર 4 વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર બન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...