તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટીમ ઇન્ડિયા શ્રેણીમાં 1-0થી આગળ:ઇંગ્લેન્ડ સામે વર્લ્ડ કપમાં મળેલી હારનો બદલો લીધો, પ્રસિદ્વ કૃષ્ણ ડેબ્યુ પર 4 વિકેટ લેનાર ભારતનો પ્રથમ બોલર બન્યો

પુણે4 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રસિદ્વ કૃષ્ણએ પોતાની ડેબ્યુ મેચમાં જેસન રોય, બેન સ્ટોક્સ, ટોમ કરન અને સેમ બિલિંગ્સની વિકેટ ઝડપી. - Divya Bhaskar
પ્રસિદ્વ કૃષ્ણએ પોતાની ડેબ્યુ મેચમાં જેસન રોય, બેન સ્ટોક્સ, ટોમ કરન અને સેમ બિલિંગ્સની વિકેટ ઝડપી.
 • ભારતે 50 ઓવરમાં 5 વિકેટે 317 રન બનાવ્યા, જવાબમાં ઇંગ્લેન્ડ 251 રનમાં ઓલઆઉટ
 • પ્રસિદ્ધ કૃષ્ણએ 4, શાર્દુલ ઠાકુરે 3, ભુવનેશ્વર કુમારે 2 અને કૃણાલ પંડ્યાએ 1 વિકેટ લીધી
 • 106 બોલમાં 11 ફોર અને 2 સિક્સની મદદથી 98 રન કરનાર શિખર ધવન પ્લેયર ઓફ ધ મેચ બન્યો

ભારતે ત્રણ વનડે શ્રેણીની પ્રથમ મેચમાં પુણે ખાતે ઇંગ્લેન્ડને 66 રને હરાવ્યું છે. ટોસ હાર્યા પછી પ્રથમ બેટિંગ કરતાં ભારતે 50 ઓવરમાં 5 વિકેટે 317 રન કર્યા હતા. જવાબમાં ઇંગ્લિશ ટીમ 42.1 ઓવરમાં 251 રનમાં ઓલઆઉટ થઈ હતી. મેચ જીતીને ભારતે શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. 2019ના વનડે વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડે ભારતને 31 રને હરાવ્યું હતું. ભારતે આ મેચ જીતીને તે હારનો બદલો લીધો છે. તેમજ પ્રસિદ્વ કૃષ્ણ ડેબ્યુ પર 4 વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર બન્યો છે. બીજી વનડે પુણેમાં જ 26 માર્ચના રોજ રમાશે. મેચનું સ્કોરકાર્ડ જોવા અહીં ક્લિક કરો...

રનચેઝમાં ઇંગ્લેન્ડ માટે જોની બેરસ્ટોએ પોતાના કરિયરની 14મી ફિફટી ફટકારતાં 94 રન બનાવ્યા હતા. તેના સિવાય જેસન રોયે 46 અને મોઇન અલીએ 30 રનનું યોગદાન આપ્યું હતું. અન્ય કોઈ બેટ્સમેન 30 રનનો આંક વટાવી શક્યો નહોતો. ભારત માટે ડેબ્યુટન્ટ પ્રસિદ્વ કૃષ્ણએ 4, શાર્દુલ ઠાકુરે 3, ભુવનેશ્વર કુમારે 2 અને કૃણાલ પંડ્યાએ 1 વિકેટ ઝડપી.

ડેબ્યુ પર ભારત માટે વનડેમાં શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન:

 • પ્રસિદ્વ કૃષ્ણ 4/32, ઇંગ્લેન્ડ, પુણે, 2021
 • નોએલ ડેવિડ 3/21, વેસ્ટ ઇન્ડિઝ, ત્રિનિદાદ, 1997
 • વરુણ આરોન 3/24, ઇંગ્લેન્ડ, મુંબઈ, 2011

2015 પછી વનડેમાં ઇંગ્લેન્ડની રનના માર્જિનથી સૌથી મોટી હાર:

 • 219 રન વિરુદ્ધ શ્રીલંકા, કોલંબો 2018
 • 66 રન વિરુદ્ધ ઇન્ડિયા, પુણે 2021*
 • 64 રન વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, લોર્ડ્સ 2015
 • 64 રન વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, લોર્ડ્સ 2019
 • 59 રન વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, સાઉથહેમ્પટન 2015

છેલ્લી 5 વનડે શ્રેણીની પ્રથમ મેચમાં ભારતનો દેખાવ:

 • 8 વિકેટે હાર્યું વિરુદ્ધ વેસ્ટ ઇન્ડિઝ, ચેન્નઈ
 • 10 વિકેટે હાર્યું વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, મુંબઈ
 • 4 વિકેટે હાર્યું વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ, હેમિલ્ટન
 • 66 રને હાર્યું વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, સિડની
 • 66 રને જીત્યું વિરુદ્ધ ઇંગ્લેન્ડ, પુણે*

મોર્ગન શરૂઆતને મોટા સ્કોરમાં કન્વર્ટ કરી શક્યો નહીં
ઇંગ્લિશ કેપ્ટન ઓઇન મોર્ગન સારી શરૂઆતને મોટા સ્કોરમાં કન્વર્ટ કરી શક્યો નહોતો. તે શાર્દુલ ઠાકુરની બોલિંગમાં કીપર રાહુલ દ્વારા કેચ આઉટ થયો હતો. તેણે 30 બોલમાં 1 ફોર અને 1 સિક્સની મદદથી 22 રન કર્યા હતા.

બેરસ્ટો 6 રન માટે સદી ચૂક્યો
જોની બેરસ્ટોએ પોતાના વનડે કરિયરની 14મી ફિફટી ફટકારતાં 66 બોલમાં 6 ફોર અને 7 સિક્સની મદદથી 94 રન કર્યા હતા. તે શાર્દુલ ઠાકુરની બોલિંગમાં ડીપમાં કુલદીપ યાદવ દ્વારા કેચ આઉટ થયો હતો.

મિસ્ડ ચાન્સ: ઓઇન મોર્ગન શૂન્ય રને હતો અને પોતાનો પ્રથમ બોલ રમ્યો ત્યારે પ્રસિદ્વ કૃષ્ણની બોલિંગમાં વિરાટ કોહલીએ સ્લીપમાં તેનો કેચ છોડ્યો હતો. તેમજ રનઆઉટ ચાન્સ પણ મિસ કર્યો હતો.

સ્ટોક્સ સસ્તામાં આઉટ
બેન સ્ટોક્સ 1 રને પ્રસિદ્વ કૃષ્ણની બોલિંગમાં શોર્ટ કવર પર સબસ્ટિયૂટ શુભમન ગિલના હાથે કેચ આઉટ થયો હતો. સ્ટોક્સે 11 બોલમાં 1 રન કર્યો હતો.

જેસન રોય અને જોની બેરસ્ટોએ પ્રથમ વિકેટ માટે 135 રનની ભાગીદારી કરી.
જેસન રોય અને જોની બેરસ્ટોએ પ્રથમ વિકેટ માટે 135 રનની ભાગીદારી કરી.

રોયને આઉટ કરીને કૃષ્ણએ કરિયરની પ્રથમ વિકેટ લીધી
જેસન રોયે આક્રમક બેટિંગ કરતાં 35 બોલમાં 7 ફોર અને 1 સિક્સની મદદથી 46 રન કર્યા હતા. તે પ્રસિદ્વ કૃષ્ણની બોલિંગમાં બેકવર્ડ પોઇન્ટ પર સબ્સ્ટિટયૂટ સૂર્યકુમારના હાથે કેચ આઉટ થયો હતો. રોય કૃષ્ણના કરિયરની પ્રથમ વિકેટ છે.

ઇંગ્લેન્ડ માટે વનડેમાં સૌથી વધુ સદીની ભાગીદારી કરનાર જોડી

 • 12 : જોની બેરસ્ટો/ જેસન રોય*
 • 12 : ઓઇન મોર્ગન/ જો રૂટ

ફિલ્ડિંગ કરતાં શ્રેયસ ઐયર ઈજાગ્રસ્ત થયો, ગ્રાઉન્ડની બહાર ગયો
ઇનિંગ્સની આઠમી ઓવરમાં શાર્દુલ ઠાકુરે નાખેલા ચોથા બોલમાં શ્રેયસ ઐયર ઈજાગ્રસ્ત થયો. જોની બેરસ્ટોએ મારેલા શોટમાં ફોર રોકવા જતાં ઐયરે પોતાની ડાબી બાજુ ડાઇવ લગાવી. તેણે ડાઇવ લગાવી તે દરમિયાન તેના ડાબા ખભામાં ઇજા થઈ હતી. તે ગ્રાઉન્ડની બહાર ગયો અને તેની જગ્યાએ શુભમન ગિલ સબ્સ્ટિટયૂટ ફિલ્ડર તરીકે મેદાન પર આવ્યો છે.

બેરસ્ટોએ કૃષ્ણની ઓવરમાં 22 રન ફટકાર્યા
જોની બેરસ્ટોએ ઇનિંગ્સની છઠ્ઠી ઓવરમાં ડેબ્યુટન્ટ પ્રસિદ્ધ કૃષ્ણની ઓવરમાં 22 રન ફટકાર્યા હતા. આ ઓવરમાં 2 સિક્સ, 2 ફોર અને એક ડબલ રન લીધા હતા.

ભારતે 318 રનનો ટાર્ગેટ આપ્યો
ભારતે ઇંગ્લેન્ડ સામે ત્રણ વનડે શ્રેણીની પ્રથમ મેચમાં પુણે ખાતે 50 ઓવરમાં 5 વિકેટે 317 રન કર્યા છે. ટીમ ઇન્ડિયા વતી શિખર ધવને 98, લોકેશ રાહુલે 62, કૃણાલ પંડ્યાએ 58*, વિરાટ કોહલીએ 56 રન બનાવ્યા. ઇંગ્લેન્ડ માટે બેન સ્ટોક્સે 3 અને માર્ક વુડે 2 વિકેટ ઝડપી છે.

વનડેમાં ડેબ્યુ પર ફાસ્ટેસ્ટ ફિફટીનો રેકોર્ડ કૃણાલના નામે
ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાએ ડેબ્યુ પર પ્રતિભાશાળી ઇનિંગ્સ રમતા 26 બોલમાં ફિફટી પૂરી કરી હતી. આ સાથે તે ડેબ્યુ પર ફાસ્ટેસ્ટ ફિફટી બનાવનાર બેટ્સમેન બન્યો. અગાઉ ઇંગ્લેન્ડના જોન મોરીસે 1990માં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 35 બોલમાં 50 રન કર્યા હતા. કૃણાલે 31 બોલમાં 7 ફોર અને 2 સિક્સની મદદથી 58* રન કર્યા. જ્યારે લોકેશ રાહુલે પોતાના વનડે કરિયર ની 9મી ફિફટી ફટકારતાં 62* રન બનાવ્યા.

ઇંગ્લેન્ડ સામે ભારત તરફથી ફાસ્ટેસ્ટ ફિફટી:

 • 26 બોલ - એમએસ ધોની, કાર્ડિફ, 2011
 • 26 બોલ - કૃણાલ પંડ્યા, પુણે, આજે
 • 29 બોલ - યુસુફ પઠાણ, ઇન્દોર, 2008
 • 29 બોલ - કેદાર જાધવ, પુણે, 2017

ડેબ્યુ પર સૌથી ઊંચી સ્ટ્રાઈક રેટે ફિફટી:

 • 255.00 શાહિદ આફ્રિદી
 • 187.10 કૃણાલ પંડ્યા
 • 136.96 જોન મોરીસ

કૃણાલે કરનની એક ઓવરમાં ત્રણ ફોર મારી
પોતાની ડેબ્યુ ઇનિંગ્સમાં કૃણાલ પંડ્યાએ ઇંગ્લેન્ડના ડાબોડી ફાસ્ટ બોલર સેમ કરનની એક ઓવરમાં ત્રણ ફોર મારી હતી. ભારતીય ઇનિંગ્સની 42મી ઓવરના ત્રીજા બોલે મિડવિકેટ, ચોથા બોલે સ્કવેર લેગ અને છઠ્ઠા બોલે ફરી સ્કવેર લેગ પર બાઉન્ડરી મારી હતી. અગાઉ હાર્દિક પંડ્યા 1 રને બેન સ્ટોક્સની બોલિંગમાં ફર્સ્ટ સ્લીપમાં જોની બેરસ્ટો દ્વારા કેચ આઉટ થયો હતો.

ધવન 2 રન માટે સદી ચૂક્યો
ભારતીય ઓપનર શિખર ધવન 2 રન માટે સદી ચૂક્યો હતો. તેણે પોતાના વનડે કરિયરની 31મી ફિફટી ફટકારતાં 106 બોલમાં 11 ફોર અને 2 સિક્સની મદદથી 98 રન કર્યા હતા. તે બેન સ્ટોક્સની બોલિંગમાં મિડવિકેટ પર ઓઇન મોર્ગન દ્વારા કેચ આઉટ થયો હતો.

ધવનને આઉટ કર્યા પછી સાથી ખેલાડીઓ સાથે ઉજવણી કરતો બેન સ્ટોક્સ.
ધવનને આઉટ કર્યા પછી સાથી ખેલાડીઓ સાથે ઉજવણી કરતો બેન સ્ટોક્સ.

ઐયર નિષ્ફ્ળ રહ્યો
શ્રેયસ ઐયર નિષ્ફ્ળ રહ્યો હતો. તે માર્ક વુડની બોલિંગમાં કવર્સ પર સબ્સ્ટિટયૂટ લિવિંગસ્ટોનના હાથે કેચ આઉટ થયો હતો. ઐયરે 9 બોલમાં 1 ફોરની મદદથી 6 રન કર્યા હતા.

બિલિંગ્સ ઈજાગ્રસ્ત, ગ્રાઉન્ડની બહાર
સેમ બિલિંગ્સ ડીપ સ્કવેર લેગ પર ફિલ્ડિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. ભારતીય ઇનિંગ્સની 33મી ઓવરના અંતિમ બોલે ધવને માર્ક વુડની બોલિંગમાં શોટ માર્યો. બિલિંગ્સ ડાઇવ મારીને ફોર રોકવા ગયો તેમાં તેના ડાબા ખભે ઇજા થઈ. તે ગ્રાઉન્ડની બહાર જતો રહ્યો છે, બેટિંગ કરવા આવશે કે નહીં, તે અંગે સત્તાવાર જાહેરાત થઈ નથી.

કોહલીની વનડેમાં 61મી ફિફટી, શિખર સાથે 105 રનની ભાગીદારી
વિરાટ કોહલીએ પોતાના વનડે કરિયરની 61મી ફિફટી ફટકારતાં 60 બોલમાં 6 ફોરની મદદથી 56 રન કર્યા હતા. તે માર્ક વુડની બોલિંગમાં ડીપ-મિડવિકેટ પર મોઇન અલીના હાથે કેચ આઉટ થયો હતો. તેણે અને શિખરે બીજી વિકેટ માટે 105 રનની ભાગીદારી કરી હતી.

મિસ્ડ ચાન્સ: શિખર ધવન 59 રને રમી રહ્યો હતો ત્યારે આદિલ રાશિદની બોલિંગમાં મોઇન અલીએ ડીપ-મિડવિકેટ પર તેનો કેચ છોડ્યો હતો.

રોહિત અને શિખરની 64 રનની ભાગીદારી
જમણા હાથની કોણીમાં બોલ વાગવા છતાં રોહિત શર્માએ બેટિંગ કરવાનું ચાલુ રાખીને શિખર ધવન સાથે મળીને ટીમને સારી શરૂઆત અપાવી હતી. રોહિતે 42 બોલમાં 4 ફોરની મદદથી 28 રન બનાવ્યા હતા. તે બેન સ્ટોક્સની બોલિંગમાં કીપર જોસ બટલરના હાથે કેચ આઉટ થયો હતો. તેણે અને શિખરે પ્રથમ વિકેટ માટે 64 રનની ભાગીદારી કરી હતી.

મિસ્ડ ચાન્સ
શિખર ધવન 16 રને બેટિંગ કરી રહ્યો હતો ત્યારે ઇનિંગ્સની આઠમી ઓવરના પ્રથમ બોલે સેમ કરનની બોલિંગમાં જેસન રોયે તેનો કેચ છોડ્યો હતો. તે પછી ભારતીય ઓપનર્સ રન દોડ્યા, જો સેમ બિલિંગ્સનો થ્રો નોન-સ્ટ્રાઈકર એન્ડ પર લાગી ગયો હોત તો રોહિત રનઆઉટ થઈને પેવેલિયન ભેગો થઈ ગયો હોત.

વુડે 148 કિલોમીટરની ઝડપે નાખેલો બોલ રોહિતને કોણીમાં વાગ્યો
માર્ક વુડે ઇનિંગ્સની પાંચમી ઓવરમાં નાખેલો ચોથો બોલ રોહિત શર્માને વાગ્યો. વુડે 148 કિલોમીટરની ઝડપે બોલ નાખ્યો હતો, જે પિચ થઈને સીધો ગયો હતો. બોલ રોહિતના બેકફૂટ ડિફેન્સને મિસ કરીને તેના જમણા હાથની કોણી પર વાગ્યો હતો. રોહિતની સારવાર માટે મેચ અટકી હતી.

ઇંગ્લેન્ડે ટોસ જીતીને બોલિંગ લીધી
ઇંગ્લેન્ડના કેપ્ટન ઓઇન મોર્ગને પુણે ખાતે ત્રણ વનડે શ્રેણીની પ્રથમ મેચમાં ભારત સામે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારત માટે કૃણાલ પંડ્યા અને પ્રસિદ્ધ કૃષ્ણ ડેબ્યુ કરી રહ્યા છે. કૃણાલ બોલિંગ ઓલરાઉન્ડર છે: ડાબોડી ઓફ-સ્પિનર છે અને લોઅર-મિડલ ઓર્ડરમાં બેટ વડે યોગદાન આપવા સક્ષમ છે. જ્યારે કૃષ્ણ જમોડી ફાસ્ટ બોલર છે.

ભારતની પ્લેઈંગ-11: રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી (કેપ્ટન), શ્રેયસ ઐયર, લોકેશ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ અને પ્રસિદ્ધ કૃષ્ણ

ઇંગ્લેન્ડની પ્લેઈંગ-11: જેસન રોય, જોની બેરસ્ટો, બેન સ્ટોક્સ, ઓઇન મોર્ગન (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), સેમ બિલિંગ્સ, મોઇન અલી, ટોમ કરન, સેમ કરન, માર્ક વુડ અને આદિલ રાશિદ

પિચ રિપોર્ટ
ભારતના પૂર્વ ફાસ્ટ બોલર અજિત અગરકર અને પૂર્વ વિકેટકીપર દીપદાસ ગુપ્તાએ કહ્યું કે, પિચ બેટિંગ માટે બહુ સારી લાગી રહી છે. થોડી ઘાસ હોવાથી સિમ બોલર્સને મદદ મળી શકે છે, બાકી ઓવરઓલ બેટિંગ માટે એકદમ પર્ફેક્ટ છે. અહીં 280 રન પાર સ્કોર હશે, તેવું લાગે છે.

પ્રથમ વનડે માટેની પિચ.
પ્રથમ વનડે માટેની પિચ.