ભારત અને બાંગ્લાદેશની વચ્ચે 3 વન-ડે મેચની સિરીઝની છેલ્લી મેચ આજે ચિત્તાગોંગમાં રમાઈ ગઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાએ છેલ્લી મેચ 227 રને જીતી લીધી હતી. ટીમ ઈન્ડિયાએ આપેલા 410 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમ 34 ઓવરમાં જ 182 રનના સ્કોર પર ખખડી ગઈ હતી. ટીમ ઈન્ડિયા તરફથી સૌથી વધુ શાર્દૂલ ઠાકુરે 3 વિકેટ ઝડપી હતી. અક્ષર પટલે અને ઉમરાન મલિકે 2-2 વિકેટ લીધી હતી. તો કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ અને વોશિંગ્ટન સુંદરને 1-1 વિકેટ મળી હતી. બાંગ્લાદેશ તરફથી શાકિબ અલ હસને 43 રન બનાવ્યા હતા. તો લિટન દાસે 29 રન કર્યા હતા. જોકે બાંગ્લાદેશે ત્રણ મેચની વન-ડે સિરીઝ 2-1થી જીતી લીધી હતી.
પ્લેયર ઑફ ધ મેચ
અગાઉ ઈશાન કિશનની ધમાકેદાર ડબલ સેન્ચુરી અને કિંગ કોહલીની શાનદાર 72મી ઈન્ટરનેશનલ સદીની મદદથી ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં 8 વિકેટે 409 રન બનાવ્યા હતા. ઈશાન કિશન અને વિરાટ કોહલી સિવાય વોશિંગ્ટન સુંદરે 37 રન બનાવ્યા હતા. આ સિવાય અન્ય કોઈ ભારતીય બેટર ચાલ્યા નહોતા. બાંગ્લાદેશના બોલર્સનો દિવસ ખરાબ રહ્યો હતો. તેમના તરફથી સૌથી વધુ શાકિબ અલ હસન, ઇબાદત હુસૈન અને તાસ્કીન અહેમદે 2-2 વિકેટ લીધી હતી, તો મુસ્તફિઝુર રહેમાન અને મહેદી હસન મિરાજે 1-1 વિકેટ લીધી હતી.
આવી રીતે બાંગ્લાદેશની વિકેટ પડી...
ટીમ ઈન્ડિયાએ છઠ્ઠીવાર 400+ રન કર્યા
કુલ રન | V/S | વેન્યૂ | તારીખ |
413 | બરમુડા | પોર્ટ ઑફ સ્પેન | 19 માર્ચ, 2007 |
414 | શ્રીલંકા | રાજકોટ | 15 ડિસેમ્બર, 2009 |
401 | સાઉથ આફ્રિકા | ગ્વાલિયર | 24 ફેબ્રુઆરી, 2010 |
418 | વેસ્ટઈન્ડિઝ | ઈન્દોર | 8 ડિસેમ્બર, 2011 |
404 | શ્રીલંકા | કોલકત્તા | 13 નવેમ્બર, 2014 |
409 | બાંગ્લાદેશ | ચિત્તાગોંગ | 10 ડિસેમ્બર, 2022 |
રિકી પોન્ટિંગથી આગળ નીકળ્યા
કિંગ કોહલીએ વન-ડે કરિયરની 44મી સદી ફટકારી હતી. આ સાથે જ તેમણે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ પ્લેયર રિકી પોન્ટિંગને પછાળીને આગળ નીકળી ગયા છે. તેમની આ ઈન્ટરનેશનલ કરિયરની 72મી સદી હતી. આ સાથે તેમણે રિકી પોન્ટિંગની ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 71મી સદીનો રેકોર્ડ તોડી દીધો છે. હવે તેઓ સૌથી વધુ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સદી મારવાના રેકોર્ડમાં બીજા સ્થાને આવી ગયા છે. આ લિસ્ટમાં સૌથી પહેલા નંબરે ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકર છે. તેમણે કુલ 100 સેન્ચુરી ફટકારી છે.
કિંગ કોહલીની 3 વર્ષે વન-ડેમાં સેન્ચુરી
ટીમ ઈન્ડિયાના કિંગ કોહલીએ વન-ડેમાં 3 વર્ષે સેન્ચુરી ફટકારી છે. તેમણે બાંગ્લાદેશ સામેની ત્રીજી વન-ડેમાં પોતાના વન-ડે કરિયરની 44મી સેન્ચુરી ફટકારી હતી. તો ઈન્ટરનેશનલ કરિયરની 72મી સદી ફટકારી હતી. તેમણે છેલ્લે 14 ઑગસ્ટ, 2019માં વેસ્ટઈન્ડિઝ સામે 114* રન માર્યા હતા. આ પછી, આજે વન-ડેમાં સદી આવી હતી.
કિશન-કોહલી વચ્ચે 290ની ભાગીદારી
શિખર ધવન 15 રન બનાવીને આઉટ થયા પછી ઈશાન કિશન અને વિરાટ કોહલીએ બાજી સંભાળી હતી. બન્નેએ બીજી વિકેટ માટે 290 રન જોડ્યા હતા.
ઈશાન કિશનની ડબલ સેન્ચુરી
ટીમ ઈન્ડિયાના યુવા ઓપનર ઈશાન કિશને પોતાની પહેલી ઈન્ટરનેશનલ સેન્ચુરીને ડબલ સેન્ચુરીમાં ફેરવી નાખી હતી. તેણે 126 બોલમાં 200 રન ફટકાર્યા છે. આ કોઈપણ બેટરે ફટકારેલી સૌથી ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી છે. આવું કરનામું કરનારે તે ચોથો ભારતીય છે. આની પહેલા સચિન તેંડુલકર, વિરેન્દ્ર સહેવાગ, રોહિત શર્મા (કુલ ત્રણ વખત ડબલ સેન્ચુરી ફટકારેલી છે) ડબલ સેન્ચુરી ફટકારી ચૂક્યા છે. ત્યારે આ લેજેન્ડરી લિસ્ટમાં ઈશાન કિશને પોતાનું નામ ઉમેર્યું છે.
85 બોલમાં સદી પૂરી કરી
ઈશાન કિશન 5 મેચ પછી વન-ડે ટીમમાં પરત ફર્યો છે અને તેણે સદી ફટકારી છે. આ તેની પહેલી ઈન્ટરનેશનલ સદી પણ છે. ઈશાને 85 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. ઈશાને છેલ્લી વન-ડે 22 ઓક્ટોબર 2022ના રોજ સાઉથ આફ્રિકા સામે દિલ્હીમાં રમી હતી.
બાંગ્લાદેશમાં સદી ફટકારનાર તે 5મો ભારતીય ઓપનર બન્યો છે. તેના પહેલા સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી, વીરેન્દ્ર સેહવાગ અને ગૌતમ ગંભીર આ કારનામું કરી ચુક્યા છે.
વિરાટ કોહલીએ બાંગ્લાદેશમાં વન-ડેમાં 1000 રન પૂરા કર્યા
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ બાંગ્લાદેશમાં વન-ડેમાં 1000 રન પૂરા કર્યા છે. તેઓ આ કારનામું કરનારા પહેલા ભારતીય બેટર બન્યા છે. આ સિરીઝ શરૂ થતાં પહેલા તેઓને 21 રનની જરૂર હતી. ત્યારે આજે તેમણે આ પડાવ પણ પાર કરી દીધો છે. અગાઉ બાંગ્લાદેશમાં સૌથી વધુ રન ફટકારવાનો રેકોર્ડ શ્રીલંકાના દિગ્ગજ બેટર કુમાર સંગાકારાના નામે હતો. જેને આજે વિરાટ કોહલીએ તોડી દીધો છે.
આવી રીતે ટીમ ઈન્ડિયાની વિકેટ પડી...
બન્ને ટીમની પ્લેઇંગ-11
બાંગ્લાદેશ: લિટન દાસ (કેપ્ટન), અનામુક હક, શાકિબ અલ હસન, નજમુલ હસન શાન્તો, મુશ્ફિકર રહીમ, મહમદુલ્લાહ, અફિફ હુસૈન, મેહદી હસન મિરાજ, તાસ્કીન અહેમદ, મુસ્તફિઝુર રહેમાન અને ઇબાદત હુસૈન.
ભારત: કેએલ રાહુલ (કેપ્ટન), ઈશાન કિશન, શિખર ધવન, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ સિરાજ અને ઉમરાન મલિક.
ટીમ ઈન્ડિયાએ પ્લેઇંગ-11માં બે ફેરફાર કર્યા
બાંગ્લાદેશે ટૉસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ બે ફેરફાર કર્યા હતા. રોહિત શર્મા અને દીપક ચહરના સ્થાને ઈશાન કિશન અને કુલદીપ યાદવને પ્લેઇંગ-11માં જગ્યા મળી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.