ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં ટીમ ઈન્ડિયા બીજી ઇનિંગમાં 163 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયાએ 75 રની લીડ લીધી હોવાના કારણે ઓસ્ટ્રેલિયાને 76 રનનો ટાર્ગેટ મળ્યો છે. ભારત તરફથી સૌથી વધુ ચેતેશ્વર પૂજારાએ બનાવ્યા હતા. તેમણે 142 બોલમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 59 રન બનાવ્યા હતા. ખૂબ જ સંભાળીને તેમણે બેટિંગ કરી હતી. પૂજારાએ કરિયરની 35મી ફિફ્ટી ફટકારી હતી. આ પછી શ્રેયસ અય્યરે 26 રન કર્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ નાથન લાયને 8 વિકેટ ઝડપી હતી. તો મેથ્યુ કુહનમેન અને મિચેલ સ્ટાર્કને 1-1 વિકેટ મળી હતી.
હવે સેશન પ્રમાણે બીજા દિવસની રમત જુઓ
પહેલું સેશન: ભારતીય બોલર્સનું પ્રભુત્વ, ઓસ્ટ્રેલિયા 197 રનમાં ઓલઆઉટ
બીજા દિવસનું પહેલું સેશન ભારતીય બોલર્સના નામે રહ્યું હતું. ઓસ્ટ્રેલિયાની ટીમે 41 રન બનાવવામાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. ઉમેશ યાદવ અને રવિચંદ્રન અશ્વિને 3-3 વિકેટ લીધી હતી. પીટર હેન્ડ્સકોમ્બ 19 રન અને કેમરુન ગ્રીને 21 રન બનાવ્યા હતા. આ સિવાયના લોઅર ઓર્ડરના કોઈપણ બેટર ચાલ્યા નહોતા.
બીજું સેશન: પૂજારાની ક્લાસિક ઇનિંગ, ઓસ્ટ્રેલિયન બોલર્સનું વર્ચસ્વ
ઓસ્ટ્રેલિયન બોલર્સે બીજા સેશનમાં વર્ચસ્વ જમાવ્યું હતું, જોકે, પૂજારાએ સ્થિર ઇનિંગ સાથે ટીમને પતન થતી અટકાવી હતી. આ સેશનમાં ટીમ ઈન્ડિયાએ 66 રનમાં ચાર મહત્ત્વની વિકેટ ગુમાવી દીધી હતી. ટી બ્રેક સમયે ભારતીય ટીમનો સ્કોર 79/4 હતો. પૂજારા 36 રન બનાવીને અણનમ રહ્યા હતા. ગિલ, જાડેજા, રોહિત અને કોહલી મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યા હતા.
ત્રીજું સેશન: પૂજારાએ ફિફ્ટી ફટકારી, લાયને તરખાટ મચાવ્યો
આ સેશનમાં પૂજારાએ કરિયરની 35મી ફિફ્ટી ફટકારી હતી. તેણે ખૂબ જ સંભાળપૂર્વક બેટિંગ કરી હતી. તો નાથય લાયને તરખાટ મચાવ્યો હતો. તેણે આ ઇનિંગમાં કુલ 8 વિકેટ ઝડપી હતી. ટીમ ઈન્ડિયા આ સેશનમાં માત્ર 84 રન જ બનાવી શકી હતી.
ઓસ્ટ્રેલિયાની ઇનિંગ
આજે ઓસ્ટ્રેલિયાની ટીમ 88 રની લીડ સાથે 197 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. ગઈકાલના સ્કોરમાં તેમણે 41 રન વધુ ઉમેર્યા હતા. પીટર હેન્ડ્સકોમ્બ અને કેમરુન ગ્રીન બેટિંગમાં હતા, પણ ઉમેશ યાદવ અને રવિચંદ્રન અશ્વિને તરખાટ મચાવતાં બન્નેએ 3-3 વિકેટ ઝડપીને ઓસ્ટ્રેલિયાને 197 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ ઉસ્માન ખ્વાજાએ 60 રન, જ્યારે માર્નસ લાબુશેને 31 રન, તો કેપ્ટન સ્ટીવ સ્મિથે 26 રન, કેમરુન ગ્રીને 21 રન અને પીટર હેન્ડ્સકોમ્બે 98 બોલમાં 19 રન કર્યા હતા. ભારત તરફથી સૌથી વધુ રવીન્દ્ર જાડેજાએ 4 વિકેટ, જ્યારે ઉમેશ યાદવ અને રવિચંદ્રન અશ્વિને 3-3 વિકેટ લીધી હતી.
પહેલા દિવસની રમત જુઓ...
ટીમ ઈન્ડિયાની ઇનિંગ
આજે પહેલા દિવસના બીજા સેશનમાં જ ટીમ ઈન્ડિયા 109 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ તરફથી સૌથી વધુ વિરાટ કોહલીએ 22 રન બનાવ્યા હતા, જ્યારે શુભમન ગિલે 21 રન કર્યા હતા. તો કે.એસ.ભરત અને ઉમેશ યાદવે 17-17 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ મેથ્યુ કુહનમેને 5 વિકેટ ઝડપી હતી, તો નાથન લાયને 3 વિકેટ લીધી હતી. ટૉડ મર્ફીને 1 વિકેટ મળી હતી.
હવે સેશન પ્રમાણે દિવસની રમત જુઓ...
પહેલું સેશન: સ્પિનર્સનો દબદબો રહ્યો, પૂજારા, જાડેજા, અય્યર આઉટ થયા
પહેલા દિવસના પહેલું સેશન ઓસ્ટ્રેલિયાના સ્પિનર્સના નામે રહ્યું હતું. ઈન્દોરની પિચ પર શરૂઆતથી ટર્ન જોવા મળતો હતો. એવામાં ટીમ ઈન્ડિયાએ પહેલા બે કલાકની અંદર જ 84 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી. ચેતેશ્વર પૂજારા 1 રન, રવીન્દ્ર જાડેજા 4 રન અને શ્રેયસ અય્યર ઝીરોમાં આઉટ થયા હતા.
બીજું સેશન: કાંગારુઓનો દબદબો ફરી રહ્યો
બીજા સેશનમાં પણ કાંગારુઓનો હાથ ઉપર રહ્યો હતો. આ સેશનમાં તેણે ટીમ ભારતની ત્રણ વિકેટ લીધી હતી. ઉપરાંત એક વિકેટે 71 રન પણ કર્યા હતા.
ત્રીજું સેશન: જાડેજાએ તરખાટ મચાવ્યો
આ સેશન આમ તો બન્ને ટીમના નામે રહ્યું કહેવાય. આ સેશનમાં ઓસ્ટ્રેલિયાની ટીમે 85 રન બનાવ્યા હતા. તો રવીન્દ્ર જાડેજાએ વધુ 3 વિકેટ લીધી હતી. આ સેશનમાં ખ્વાજાએ કરિયરની 21મી ફિફ્ટી પણ મારી હતી.
ટીમ ઈન્ડિયા 2 ફેરફાર સાથે આવી, રાહુલની જગ્યાએ ગિલને તક મળી
ટીમ ઈન્ડિયાએ બે ફેરફાર કર્યા છે. કેએલ રાહુલની જગ્યાએ શુભમન ગિલને તક આપવામાં આવી છે. આ સાથે જ ઝડપી બોલર મોહમ્મદ શમીના સ્થાને ઉમેશ યાદવને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
બંને ટીમની પ્લેઈંગ-11...
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએસ ભરત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, ઉમેશ યાદવ અને મોહમ્મદ સિરાજ.
ઓસ્ટ્રેલિયા: સ્ટીવ સ્મિથ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, પીટર હેન્ડ્સકોમ્બ, એલેક્સ કેરી (વિકેટકીપર), કેમેરોન ગ્રીન, મિશેલ સ્ટાર્ક, નાથન લાયન, ટોડ મર્ફી અને મેથ્યુ કુહનેમેન.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ આજથી ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં સવારે 9:30 કલાકે શરૂ થઈ હતી. ભારત 4 મેચની સિરીઝમાં 2-0થી આગળ છે. ત્રીજી ટેસ્ટ જીતવાની સાથે ટીમ ઈન્ડિયા સતત ચોથી વખત બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતી જશે. જ્યારે ઓસ્ટ્રેલિયા આ મેચ જીતીને ભારતમાં 19 વર્ષમાં બીજી જીત મેળવવા તત્પર રહેશે, સાથે જ જો આ મેચ જીત્યા, તો ભારત WTC ફાઈનલની રેસમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લેશે.
પિચ રિપોર્ટ
ઈન્દોરના હોલકર સ્ટેડિયમની પિચ બેટિંગ ફ્રેન્ડલી માનવામાં આવે છે. અહીં અત્યાર સુધી 2 ટેસ્ટ રમાઈ છે. બંનેમાં ભારતે પ્રથમ ઈનિંગમાં ઘણો સ્કોર કર્યો છે. ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામે 557 અને બાંગ્લાદેશ સામે 493 રન બનાવ્યા હતા. કિવી ટીમ 5 અને બાંગ્લાદેશી ટીમ 6 ભારતીય બેટર્સને આઉટ કરી શકી હતી. વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડ સામે અને મયંક અગ્રવાલે બાંગ્લાદેશ સામે બેવડી સદી ફટકારી હતી.
કાંગારુઓ પાસે જાડેજા-અશ્વિનનો તોડ નથી
પ્રથમ 2 ટેસ્ટમાં રવીન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિને કાંગારુ બેટર્સને સહેલાઈથી રમવા દીધા નહોતા. જાડેજાએ સિરીઝની 2 મેચમાં 17 વિકેટ લીધી છે, જ્યારે અશ્વિને 14 વિકેટ ઝડપી છે. ઓસ્ટ્રેલિયા તરફથી આ સિરીઝમાં ડેબ્યુ કરનાર ટોડ મર્ફી 10 વિકેટ સાથે ટીમનો સૌથી વધુ વિકેટ લેનારો બોલર છે. નાથન લાયને 8 વિકેટ ઝડપી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.