એશિયા કપ:ભારતે પેસ અટેક સામે એલર્ટ રહેવાની જરૂર, ટીમનું ફોક્સ ટોપ ઓર્ડર પર રહેશે

મુંબઈ3 મહિનો પહેલાલેખક: ચંદ્રેશ નારાયણન
  • કૉપી લિંક
  • આજે રાતના 7.30 વાગ્યાથી મેચ, લીગ રાઉન્ડમાં ભારત જીત્યું હતું
  • પાક.નો દહાની ઈજાને કારણે બહાર, ભારતનો આવેશ નહીં રમે

ભારત અને પાક.રવિવારે ફરી એકવાર એશિયા કપમાં ટકરાશે. સુપર-4ની આ મેચ દુબઈમાં રાતના 7.30થી રમાશે. બંને ટીમો 7 દિવસમાં બીજીવાર એકબીજા સામે રમશે. આ વખતે પડકાર ભારત માટે પણ છે. ભારત માટે ટોપ ઓર્ડર ચિંતાનો વિષય છે. ઈજા બાદ કમબેક કરનાર રાહુલ ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે.

રોહિત પણ મોટો સ્કોર નથી કરી શક્યો. કોહલી-સૂર્યકુમારે હોંગકોંગ સામે સારી ઈનિંગ્સ રમી હતી. બુમરાહ-હર્ષલની ગેરહાજરીમાં ટીમની બોલિંગ નબળી લાગે છે, આવેશ બંને મેચમાં મોંઘો સાબિત થયો. જોકે, તે પાક. સામેની મેચમાં બીમાર હોવાને કારણે રમી શકે તેમ નથી. તેના સ્થાને દીપક ચાહરને સામેલ કરાય તેવી શક્યતા છે.

પાક. પાસે ઝડપી બોલર્સ મામલે ઘણા વિકલ્પ
પાકિસ્તાન પાસે ટૂર્નામેન્ટમાં ઝડપી બોલિંગ યુનિટ સૌથી સારું છે. જેમની પાસે ગતિ અને બાઉન્સ હોવાથી બેટર્સને મુશ્કેલી થાય છે. આ પાક. વિરુદ્ધની પ્રથમ મેચમાં પણ જોવા મળ્યું હતું. જોકે, શાહનવાઝ દહાનીના બહાર થવાથી પાક. ટીમને ઝાટકો લાગ્યો. પરંતુ ટીમ પાસે નસીમ શાહ અને હારિસ રઉફ છે. તે ભારત માટે પડકારજનક રહેશે. સ્પિનર્સ પણ ટીમ માટે મહત્ત્વપૂર્ણ રહેશે.

મોહમ્મદ નવાઝ અને શાદાબ ખાને હોંગકોંગ સામે 7 વિકેટ ઝડપી હતી. પાકિસ્તાન માટે કેપ્ટન બાબરનું ફોર્મ ચિંતાજનક છે, જે આ ટૂર્નામેન્ટમાં સારું કરી શક્યો નથી. ભારતીય બોલર્સ બાબર અને રિઝવાનની વિકેટ ઝડપી લે તો મેચ પર મજબૂત પકડ મેળવી લેશે. કારણ કે, પાક. ટીમનું મિડલ ઓર્ડર નબળું છે અને ઘણીવાર ટીમનો ધબડકો થાય છે.

  • ઈજાને કારણે રવીન્દ્ર જાડેજા એશિયા કપમાંથી બહાર થયો. જાડેજાની ઈજાએ રોહિત માટે મુશ્કેલીઓમાં વધારો કર્યો છે.
  • અક્ષર યોગ્ય રિપ્લેસમેન્ટ છે, પરંતુ આ એટલું સરળ નથી જેટલું લાગે છે. અક્ષર સ્ટેન્ડબાય ખેલાડીઓમાં હતો પરંતુ ટીમ સાથે માત્ર દીપક ચાહર જ ટ્રેનિંગ કરી રહ્યો હતો.
  • જાડેજાની ગેરહાજરીમાં પંતને સામેલ કરવો પડશે કારણ કે, તે પણ ડાબોડી બેટર છે. પાક. વિરુદ્ધની મેચમાં પંત નહોતો પરંતુ હોંગકોંગ સામે હાર્દિકને આરામ અપાયો ત્યારે પંતને તક મળી. ભારત પાસે ટોપ-5માં બધા જમણેરી બેટર છે, તેથી બેલેન્સ જાળવવા ડાબોડી તરીકે પંતને રખાશે.
  • જો ભારતીય ટીમ પંતને તક આપે તો શું ટીમમાં 2 વિકેટકીપર રહેશે તે સવાલ છે. કાર્તિક અને પંત બંને ટીમમાં હોય તો અક્ષરને તક મળવી મુશ્કેલ છે. હાર્દિક પરત ફરે તો ટીમ માત્ર એક સ્પિનર સાથે રમશે. શું ટીમ ઈન્ડિયા યુએઈની સ્થિતિને જોતા માત્ર એક સ્પિનર સાથે ઉતરવાનું જોખમ લેશે, એ જોવાનું હેશે.

પાક.ને સતત પાંચમી વખત હરાવવાની તક
ટીમ ઈન્ડિયા જો રવિવારે પાકિસ્તાનને હરાવે તો તેની એશિયા કપમાં પાક. સામે સતત પાંચમી જીત રહેશે. ગત રવિવારની જીત પહેલા ભારતે 2016માં 1 વખત અને 2018માં 2 વખત પાક.ને હરાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...