ટીમ ઈન્ડિયાને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT)ની ત્રીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે 9 વિકેટે હારનો સામનો કરવો પડ્યો છે. બેટર્સના ફ્લોપ શોના કારણે ટીમ ઈન્ડિયા સવા બે દિવસમાં જ હારી ગઈ હતી.
આ હારથી ટીમ ઈન્ડિયાના વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલમાં જગ્યા બનાવવાની રાહ વધી ગઈ છે. ત્યારે આ સ્ટોરીમાં જાણીશું કે ભારતની સામે આગળ શું સમીકરણ છે અને ફાઈનલમાં કેવી રીતે જગ્યા બની શકે છે.
જો ચોથી ટેસ્ટ જીત્યા, તો ફાઈનલમાં જગ્યા પાક્કી
ટીમ ઈન્ડિયાએ કોઈના પર નિર્ભર રહ્યા વગર જો WTC ફાઈનલમાં જગ્યા બનાવવી હશે, તો છેલ્લી ટેસ્ટ મેચ જીતવી પડશે. આવું કરવા પર ટીમ ઈન્ડિયા બીજા નંબર પર રહેતા ફાઈનલમાં પહોંચી જશે. ઓસ્ટ્રેલિયા પહેલા સ્થાને રહેશે. કાંગારૂઓની ટીમ ત્રીજી ટેસ્ટ મેચ જીતવાની સાથે જ WTC ફાઈનલમાં પહોંચી ગઈ છે. ત્રીજી ટેસ્ટ મેચમાં હાર મળ્યા પછી ભારતના 60.28% પોઇન્ટ્સ છે. તો ઓસ્ટ્રેલિયાના 68.52% પોઇન્ટ્સ છે.
ચોથી ટેસ્ટ હાર્યા, તો શું થશે?
જો ટીમ ઈન્ડિયા ચોથી ટેસ્ટ મેચ હારી જશે, તો તેમના 56.94% પોઇન્ટ્સ થઈ જશે. જોકે આવું થવા છતાં પણ ટીમ ફાઈનલની રેસમાંથી બહાર નહીં થાય. પણ ભારતે ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે થનારી 2 ટેસ્ટ મેચની સિરીઝના રિઝલ્ટ પર નિર્ભર રહેવું પડશે. આ સિરીઝની પહેલી મેચ 9 માર્ચથી શરૂ થશે.
જો ટીમ ઈન્ડિયા ચોથી ટેસ્ટ મેચ પણ હારી જશે, અને શ્રીલંકાની ટીમ ન્યૂઝીલેન્ડ સામેની બન્ને ટેસ્ટ મેચ જીતી જશે, તો જ ટીમ ઈન્ડિયા ફાઈનલની રેસમાંથી બહાર થઈ જશે. આવી સ્થિતિમાં શ્રીલંકાના 61.11% પોઇન્ટ્સ થઈ જશે.
જોકે ન્યૂઝીલેન્ડની ટીમ 1 ટેસ્ટ મેચ પણ ડ્રો કરી લેશે, તો ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામેની બે ટેસ્ટમાં હાર મળ્યા છતાં ફાઈનલમાં પહોંચી જશે. કારણ કે શ્રીલંકાની ટીમ જો સિરીઝ 1-0થી પણ જીતશે, તો તેમના 55.55% પોઇન્ટ્સ થશે.
સતત બીજીવાર ફાઈનલ રમવાની તક
ભારતની પાસે સતત બીજીવાર WTC ફાઈનલ રમવાની તક છે. ભારતે પહેલા WTC ફાઈનલમાં પણ જગ્યા બનાવી હતી. જ્યાં ટીમને ન્યૂઝીલેન્ડ સામે 8 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.
ઓવલમાં રમાશે ફાઈનલ
WTCની ફાઈનલ મેચ 7 જૂનથી 11 જૂન સુધી ઇંગ્લેન્ડના ઓવલ ગ્રાઉન્ડ પર રમાશે. ગત વખતની ફાઈનલ પણ ઇંગ્લેન્ડમાં જ રમાઈ હતી. ત્યારે તે ફાઈનલ સાઉથેમ્પટનના રોઝ બાઉલ ગ્રાઉન્ડમાં રમાઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.