વેસ્ટ ઈન્ડિઝ અને ભારત વચ્ચેની ત્રીજી તથા અંતિમ વન-ડે બુધવારે રમાશે. ત્રણ મેચની સીરિઝ પર ભારતે 2-0થી કબજો કરી લીધો છે. હવે ખેલાડીઓ સીરિઝમાં ક્લિન સ્વીપ કરવાના ઈરાદે અંતિમ મેચ માટે મેદાનમાં ઉતરશે. જો ભારત મેચ જીતે તો 43 વર્ષમાં પ્રથમવાર ભારતીય ટીમ વિન્ડીઝ વિરુદ્ધ સતત 2 સીરિઝ ક્લિન સ્વીપ કરવામાં સફળ રહેશે.
આ અગાઉ ભારતે ફેબ્રુઆરી 2022માં વિન્ડીઝને 3 મેચની સીરિઝમાં 3-0થી હરાવ્યું હતું. બંને ટીમો પ્રથમવાર 9 જૂન 1979ના એકબીજા સામે રમી હતી. ભારતીય ટીમ મેનેજમેન્ટ અંતિમ મેચમાં નવા ખેલાડીઓને તક આપી શકે છે. ટીમ મેનેજમેન્ટે બીજી વન-ડેમાં પ્રસિદ્ધ કૃષ્ણાના સ્થાને આવેશ ખાનને તક આપી હતી, જોકે તે ખાસ પ્રદર્શન કરી શક્યો નહોતો.
એવામાં ત્રીજી વન-ડેમાં અર્શદીપ સિંહને ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. આ ઉપરાંત મોહમ્મદ સિરાજનું રમવું પણ નક્કી મનાય છે. જ્યારે સ્પિનર ચહલના સ્થાને બિશ્નોઈને તક મળી શકે છે.
કે.અેલ.રાહુલ વિન્ડીઝ વિરુદ્ધ પ્રારંભિક 3 ટી-20 મેચ નહીં રમે
ભારતીય ટીમનો બેટર રાહુલ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પ્રારંભિક 3 ટી-20 મેચમાં નહીં રમી શકે. અંતિમ 2 મેચમાં તેને સામેલ કરવા માટે વહેલી તકે નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે. ટીમમાં સામેલ થતા પહેલા રાહુલને ફિટનેસ ટેસ્ટ પાસ કરવા માટે કહેવામાં આવ્યું હતું. બંને ટીમો વચ્ચે 5 ટી-20 મેચની સીરિઝ રમાશે. સીરિઝનો પ્રારંભ 29 જુલાઈથી થશે.
બેટિંગમાં ભારત, બોલિંગમાં વિન્ડીઝ આગળ
સીરિઝના ટોપ-5 રન સ્કોરરમાં ભારતનો દબદબો છે, બોલિંગમાં વિન્ડીઝના ખેલાડી આગળ છે. બેટિંગમાં શ્રેયસ અય્યર 117 રન સાથે બીજા, ધવન 110 રન સાથે ચોથા અને ગિલ 107 રન સાથે પાંચમા ક્રમે છે. વિન્ડીઝનો હોપ 122 સાથે ટોપ પર છે, મેયર્સ 114 રન સાથે ત્રીજા ક્રમે છે. બોલિંગમાં શાર્દુલ ટોપ વિકેટટેકર છે. તેણે 2 મેચમાં 5 વિકેટ ઝડપી છે. ચહલ 3 વિકેટ સાથે ત્રીજા ક્રમે છે. વિન્ડીઝનો જોસેફ 4 વિકેટ સાથે બીજા, ગુડાકેશ-મેયર્સ 2-2 વિકેટ સાથે ચોથા અને પાંચમા ક્રમે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.