કોહલીએ બનાવી ટીમ ઇન્ડિયાને બેસ્ટ:વિરાટના કપ્તાન બન્યા પછી ભારતે જીતી સૌથી વધુ 39 ટેસ્ટ, ઇંગ્લેન્ડને પાછળ છોડ્યું

અમદાવાદ2 વર્ષ પહેલા
  • ભારત ઇંગ્લેન્ડ સામે અમદાવાદ ખાતેની ચોથી ટેસ્ટ જીતે અથવા ડ્રો કરે તો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી જશે

વિરાટ કોહલીના કપ્તાન બન્યા પછી ભારતીય ટેસ્ટ ટીમ વર્લ્ડમાં બેસ્ટ બની ગઈ છે. કોહલીને પહેલીવાર 9 ડિસેમ્બર 2014ના રોજ ઓસ્ટ્રેલિયા સામે એડિલેડ ખાતે કપ્તાની સોંપવામાં આવી હતી. ભારત આ મેચ 48 રને હારી ગયું હતું, પરંતુ ત્યારથી અત્યાર સુધીમાં ટીમે 66 ટેસ્ટમાં સૌથી વધુ 39 ટેસ્ટ જીતી છે. બીજા નંબરે ઇંગ્લેન્ડ છે, જેણે 81માંથી 38 ટેસ્ટ જીતી છે.

ટીમ ઇન્ડિયાએ આ વર્ષની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાને તેના ઘરઆંગણે 2-1થી હરાવ્યું હતું. તે પછી હવે હોમ શ્રેણીમાં ઇંગ્લેન્ડ સામે 2-1ની લીડ મેળવી લીધી છે. શ્રેણીની અંતિમ ટેસ્ટ 4 માર્ચે અમદાવાદમાં રમાશે. આ મેચ જીતે અથવા ડ્રો કરે તો ટીમ ઇન્ડિયા ICC ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી જશે.

ધોનીની નિવૃત્તિ પછી કોહલીને રેગ્યુલર કપ્તાની મળી
ડિસેમ્બર 2014માં ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર 4 ટેસ્ટની શ્રેણીની પહેલી મેચમાં રેગ્યુલર કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીએ આરામ લીધો હતો. ત્યારે કોહલીને કપ્તાની સોંપવામાં આવી હતી. આ મેચ ભારત હારી ગયું હતું. આગામી બે ટેસ્ટમાં ધોનીએ કપ્તાની કરી, જેમાંથી એકમાં હાર મળી અને એક ટેસ્ટ ડ્રો રહી હતી.

ધોનીએ ઓસ્ટ્રેલિયા સામે 26 ડિસેમ્બર 2014ના રોજ કરિયરની અંતિમ ટેસ્ટ રમી હતી. તે પછી ટેસ્ટમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી. અંતિમ ટેસ્ટમાં કોહલીએ કપ્તાની કરી અને આ મેચ ડ્રો રહી હતી. ભારત 0-2થી શ્રેણી હાર્યું. ધોનીની નિવૃત્તિ પછી કોહલીને રેગ્યુલર કપ્તાન બનાવવમાં આવ્યો હતો.

2015થી અત્યાર સુધીમાં ભારતીય ટીમને 2 કપ્તાન મળ્યા
6 જાન્યુઆરી 2015થી વિરાટ ભારતીય ટીમનો રેગ્યુલર કપ્તાન બની ગયો. તેની હેઠળ ભારત 59માંથી 35 ટેસ્ટ જીત્યું છે. જ્યારે 14 ટેસ્ટ હારી અને 10 ડ્રો રહી છે. કોહલીની ગેરહાજરીમાં અજિંક્ય રહાણેએ 5 ટેસ્ટમાં ભારતની કપ્તાની સંભાળી છે. આ દરમિયાન તે એકપણ મેચ હાર્યો નથી. રહાણે 4 ટેસ્ટ જીત્યો અને 1 ટેસ્ટ ડ્રો રહી હતી.

રહાણેની કપ્તાનીમાં ઓસ્ટ્રેલિયાને તેના ઘરે હરાવ્યું
રહાણેની કપ્તાનીમાં ભારતે ઓસ્ટ્રેલિયાને તેના જ ઘરે 2-1થી હરાવ્યું હતું. આ શ્રેણીની પ્રથમ મેચમાં 14 ડિસેમ્બર 2020ના રોજ કોહલીએ કપ્તાની કરી હતી, જેમાં ટીમે હારનો સામનો કરવો પડ્યો હતો. તે પછી કોહલી પેટરનિટી લિવ પર જતો રહ્યો હતો. ત્યારે રહાણેએ ટીમની કમાન સંભાળી અને ઇતિહાસ રચી દીધો.

કોહલીના યુગમાં 3 જ કપ્તાન 20+ ટેસ્ટ જીતી શક્યા
વિરાટ કોહલીના કપ્તાનીના યુગમાં દુનિયાના 3 જ બેટ્સમેન 20થી વધુ ટેસ્ટ જીતી શક્યા છે. આ દરમિયાન કોહલીએ સૌથી વધુ 35 મેચ જીતી છે. તે પછી ઇંગ્લિશ કપ્તાન જો રૂટનો નંબર આવે છે, જેણે 49માંથી 26 ટેસ્ટ જીતી છે. ત્રીજા નંબરે કેન વિલિયમ્સન છે, જેની હેઠળ ન્યૂઝીલેન્ડ 35માંથી 21 ટેસ્ટ જીત્યું છે.

કોહલી સૌથી સફળ ભારતીય ટેસ્ટ કેપ્ટન
કોહલી 35 જીત સાથે સૌથી સફળ ભારતીય કપ્તાન છે. તેના પછી મહેન્દ્રસિંહ ધોનીનો નંબર આવે છે, જેની કપ્તાનીમાં ટીમ ઇન્ડિયાએ 60માંથી 27 ટેસ્ટ જીતી છે. ત્રીજા નંબરે સૌરવ ગાંગુલી છે, જેની કપ્તાનીમાં ભારત 49માંથી 21 ટેસ્ટ જીત્યું છે.

વિરાટે 92 વનડે અને 40 T-20માં કપ્તાની કરી
કોહલીએ અત્યાર સુધીમાં 92 વનડેમાં ભારતીય ટીમની કપ્તાની કરી છે. જેમાંથી 63 મેચ જીતી અને 26માં હારનો સામનો કર્યો. એક મુકાબલામાં ટાઈ પડી અને 2માં રિઝલ્ટ નહોતું આવ્યું. કોહલીએ પોતાના કરિયરમાં 40 T-20માં ટીમ ઇન્ડિયાની કમાન સંભાળી. તેમાંથી ટીમે 24 જીતી અને 12માં હારનો સામનો કર્યો. 2 મેચ ટાઈ થઈ અને 2માં રિઝલ્ટ નહોતું આવ્યું.

અન્ય સમાચારો પણ છે...