તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દ્રવિડની આગાહી:ભારત પાસે 2007 પછી ઇંગ્લેન્ડમાં ટેસ્ટ સીરિઝ જીતવાની શ્રેષ્ઠ તક, 3-2થી વિરાટની ટીમ બાજી મારશે

2 મહિનો પહેલા

ભારતના પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડનું માનવું છે કે, વિરાટ કોહલીની કપ્તાનીમાં ટીમ ઇન્ડિયા પાસે ઇંગ્લેન્ડને તેના જ ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં હરાવવાની સારી તક છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમ્યા પછી ભારતીય ટીમ જો રૂટ એન્ડ કંપની સામે 5 ટેસ્ટની શ્રેણી રમશે, જે ઓગસ્ટ-સપ્ટેમ્બર દરમિયાન શેડયૂલ્ડ છે.

દ્રવિડની આગાહી
ભારત છેલ્લે 2007માં દ્રવિડની કપ્તાનીમાં જ ઇંગ્લેન્ડમાં 1-0થી ટેસ્ટ શ્રેણી જીત્યું હતું. તે પછી ટીમ ઇન્ડિયાએ 2011, 2014 અને 2018માં હારનો સામનો કર્યો હતો. ધ વોલના નામથી જાણીતા પૂર્વ કપ્તાને કહ્યું કે, આ ભારત પાસે 2007 પછી ઇંગ્લેન્ડમાં શ્રેણી જીતવાની શ્રેષ્ઠ તક છે. હું પ્રિડીક્ટ કરું છું કે ટીમ ઇન્ડિયા 3-2થી શ્રેણી પોતાના નામે કરશે.

ઇંગ્લિશ બોલિંગના વખાણ કર્યા
દ્રવિડે એક વેબિનારમાં કહ્યું કે, ઇંગ્લેન્ડની બોલિંગ વર્લ્ડ ક્લાસ છે. તેઓ કોઈપણ કોમ્બિનેશન પર પસંદગી કરે, ફેન્ટાસ્ટિક એટેક જ મેદાન પર ઊતરશે. ઘરઆંગણે તેમની સિમ બોલિંગ ખતરનાક હોય છે. તે ઉપરાંત તેમની પાસે બેટિંગમાં જો રૂટ જેવો દિગ્ગજ બેટ્સમેન પણ છે.

સ્ટોક્સ vs અશ્વિનની ટક્કર જોરદાર રહેશે
દ્રવિડે કહ્યું કે, બેન સ્ટોક્સ બહુ સારો ઓલરાઉન્ડર છે, પણ તે રવિચંદ્રન અશ્વિન સામે સ્ટ્રગલ કરે છે. બંને વચ્ચે જોરદાર ટક્કર થશે. અશ્વિને સ્ટોક્સ સામે ભારતમાં સારો દેખાવ કર્યો છે, ઇંગ્લેન્ડમાં તે સ્ટોક્સને કંટ્રોલ કરી શકે છે કે નહીં, તે શ્રેણીનો સબ-પ્લોટ રહેશે.

ભારતનો બેસ્ટ ચાન્સ
દ્રવિડે કહ્યું કે- ઇંગ્લેન્ડની તાકાતનું એની જગ્યાએ છે. મારુ માનવું છે કે ભારત દરેક પડકાર માટે તૈયાર હશે. ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી જીત્યા પછી આત્મવિશ્વાસની કમી નહીં હોય. ઘણા ખેલાડીઓ અગાઉ પણ ઇંગ્લેન્ડ ગયા છે, તેથી અનુભવની કોઈ કમી નથી. આ આપણો શ્રેણી જીતવાનો બેસ્ટ ચાન્સ છે. હું કહીશ ભારત 3-2થી જીતશે. ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ પછી ટીમ એક મહિનો તૈયારી કરી શકશે. મને નથી લાગતું કે આજ સુધી કોઈ ટીમને તૈયારી માટે આટલો ટાઈમ મળ્યો હોય. તેનો ભારતને ફાયદો થશે.

ટેસ્ટ શ્રેણીનો શેડ્યૂલ

  • પ્રથમ ટેસ્ટ: ઓગસ્ટ 4થી ઓગસ્ટ 8, નોટિંગહામ
  • બીજી ટેસ્ટ: ઓગસ્ટ 12થી ઓગસ્ટ 16, લોર્ડ્સ
  • ત્રીજી ટેસ્ટ: ઓગસ્ટ 25થી ઓગસ્ટ 29, લીડ્સ
  • ચોથી ટેસ્ટ: સપ્ટેમ્બર 2થી સપ્ટેમ્બર 6, ઓવલ
  • પાંચમી ટેસ્ટ: સપ્ટેમ્બર 10થી સપ્ટેમ્બર 14, માન્ચેસ્ટર
અન્ય સમાચારો પણ છે...