• Gujarati News
  • Sports
  • Cricket
  • India Have Not Lost A Test At Green Park Since 1983, Having Beaten New Zealand In The Last Match At Kanpur.

ટીમ ઈન્ડિયા કાનપુરમાં 38 વર્ષથી અજેય:ગ્રીન પાર્કમાં 1983 બાદ ભારત કોઈ ટેસ્ટ હાર્યું નથી, કાનપુરમાં છેલ્લી મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું

5 દિવસ પહેલા

T-20 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વિપ કર્યા બાદ હવે ભારતીય ક્રિકેટ ટીમ કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં પહેલી ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડનો સામનો કરશે. આ જ વર્ષે ઈંગ્લેન્ડમાં રમાયેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ બાદ આ ફોર્મેટમાં આ બંને ટીમ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ રમાશે. તે ફાઈનલમાં ભારત હારી ગયું હતું, તેથી ટીમ ઈન્ડિયા પાસે હારનો બદલો લેવાની તક છે. ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં જોરદાર ટ્રેક રેકોર્ડ ભારત માટે સૌથી મોટો એડવાન્ટેજ રહેશે. આપણી ટીમ છેલ્લાં 38 વર્ષથી કોઈ ટેસ્ટ મેચ એ મેદાન પર હારી નથી.

છેલ્લી વખત કાનપુરમાં વેસ્ટઈન્ડીઝે હરાવ્યા હતા
ભારતે ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં અત્યારસુધી 22 ટેસ્ટ મેચ રમી છે, જેમાં 7માં જીત અને 3માં હાર મળી છે. 12 ટેસ્ટ ડ્રો રહી છે. ટીમ ઈન્ડિયાને કાનપુરમાં છેલ્લી હાર 1983માં વેસ્ટઈન્ડીઝ વિરુદ્ધ મળી હતી. ત્યાર બાદ આપણી ટીમ ત્યાં 8 ટેસ્ટ મેચ રમી ચૂકી છે, એમાં 5મા જીત અને 3 મેચ ડ્રો રહી હતી.

જીતનો ચોગ્ગો લગાવવાની તક
ભારતીય ટીમ ગ્રીન પાર્કમાં રમાયેલી સતત ત્રણ મેચ જીતી ચૂકી છે. એ પ્રમાણે આ ટેસ્ટ જો ભારત જીતી જાય તો સતત 4 જીત એ મેદાન પર મળશે. 2008માં ભારતે સાઉથ આફ્રિકાને 8 વિકેટથી, 2009માં શ્રીલંકાને ઈનિંગ્સ અને 144 રનથી, 2016માં ન્યૂઝીલેન્ડને 197 રનોથી કાનપુરમાં હરાવ્યું હતું.

અશ્વિને છેલ્લી મેચમાં 10 વિકેટ લીધી હતી
ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 2016માં રમાયેલી મેચમાં ઓફ સ્પિનર રવિચન્દ્રન અશ્વિને જોરદાર બોલિંગ કરી હતી. ત્યારે તેણે ટેસ્ટમાં 10 વિકેટ લીધી હતી. અશ્વિને ન્યૂઝીલેન્ડની પહેલી ઈનિંગ્સમાં 93 રન આપીને 4 અને બીજી ઈનિંગ્સમાં 132 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. અશ્વિન આ વખતે ટીમમાં સામેલ છે અને તેની પાસેથી ફરી આ જ ફોર્મની આશા ટીમને રહેશે.

અન્ય સમાચારો પણ છે...