વુમન્સ અંડર-19 T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાએ જીત સાથે શરૂઆત કરી છે. ગ્રુપ-Dની મેચમાં ભારતે સાઉથ આફ્રિકાને 7 વિકેટે હરાવ્યું હતું. આ જીતમાં કેપ્ટન શેફાલી વર્મા અને શ્વેતા સેહરાવતે મહત્વનું યોગદાન આપ્યું હતું. ભારત ઉપરાંત શ્રીલંકા, બાંગ્લાદેશ અને UAEએ પણ પ્રથમ દિવસે પોતાની મેચ જીતી લીધી હતી.
બેનોનીના વિલોમૂર પાર્ક સ્ટેડિયમમાં શનિવારે ટોસ જીતીને બેટિંગ કરતા સાઉથ આફ્રિકાએ 5 વિકેટે 166 રન બનાવ્યા હતા. સિમોન લોરેન્સ (61 રન)એ અડધી સદીની ઇનિંગ રમી હતી. મેડિસન લેન્ડસમેને 32 રન બનાવ્યા હતા. કેપ્ટન શેફાલી વર્માએ 2 વિકેટ લીધી હતી. જ્યારે સોનમ યાદવ અને પાર્શ્વી ચોપરાને એક-એક વિકેટ મળી હતી.
જવાબમાં ભારતીય ટીમે 16.3 ઓવરમાં 3 વિકેટે 170 રન બનાવીને જીત મેળવી હતી. શ્વેતા સેહરાવતે 92 રનની ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં 57 બોલમાં 20 ચોગ્ગા સામેલ હતા. આફ્રિકન ટીમ માટે શેશની નાયડુ, મિયાને સ્મિથ અને મેડિસન લેન્ડસમેને એક-એક વિકેટ લીધી હતી.
ભારતનો બીજો મુકાબલો 16 જાન્યુઆરીએ UAE સામે થશે.
કેપ્ટન શેફાલીનું ઓલરાઉન્ડ પ્રદર્શન
કેપ્ટન શેફાલી વર્માએ ઓલરાઉન્ડ પરફોર્મન્સ આપ્યું હતું. સૌથી પહેલા તેણે બોલિંગમાં 4 ઓવરમાં 31 રન આપીને 2 વિકેટ લીધી હતી. ત્યારબાદ 167 રનના ટાર્ગેટને ચેઝ કરતાં માત્ર 16 બોલમાં 45 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. તેણે પાવરપ્લેમાં જ શ્વેતા સેહરાવત સાથે 70 રન જોડીને ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી. તેણે પાવરપ્લેની છેલ્લી ઓવરમાં 6 બાઉન્ડ્રી ફટકારી હતી. શેફાલીએ આફ્રિકન બોલર થાબિસેંગ નીનીની ઓવરના પહેલા 5 બોલમાં 5 ચોગ્ગા ફટકાર્યા અને પછી છેલ્લા બોલ પર છગ્ગો મારી ઓવર પૂરી કરી હતી.
ટીમ ગ્રુપ-Dમાં ટૉચ પર
ટીમ ઈન્ડિયા પહેલી જીત સાથે ગ્રુપ-Dમાં ટોપ પર આવી ગઈ છે. UAE બીજા નંબર પર છે. બન્નેને 2-2 પોઇન્ટ્સ છે. આ સાથે જ ગ્રુપ-Aમાં બાંગ્લાદેશ ટોપ પર છે. આ ગ્રુપમાં શ્રીલંકા બીજા ક્રમે છે. ત્રીજા નંબરે USA અને ચોથા નંબરે ઓસ્ટ્રેલિયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.