• Gujarati News
  • Sports
  • Cricket
  • Ind VS Nz| Controversy Erupts Over Kohli Giving LBW, Talk Of Bat Being Inside Edge; Virat Got Into A Fight With The Umpire On The Field

વિરાટ ખરાબ અમ્પાયરિંગનો શિકાર!:કોહલીને LBW આપતાં વિવાદ સર્જાયો, બોલ પહેલા બેટને અડ્યો હોવાની ચર્ચા; મેદાનમાં વિરાટ અમ્પાયર સાથે ઝઘડી પડ્યો

2 મહિનો પહેલા
  • 80 રનના સ્કોર પર ઈન્ડિયન ટીમે 3 વિકેટ ગુમાવી

ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં વિરાટની વિકેટ બાદ ભારે વિવાદ સર્જાયો છે. આ મેચમાં ટોસ જીતી કેપ્ટન કોહલીએ બેટિંગ પસંદ કરી હતી. આ દરમિયાન ઈન્ડિયન ઓપનર વચ્ચે 80 રનની શાનદાર પાર્ટનરશિપ થઈ હતી, જોકે ત્યાર પછી ગિલ-પૂજારા અને વિરાટ બેક ટુ બેક પેવેલિયન ભેગા થતાં ઈન્ડિયન ટીમને ફટકો પડ્યો હતો. એવામાં વિરાટ કોહલીના બેટની ઈન્સાઈડ એડ્જ લીધા પછી બોલ પેડ પર વાગ્યો હોવા છતાં તેને LBW આઉટ આપ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. તો ચલો, આપણે આ વિવાદાસ્પદ વિકેટ પર નજર ફેરવીએ.....

30મી ઓવરમાં આઉટ-નોટઆઉટ વિવાદ
ઈનિંગની 30મી ઓવર કરવા માટે કિવી ટીમનો ખેલાડી એજાઝ પટેલ બોલિંગ કરવા આવ્યો હતો. તેણે આ ઓવરના બીજા બોલ પર ચેતેશ્વર પૂજારાને ક્લીન બોલ્ડ કર્યો હતો અને ત્યાર પછી છેલ્લા બોલ પર વિરાટની વિકેટ લેતાં વિવાદ સર્જાયો હતો. ઉલ્લેખનીય છે કે ઓવરના છેલ્લા બોલ પર વિરાટ કોહલી ડિફેન્ડ કરવા ગયો હતો, ત્યારે તેની વિરુદ્ધ કિવી ટીમે LBW અપીલ કરી હતી, જેને ફિલ્ડ અમ્પાયર અનિલ ચૌધરીએ આઉટ આપી દેતાં વિરાટે DRSની સહાય લીધી હતી.

કોહલીએ DRS પર વિકેટ ગુમાવી!
વિરાટ કોહલીએ તાત્કાલિક આ નિર્ણય સામે રિવ્યૂ લેતાં સ્પષ્ટપણે જણાયું હતું કે બેટ સાથે સંપર્ક થયા પછી બોલ પેડને અડ્યો હતો. જોકે DRS દરમિયાન રિવ્યૂ અમ્પાયર વિરેન્દ્ર શર્માએ વિવિધ ફ્રેમ તપાસી ચેક કર્યું હતું કે બેટ ફર્સ્ટ છે કે પેડ, પરંતુ તેમના જણાવ્યા પ્રમાણે ફિલ્ડ અમ્પાયરનો નિર્ણય ખોટો પાડવા તેમની પાસે પુરાવો ન હોવાથી વિરાટને આઉટ અપાયો હતો.

રિવ્યૂ અમ્પાયર બોલ ટ્રેકિંગ ભૂલી ગયા
બોલ અને બેટનો સંપર્ક થયો છે કે નહીં એ ચકાસ્યા બાદ રિવ્યૂ અમ્પાયરે તાત્કાલિક વિરાટને આઉટ આપી દેવા ફિલ્ડ અમ્પાયરને કહ્યું હતું. તેવામાં નિયમો પ્રમાણે LBW અપીલ થઈ હોય તો બોલ ટ્રેકિંગ અને હિટિંગ વિકેટ ચેક કર્યા પછી જ રિવ્યૂ અમ્પાયર કોઈ બેટરને આઉટ આપી શકે છે, પરંતુ તેમણે બોલ ટ્રેકિંગ ચેક કર્યા વિના જ વિરાટને આઉટ આપી દીધો હતો. જોકે ત્યાર પછી ફિલ્ડ અમ્પાયરે યાદ અપાવ્યા બાદ રિવ્યૂ અમ્પાયરે બોલ ટ્રેકિંગ પર નજર ફેરવી, જેમાં વિકેટ હિટિંગ અને આઉટ અપાતાં વિરાટ કોહલીને પેવેલિયન ભેગા થવું પડ્યું હતું.

વિરાટ ગુસ્સામાં અમ્પાયર સાથે બાખડી પડ્યો
DRSમાં આઉટ આપ્યા બાદ વિરાટ કોહલી અમ્પાયર સાથે ઝઘડી પડ્યો હતો. તેણે અમ્પાયરને દર્શાવ્યું હતું કે પહેલા બેટ અડ્યું હોવાની ચર્ચા કરી હતી. વિરાટ કોહલીએ ગુસ્સામાં ડ્રેસિંગ રુમમાં આવીને હેડ કોચ રાહુલ દ્રવિડ સાથે પણ ચર્ચા કરતો જોવા મળ્યો હતો.

કોમેન્ટેટર્સ સહિત ફેન્સ ભડક્યા
વિરાટ કોહલીને આઉટ આપ્યા પછી કોમેન્ટેટર VVS લક્ષ્મણ અને આકાશ ચોપરા પણ ભડક્યા હતા. તેમણે DRS દરમિયાન અમ્પાયર નિર્ણય આપે એની પહેલાં જ કહ્યું હતું કે બેટને અડ્યા પછી બોલ પેડ પર વાગ્યો છે. આ સ્પષ્ટપણે નોટઆઉટ છે. વિરાટને આઉટ આપ્યા પછી આ બંને દિગ્ગજ કોમેન્ટટર્સ સાથે સ્ટેડિયમમાં બેઠેલા દર્શકો પણ ગુસ્સે થઈ ગયા હતા.

આઉટ થયા પછી વિરાટે ગુસ્સામાં બાઉન્ડરી લાઈન પર બેટ માર્યું
આઉટ થયા પછી વિરાટે ગુસ્સામાં બાઉન્ડરી લાઈન પર બેટ માર્યું

વિરાટ-પુજારા શૂન્ય પર આઉટ થવા વિશે રસપ્રદ તથ્યો
વિરાટ કોહલી તેની ટેસ્ટ કારકિર્દીમાં 14મી વાર શૂન્ય પર આઉટ થયો હતો. ન્યૂઝીલેન્ડ સામે તે પહેલીવાર શૂન્ય પર આઉટ થયો છે.
ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલો પૂજારા પણ શૂન્ય પર આઉટ થતા ઈન્ડિયન ટીમની મુશ્કેલીમાં વધારો થયો હતો. ટેસ્ટ મેચમાં આ પુજારાનો 10મો શૂન્ય રનનો સ્કોર છે.

આની પહેલા બંને બેટર 2014 અને 2018માં એક જ ટેસ્ટ ઇનિંગ્સમાં આઉટ થયા હતા. જ્યારે 2014માં ઈંગ્લેન્ડની ઓલ્ડ ટ્રેફોર્ડ ટેસ્ટમાં આવું બન્યું હતું, ત્યારે તે ટેસ્ટ ભારત હારી ગયું હતું. ઓસ્ટ્રેલિયાના MCG ગ્રાઉન્ડ પર 2018માં પણ આવું જ થયું હતું, પરંતુ ત્યારપછી ભારતે ટેસ્ટ મેચ જીતી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...