ઈન્ડિયા અને ઇંગ્લેન્ડની બીજી ટેસ્ટ મેચ પહેલા બંને ટીમની મુશ્કેલીમાં વધારો થયો છે. ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડ અને ભારતના ઓલ રાઉન્ડર શાર્દૂલ ઠાકુર ઈજાગ્રસ્ત થતા બંને ટીમની પ્લેઇંગ-11 પસંદગી સામે નવો પ્રશ્ન ઊભો થયો છે. એવામાં હવે ઇંગ્લેન્ડની ટીમમાં માર્ક વુડ અને ઈન્ડિયન ટીમમાં ઈશાંત શર્માને બીજી ટેસ્ટમાં તક મળી શકે છે. પહેલી મેચ વરસાદને કારણે ડ્રો રહેતા હવે બંને ટીમ લોર્ડ્સમાં આયોજિત બીજી મેચ જીતવા મેદાનમાં ઉતરશે.
સ્ટુઅર્ટ બ્રોડના સ્થાને માર્ક વુડને તક મળી શકે છે
ઇંગ્લેન્ડના મીડિયા રિપોર્ટ્સના આધારે ટ્રેનિંગ દરમિયાન બ્રોડના જમણા પગમાં ઈજા પહોંચતા એ બીજી ટેસ્ટમાં રમી શકશે નહીં. અત્યારે તેને જમણો પગ જમીન પર મૂકતા પણ ભારે મુશ્કલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી લોર્ડ્સની મેચમાં સ્ટુઅર્ટ બ્રોડના સ્થાને માર્ક વુડને ઇંગ્લેન્ડ ટીમની પ્લેઇંગ-11માં જગ્યા મળે એવી ચર્ચાએ જોર પકડ્યું છે.
માર્ક વુડે અત્યારસુધી ઇંગ્લેન્ડ તરફથી કુલ 20 ટેસ્ટ મેચ રમી છે. જેમાં તેણે 3.35ની ઇકોનોમી રેટ સાથે 59 વિકેટ્સ લીધી છે. વળી 57 વનડેમાં એ ઇંગ્લેન્ડનું પ્રતિનિધિત્વ પણ કરી ચૂક્યો છે. વનડેમાં તે 5.46ના ઇકોનોમી રેટથી કુલ 69 વિકેટ લઇ ચૂક્યો છે.
શાર્દૂલ ઠાકુરની જગ્યાએ ઈશાંતને મળશે તક
મીડિયા રિપોર્ટ્સના આધારે શાર્દૂલ ઠાકુરની જગ્યાએ ઈન્ડિયન ટીમની પ્લેઇંગ-11માં ઈશાંત શર્માને તક મળી શકે છે. જોકે કોહલીએ પણ સ્પષ્ટ કરી દીધું હતું કે તે આ સિરીઝમાં 4 ફાસ્ટ બોલર અને 1 સ્પિનર સાથે મેદાનમાં ઉતરશે. જેથી ઈશાંત શર્માને પ્લેઇંગ-11માં તક મળવાની સંભાવનાઓ વધી જાય છે. શાર્દૂલ ઠાકુરે અત્યારસુધી કુલ 3 ટેસ્ટ મેચ રમી થે, જેમાં એણે 3.42ની ઇકોનોમી રેટથી કુલ 11 વિકેટ લીધી છે.
ઐતિહાસિક જીતને વરસાદે અટકાવી
ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટની સિરીઝની પ્રથમ મેચ ડ્રો રહી છે. વરસાદના કારણે 5મા દિવસે એકપણ બોલની રમત રમાઈ નહોતી. અંતિમ દિવસે વરસાદના કારણે અમ્પાયર્સે છેવટે મેચ ન રમવાનો નિર્ણય કર્યો હતો. મહત્ત્વની વાત તો એ રહી કે ઈન્ડિયા પાસે 9 વિકેટ પણ હતી અને આખા દિવસ દરમિયાન માત્ર 157 રન જ કરવાના હતા. પરંતુ વરસાદે પહેલી ટેસ્ટ મેચ પર પાણી ફેરવી દીધું હતું.
પહેલી મેચમાં ઇંગ્લિશ પ્રેક્ષકોની અવળચંડાઈ,ચાલુ મેચમાં ઈન્ડિયન્સ વિરોધી નારા લગાવ્યા
ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી પહેલી ટેસ્ટ મેચ દરમિયાન ઇંગ્લિશ ફેન્સનો શરમજનક વ્યવહાર સામે આવ્યો છે. તેમણે ભારતીય સમર્થકોને ડેલ્ટા વેરિયન્ટ કહી દેશ છોડવા સતત ટકોર કરી હતી. એટલું જ નહીં, ઇંગ્લિશ ફેન્સે વિરાટ સહિત મોહમ્મદ શમી અંગે પણ વંશીય ટિપ્પણી કરી શરમજનક વાતાવરણ ઊભું કર્યું હતું. જોકે આ વિવાદાસ્પદ ટેસ્ટ મેચ વરસાદમાં ધોવાઈ જતાં બંને ટીમના સમર્થકો નિરાશ થયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.