ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે બોલ ટેમ્પરિંગને લગતા ચોંકાવનારા ફોટોઝ બહાર આવ્યા છે. આ મેચમાં કેટલાક ઇંગ્લેન્ડ ટીમના પ્લેયર્સ શૂઝ નીચે બોલ દબાવી સ્પાઈક વડે બોલ જોડે છેડછાડ કરતા નજરે પડ્યા હતા. અત્યારે આ તમામ તસવીરો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે. જોક હવે આ અંગે ICC, BCCI અને ECB કેવી પ્રતિક્રિયા આપે છે અને આગળ કેવાં પગલાં ભરે છે એના પર દરેક ક્રિકેટ ફેન્સની નજર રહેશે.
ચોથા દિવસે ઇંગ્લિશ પ્લેયર્સની અવળચંડાઈ!
ચોથા દિવસે ઈન્ડિયન ટીમ બીજી ઈનિંગમાં 27 રન પાછળ હતી. એવામાં આજે વાદળછાયું વાતાવરણ ન હોવાથી લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડની પિચ બેટ્સમેન ફ્રેન્ડલી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું હતું, પરંતુ માત્ર 27 રનના સ્કોર પર ઈન્ડિયન ટીમના બંને ઓપનર્સ પેવેલિયન ભેગા થઈ જતાં ટીમની મુશ્કેલીમાં વધારો જોવા મળ્યો હતો.
એવામાં રવિવારે ઇંગ્લિશ ક્રિકેટર્સ શૂઝ નીચે બોલ દબાવી ટેમ્પરિંગ કરવાનો પ્રયત્ન કરતા હોય એવા ફોટોઝ વાઇરલ થતાં ક્રિકેટજગતમાં ચકચાર મચી જવા પામી છે. જોકે જ્યાં સુધી આ અંગે કોઇ સત્તાવાર જાહેરાત ન થાય ત્યાં સુધી બોલ-ટેમ્પરિંગનો ગુનો ઇંગ્લિશ ટીમ સામે લાગી શકશે નહીં, પરંતુ આ તમામ ફૂટેજને જોતાં સ્પષ્ટપણે મેચ પછી અમ્પાયર્સ અને અન્ય અધિકારીઓ આ મુદ્દે વધુ તપાસ હાથ ધરી શકે છે.
રિવર્સ સ્વિંગ માટે બોલ સાથે છેડછાડ?
ઇંગ્લિશ કંડિશનમાં રિવર્સ સ્વિંગ બેટ્સમેનને મુશ્કેલીમાં મૂકી શકે છે. તેવામાં સોશિયલ મીડિયામાં વાઇરલ સંભવિત બોલ ટેમ્પરિંગ થયું હોવાના ફોટોઝને જોતા ઇંગ્લેન્ડની ટીમ સામે પણ વિવિધ સવાલો ઊઠી રહ્યા છે. જો આમ થયું તો ઇંગ્લિશ ક્રિકેટ બોર્ડ સહિત ટીમના ઓફિશિયલ્સે પણ આ અંગે સ્પષ્ટતા આપવી પડશે.
ફેન્સ પણ ભડક્યા, જુઓ તેમની પ્રતિક્રિયા
2018માં દિગ્ગજ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સ બોલ-ટેમ્પરિંગમાં સંડોવાયેલા
તમને 2018 કેપ્ટાઉન ટેસ્ટ મેચ તો યાદ જ હશે, જ્યાં ઓસ્ટ્રેલિયન ઓપનર કેમેરોન બેનક્રોફ્ટ યલો પેપર સંતાડતો હોય એવો વીડિયો વાઇરલ થયો હતો. પહેલા તો આ વીડિયો ફેન્સને સામાન્ય લાગ્યો પરંતુ જ્યારે આની ઊંડાણ પૂર્વક તપાક કરાઈ ત્યારે બોલ ટેમ્પરિંગનો આખો કેસ ક્રિકેટ જગત સામે છતો થઈ ગયો હતો. વળી કેટલાક થોડા સમય પછી બોલ ટેમ્પરિંગ વિવાદના મુખ્ય આરોપી એવા ઓપનર કેમેરોન બેનક્રોફ્ટે સંકેત આપ્યો હતો કે આ અંગે તમામ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને પણ જાણ હતી.
ઓસ્ટ્રેલિયન બોલર્સ પર ગંભીર આરોપ લાગેલા!
કેમેરોન બેનક્રોફ્ટે ધ ગાર્ડિયન પત્રકાર ડોનાલ્ડ મેકરાઈ સાથે વાત કરતાં કહ્યું કે તે સ્પષ્ટ છે કે બોલ ટેમ્પરિંગ વિશે બોલરો જાણતા હતા. આ બોલનો ઉપયોગ મુખ્યત્વે બોલરો દ્વારા કરવામાં આવે છે. તે મેચમાં મિચેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ, નેથન લાયન, પેટ કમિન્સ અને મિશેલ માર્શ ઓસ્ટ્રેલિયન બોલિંગ લાઇનનો ભાગ હતા.
ત્રણ ખેલાડીઓએ ચૂકવી પડી કિંમત
બોલ ટેમ્પરિંગ વિવાદ પછી કેપ્ટન સ્ટીવ સ્મિથ, વાઇસ કેપ્ટન ડેવિડ વોર્નર અને બેન્ક્રોફ્ટે પોતાની ભૂલ સ્વીકારી હતી. સ્મિથ અને વોર્નર પર એક વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. બેન્ક્રોફ્ટ પર 6 મહિનોનો બેન લાગ્યો હતો. સાથે એવું પણ કહેવામાં આવ્યું હતું કે, વોર્નર ભવિષ્યમાં ક્યારેય લીડરશિપ રોલ હાંસિલ કરી શકશે નહીં. કોચ ડેરેન લેહમને કોચપદેથી રાજીનામું આપ્યું હતું.
હવે આજની મેચમાં સામે આવેલી વાઇરલ તસવીરો બાદ જે તપાસ હાથ ધરાશે એમાં સ્પષ્ટ થશે કે ઇંગ્લિશ ક્રિકેટને આનાથી કોઇ ફટકો પડશે કે નહીં!
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.