ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી બીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે વિરાટ કોહલી અને એન્ડરસન વચ્ચે વિવાદ સર્જાયો હતો. તેવામાં ત્રીજા દિવસના સ્ટમ્પ્સ બાદ જેમ્સ એન્ડરસને જસપ્રીત બુમરાહને અપશબ્દો કહ્યા હતા, જેનો ચોથા દિવસે વિરાટે વળતો જવાબ આપ્યો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. જોકે આ વિવાદ પછી ગણતરીની ઓવરમાં વિરાટ કોહલી 20 રને સેમ કરનની ઓવરમાં પેવેલિયન ભેગો થયો હતો.
17મી ઓવરમાં એન્ડરસન સાથે વિવાદ
ઇંગ્લિશ બોલર જેમ્સ એન્ડરસન બીજી ઈનિંગની 17મી ઓવર કરવા માટે આવ્યો હતો. તે સમયે વિરાટ કોહલીએ એન્ડરસન પર નિશાન સાધ્યું હતું. કોહલીએ ચોથા બોલ પછી એન્ડરસનને કહ્યું કે આ પિચ છે તારું બેકયાર્ડ નથી; તારી આવી ચાલ વૃદ્ધાવસ્થાની નિશાની છે. આટલું જ નહીં, પરંતુ કોહલી સતત એન્ડરસનને સ્લેડ્જિંગ કરતો રહ્યો હતો.
વિરાટ કોહલી 20 રન કરી પેવેલિયન ભેગો
માર્ક વુડના આક્રમક સ્પેલના કારણે ઈન્ડિયન ટીમે 27 રનમા 2 વિકેટ ગુમાવી દીધી હતી. જેના કારણે વિરાટ કોહલી અને ચેતેશ્વર પુજારાએ સારી પાર્ટનરશિપ દાખવી ઈનિંગ સંભાળવાની જરૂર હતી. પરંતુ વિરાટ કોહલી પણ ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો હોવાથી તે સેમ કરનની ઓવરમાં 20 રનના અંગત સ્કોર પર પેવેલિયન ભેગો થયો હતો. કોહલીએ મિડલ સ્ટમ્પ લાઇનના આઉટ સ્વિંગ બોલને ફ્રન્ટ ફૂટ પર રમવાનો પ્રયત્ન કરવા જતા વિકેટકીપર બટલરના હાથે કેચ આઉટ થયો હતો.
DAY-3, બુમરાહે બાઉન્સર નાખી એન્ડરસનને હેરાન કર્યો
ત્રીજા દિવસે બુમરાહે બાઉન્સર્સ અને શોર્ટ પિચ બોલ દ્વારા એન્ડરસનને સતત હેરાન કર્યો હતો. બુમરાહે આ ઓવરમાં 4 નો-બોલ સહિત કુલ 10 બોલ નાખ્યા હતા. જસપ્રીત બુમરાહની આટલી લાંબી ઓવરે એન્ડરસનની મુશ્કેલીઓમાં વધારો કર્યો હતો.
બુમરાહની ઓવરનો પહેલો બોલ જ એન્ડરસનની હેલ્મેટ પર વાગ્યો હતો, જેના કારણે એને ઘણી તકલીફનો સામનો કરવો પડ્યો હતો. આટલુ જ નહીં બુમરાહની લાંબી ઓવરના લગભગ 2થી 3 બોલ એને શરીરે તથા હાથ પર વાગ્યા હતા.
સ્ટમ્પ્સ પછી એન્ડરસન બુમરાહ પર ભડક્યો
ત્રીજા દિવસના છેલ્લા બોલ પર મોહમ્મદ શમીએ એન્ડરસનને ક્લીન બોલ્ડ કર્યા પછી તે બુમરાહ સામે આવ્યો હતો. એન્ડરસન બુમરાહ પાસે આવીને મન ફાવે તેમ બોલવા લાગ્યો હતો.
તેવામાં વિરાટ કોહલીની આજની પ્રતિક્રિયા જોતાં સ્પષ્ટ થાય છે ઈન્ડિયન કેપ્ટને એન્ડરસનને વળતો જવાબ આપ્યો છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.