તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Ind Vs Eng 1st Test | Chanted Anti Indians Slogans In The Ongoing Match, Addressing As Delta Variant; Made Racial Remarks On Shami And Kohli

ઇંગ્લિશ પ્રેક્ષકોની અવળચંડાઈ:ચાલુ મેચમાં ઈન્ડિયન્સ વિરોધી નારા લગાવ્યા, ડેલ્ટા વેરિયન્ટ કહીને સંબોધ્યા; શમી અને કોહલી પર વંશીય ટિપ્પણી કરી

2 મહિનો પહેલા
  • ઓસ્ટ્રેલિયા ટૂર 2020-21 દરમિયાન ઈન્ડિયન ક્રિકેટર્સ વંશીય વિવાદનો ભોગ બનેલા

ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી પહેલી ટેસ્ટ મેચ દરમિયાન ઇંગ્લિશ ફેન્સનો શરમજનક વ્યવહાર સામે આવ્યો છે. તેમણે ભારતીય સમર્થકોને ડેલ્ટા વેરિયન્ટ કહી દેશ છોડવા સતત ટકોર કરી હતી. એટલું જ નહીં, ઇંગ્લિશ ફેન્સે વિરાટ સહિત મોહમ્મદ શમી અંગે પણ વંશીય ટિપ્પણી કરી શરમજનક વાતાવરણ ઊભું કર્યું હતું. જોકે આ વિવાદાસ્પદ ટેસ્ટ મેચ વરસાદમાં ધોવાઈ જતાં બંને ટીમના સમર્થકો નિરાશ થયા હતા.

સ્ટેડિયમમાં મેચ જોવા ગયેલી બ્રિટિશ મહિલાએ કર્યો ઘટસ્ફોટ
31 વર્ષીય બ્રિટિશ ઈન્ડિયન સમર્થકે સ્ટેડિયમના વાતાવરણ અને વંશીય ટિપ્પણીઓ અંગે ઘટસ્ફોટ કર્યો હતો. તેણે રેડ્ડિટ સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે પહેલી ટેસ્ટ મેચ દરમિયાન ઇંગ્લિશ ફેન્સ સતત ઈન્ડિયન સમર્થકો અને ખેલાડીઓ સામે વંશીય ટિપ્પણીઓ કરી રહ્યા હતા. આ વાતનો વિરોધ કરવા જતાં મહિલાને ઇંગ્લિશ સમર્થકોએ ઘેરી લીધી અને તેના પરિવાર સામે વંશીય ટિપ્પણી અને અપશબ્દોનો પ્રયોગ કરી હેરાન કરવા લાગ્યા હતા.

સમર્થકોનો ફાઇલ ફોટો.
સમર્થકોનો ફાઇલ ફોટો.

એટલું જ નહીં, એક ઇંગ્લિશ સમર્થકે તો મહિલા અને તેના પરિવારને ભારત પાછા જતા રહેવા પણ ટકોર કરી હતી. જોકે સ્ટેડિયમના અધિકારીઓ પણ તાત્કાલિક ધોરણે મહિલાની સહાયત કરવા આગળ આવ્યા હતા.

અધિકારીએ મહિલાને ઈન્ડિયન સમર્થકો સાથે બેસાડી
સ્ટેડિયમમાં ચાલતી સતત વંશીય ટિપ્પણીને પરિણામે અધિકારીઓએ મહિલાને હેરાન કરતાં ફેન્સ પર કાર્યવાહી કરી હતી. તેમણે કેટલાક ઇંગ્લિશ ફેન્સને સ્ટેડિયમ બહાર તગેડી મૂક્યા હતા. અધિકારીઓના કડક વલણ બાદ પણ કંઈ સુધારો ન આવતાં તેમણે આ મહિલાને બીજા સ્ટેન્ડ્સમાં ખસેડવા નિર્ણય લીધો હતો.

ઇંગ્લિશ ફેન્સ મેચ દરમિયાન ઈન્ડિયન્સને સતત હેરાન કરતા રહ્યા.
ઇંગ્લિશ ફેન્સ મેચ દરમિયાન ઈન્ડિયન્સને સતત હેરાન કરતા રહ્યા.

બીજા સ્ટેન્ડ્સમાં પણ ઇંગ્લિશ ફેન્સ હેરાન કરતા રહ્યા
અધિકારીએ મહિલાને ઈન્ડિયન સમર્થકોના સ્ટેન્ડ્સમાં બેસાડી દીધી હતી. તેમ છતાં કેટલાક ઇંગ્લિશ ફેન્સે ત્યાં પણ તેને હેરાન કરવાનું ચાલુ રાખ્યું હતું. તેઓ ઈન્ડિયન્સને ડેલ્ટા વેરિયન્ટ કહીને બોલાવતા હતા. જોકે હજુ સુધી મહિલાએ આ અંગે કોઇપણ પ્રકારની સત્તાવાર કાયદાકીય કાર્યવાહી કરી નથી.

ઇંગ્લિશ ફેન્સે મોહમ્મદ શમીને ગાળો ભાંડી
સ્ટેડિયમમાં મેચ જોવા આવેલા વધુ એક સમર્થકે જણાવ્યું હતું કે મોહમ્મદ શમી જ્યારે બાઉન્ડરી પર ફિલ્ડિંગ કરતો હતો ત્યારે ઇંગ્લિશ સમર્થકો સતત તેને પજવતા રહ્યા. તેઓ શમીને અપશબ્દો કહેતા રહ્યા. એટલું જ નહીં તેમણે વિરાટ કોહલી પર પણ કટાક્ષ કર્યો હતો. સ્ટેડિયમમાં જ્યારે કોહલીએ રિવ્યૂ ગુમાવ્યા હતા ત્યારે ઇંગ્લિશ ફેન્સે તેને ટ્રોલ કર્યો હતો. તેઓ વિવિધ ઈશારાઓ કરીને કોહલી પર કટાક્ષ કરતા નજરે પડ્યા હતા.

ઓસ્ટ્રેલિયામાં ઈન્ડિયન ક્રિકેટર્સ વંશીય વિવાદનો ભોગ બનેલા
ઈન્ડિયા ટૂર ઓફ ઓસ્ટ્રેલિયા 2020-21 દરમિયાન પણ વંશીય વિવાદ સર્જાયો હતો. સ્ટેડિયમમાં કેટલાક ઓસ્ટ્રેલિયન ફેન્સ સતત મોહમ્મદ સિરાજને ગાળો બોલી રહ્યા હતા. એટલું જ નહીં, તે લોકો વંશીય ટિપ્પણીઓ કરીને સિરાજનું મનોબળ તોડવા લાગ્યા હતા. જોકે એ સમયે સ્ટેડિયમમાં કાર્યરત અધિકારીએ ઓસ્ટ્રેલિયન ફેન્સ વિરુદ્ધ કાર્યવાહી કરીને તેમને સ્ટેડિયમ બહાર કાઢી મૂક્યા હતા.

પાંચમો દિવસ વરસાદમાં ધોવાયો
ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટની સિરીઝની પ્રથમ મેચ ડ્રો રહી. વરસાદને કારણે 5મા દિવસે એકપણ બોલની રમત રમાઈ નહોતી. અંતિમ દિવસે વરસાદને કારણે અમ્પાયર્સે છેવટે મેચ ન રમવાનો નિર્ણય કર્યો હતો. મહત્ત્વની વાત તો એ રહી કે ઈન્ડિયા પાસે 9 વિકેટ પણ હતી અને આખા દિવસ દરમિયાન માત્ર 157 રન જ કરવાના હતા, પરંતુ વરસાદે પહેલી ટેસ્ટ મેચ પર પાણી ફેરવી દીધું હતું. હવે ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ 12 ઓગસ્ટે લોર્ડ્સ ખાતે રમાશે.

અન્ય સમાચારો પણ છે...