T20 મહિલા U-19 વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં નેપાળ અને UAE વચ્ચે એશિયા ક્વોલિફાયર મેચ મલેશિયાના બાંગી ખાતે રમાઈ હતી. આ મેચમાં નેપાળની ટીમ માત્ર 8 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્યારપછી યુએઈની ટીમે 7 બોલમાં ટાર્ગેટ ચેઝ કરી મેચ જીતી લીધી હતી. તમને જણાવી દઈએ કે આ મેચમાં UAEની ફાસ્ટ બોલર માહિકા ગૌરે સૌથી વધુ 5 વિકેટ પોતાના નામે કરી હતી. આની સાથે જ માહિકાએ બે ઓવર મેડન પણ ફેંકી હતી અને મેચમાં માત્ર 2 રન આપ્યા હતા.
નેપાળની ટીમે ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ ટીમના 6 બેટર શૂન્ય રન કરી પેવેલિયન ભેગા થઈ ગયા હતા. જોતજોતામાં 20 ઓવરની મેચમાં આખી ટીમ 8.1 ઓવરમાં જ પેવેલિયન પરત ફરી ગઈ હતી.
મેચ એક કલાક પણ ન રમાઈ
બંને ટીમમાંથી કોઈ પણ ખેલાડી ડબલ્સના આંકડાને સ્પર્શી શકી નહોતી. UAE તરફથી તીર્થ સતીષે સૌથી વધુ અણનમ ચાર રન કર્યા હતા. જ્યારે નેપાળ તરફથી સ્નેહ મહારાજે સૌથી વધુ 3 રન કર્યા હતા, તે દસ બોલ રમી શકી હતી.
બે વખત 6 રનમાં ઓલઆઉટ થઈ ગઈ મહિલા ટીમો
T20 ક્રિકેટમાં બે વખત મહિલા ટીમ 6 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. પહેલીવાર આ રેકોર્ડ માલીની ટીમના નામે આવ્યો હતો. ક્વિબુકા મહિલા T-20 ટૂર્નામેન્ટમાં માલીની ટીમ માત્ર 6 રન કરીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મેચ રવાન્ડાની રાજધાની કિગાલી શહેરમાં રમાઈ હતી. વળી તમને નવાઈ લાગશે કે 6 રનમાંથી માત્ર એક રન બેટ વડે થયો હતો અને બાકીના પાંચ વધારાના રન હતા. આ મેચ 18 જૂન 2019ના દિવસે રમાઈ હતી.
બાંગ્લાદેશની ટીમે માલદીવને 6 રનમાં ઓલઆઉટ કર્યું
2019 સાઉથ એશિયન ગેમ્સ દરમિયાન, બાંગ્લાદેશની ટીમે માલદીવને માત્ર 6 રનમાં ઓલઆઉટ કર્યું હતું. પહેલાં બેટિંગ કરતા બાંગ્લાદેશની ટીમે 20 ઓવરની મેચમાં 255 રન ફટકાર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.