ઇંગ્લેન્ડમાં યોજાશે વધુ બે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ:ICCએ કરી ઘોષણા, 2021ના ફાઈનલમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો

12 દિવસ પહેલા
  • કૉપી લિંક

ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021-23ની ફાઈનલ જુન 2023માં ધ ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે. તો તેના પછીની ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25ની ફાઈનલ પણ ઇંગ્લેન્ડના ઐતિહાસિક લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (ICC)એ બુધવારે આની ઘોષણા કરી હતી. આ અગાઉ પણ વર્ષ 2021ની ફાઈનલ ઇંગ્લેન્ડના સાઉથૈમ્પટનના એજિસ બાઉલમાં રમાઈ ગઈ હતી.

વર્ષ 2021માં સાઉથૈમ્પટનના એજિસ બાઉલમાં ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ફાઈનલ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયો હતો. આ મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને હરાવીને ટ્રોફીને પોતાના નામે કરી હતી. આ ફાઈનલ મેચ પહેલા લોર્ડ્સમાં રમાવવાની હતી, પરંતુ કોવિડની સ્થિતિને જોતા એજિસ બાઉલમાં રમાડવામાં આવી હતી.

આ ઘોષણા કરતા ICCના ચીફ એક્ઝીક્યૂટીવ જ્યોફ એલારડિસે કહ્યું હતું કે 'અમને જણાવતા આનંદ થાય છે કે આવતા વર્ષે ICC વર્લ્ડ ક્રિકેટ ચેમ્પિયનશિપ ફાઈનલની મેજબાની ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ કરશે. ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડની સમૃદ્ધ વિરાસત અને અદ્ભુત વાતાવરણના કારણે આ સ્થળ મહત્ત્વપૂર્ણ બની રહેશે. આ પછી વર્ષ 2025માં લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલની મેજબાની કરશે.'

'ગત વર્ષે સાઉથૈમ્ટનમાં રમાયેલી ફાઈનલ મેચ અત્યંત રોમાંચક રહી હતી. મને વિશ્વાસ છે કે દુનિયાભરના ફેન્સ ઓવલ મેદાન ઉપર યોજાનારા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઈનલની આતુરતાથી રાહ જોતા હશે. ICCની તરફથી હું ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ, સરે ક્રિકેટ ક્લબ અને મૈરીલબોન ક્રિકેટ ક્લબનો આભાર માનું છું.'

પહેલા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં ન્યૂઝીલેન્ડે ભારતને હરાવ્યું હતું.
પહેલા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં ન્યૂઝીલેન્ડે ભારતને હરાવ્યું હતું.

ન્યૂઝીલેન્ડ બન્યુ હતુ ચેમ્પિયન

ગત વર્ષે સાઉથૈમ્પટનમાં રમાયેલી ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને 8 વિકેટે હરાવ્યું હતું. ભારતીય ટીમ પોતાની પહેલી ઇનિંગમાં 217 રન જ બનાવી શકી હતી. જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમે 249 રન બનાવ્યા હતા. આમ તેઓએ 32 રનની મહત્ત્વની લીડ મેળવી હતી. બીજી ઇનિંગમાં ભારતીય ટીમ માત્ર 170 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ન્યૂઝીલેન્ડને જીત માટે 139 રનની જરૂરત હતી, ત્યારે તેઓએ 2 વિકેટ ખોઈને જીત મેળવી લીધી હતી.

ગત વર્ષે ભારત અને ઇંગ્લેન્ડ સિરીઝથી બીજા ચરણની શરૂઆત થઈ હતી

​​​​​​​વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ના બીજા ચરણની શરૂઆત ભારત અને ઇંગ્લેન્ડની સિરીઝથી થઈ હતી. પોઇન્ટ ટેબલમાં હાલ ટૉપ ઉપર ઓસ્ટ્રેલિયા છે, જ્યારે સાઉથ આફ્રિકા બીજા સ્થાને છે. તો પહેલા ચરણની વિજેતા ન્યૂઝીલેન્ડ છઠ્ઠા સ્થાને છે. તો રનર્સઅપ રહેલી ટીમ ઈન્ડિયા ત્રીજા સ્થાને છે.