મહિલા વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયા જાહેર:મિતાલી રાજ કેપ્ટન રહેશે; 15 પ્લેયર્સની ટીમમાંથી જેમિમા રોડ્રિગ્સ અને હરલીન દેઓલ 'OUT'

19 દિવસ પહેલા
  • કૉપી લિંક

ન્યૂઝીલેન્ડમાં આયોજિત ICC મહિલા વર્લ્ડ કપ 2022 માટે ટીમ ઈન્ડિયા જાહેર થઈ ગઈ છે. આ ટીમની કેપ્ટનશિપ મિતાલી રાજના હાથમાં રહેશે જ્યારે 15 ખેલાડીની ટીમના વાઈસ કેપ્ટન તરીકે હરમનપ્રીત કોરને પસંદ કરાઈ છે. તેવામાં વિકેટકીપર માટે તાનિયા ભાટિયા અને ઋચા ઘોષની પસંદગી કરવામાં આવી છે. ચોંકાવનારી વાત તો એ છે કે ઈન્ડિયન ટીમમાં જેમિમા રોડ્રિગ્સ, શિખા પાંડે, હરલીન દેઓલ, રાધા યાદવ, વેદા કૃષ્ણમૂર્તિ જેવી દિગ્ગજ ખેલાડીઓને તક અપાઈ નથી. ઉલ્લેખનીય છે કે જેમિમાએ ઇંગ્લેન્ડમાં રમાયેલી ધ હન્ડ્રેડમાં તથા ઓસ્ટ્રેલિયન બિગ બેશ લીગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.

આની સાથે સબ્બીનેની મેધના, એકતા બિષ્ટ અને સિમરન દિલ બહાદુરને સ્ટેન્ડબાય ખેલાડી તરીકે પસંદ કરાઈ છે.

6 માર્ચે પાકિસ્તાન વિરૂદ્ધ મેચ
વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની પહેલી મેચ 6 માર્ચ 2022ના દિવસે પાકિસ્તાન વિરૂદ્ધ રમાશે. ત્યારપછી ટીમ ન્યૂઝીલેન્ડ સામે 10 માર્ચે, વેસ્ટ ઈન્ડિઝ સામે 12 માર્ચે, ઇંગ્લેન્ડ સામે 16 માર્ચે, ઓસ્ટ્રેલિયા સામે 19 માર્ચે, બાંગ્લાદેશ સામે 22 માર્ચે અને દક્ષિણ આફ્રિકા સામે 27 માર્ચે મેચ રમશે. વર્લ્ડ કપ પહેલા ઈન્ડિયન ટીમ ન્યૂઝીલેન્ડ સામે વનડે સિરીઝ રમશે. આ સિરીઝ 11 ફેબ્રુઆરીથી રમાશે જેના માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ ચૂકી છે.

લીગ ફોર્મેટમાં ટૂર્નામેન્ટ રમાશે
ICC વિમેન્સ વર્લ્ડ કપ 2022 લીગ ફોર્મેટમાં રમાશે. આ તમામ ટીમો એક બીજા સામે રમશે. લીગમાં ટોપ 4 ટીમો વચ્ચે સેમીફાઈનલ મેચ રમાશે. વર્લ્ડ કપની પહેલી સેમીફાઈનલ વેલિંગ્ટનમાં 30 માર્ચના દિવસે રમાશે. જ્યારે બીજી સેમીફાઈનલ 31 માર્ચે હેગ્લે ઓવલમાં અને ફાઈનલ મેચ 3 એપ્રિલના દિવસે રમાશે. બંને સેમીફાઈનલ અને ફાઈનલ માટે ICCએ એક રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે.

વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ
મિતાલી રાજ (કેપ્ટન), હરમનપ્રીત કોર (વાઈસ કેપ્ટન), સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, યસ્તિકા ભાટિયા, દીપ્તિ શર્મા, ઋચા ઘોષ (વિકેટ કીપર), સ્નેહ રાણા, ઝૂલન ગોસ્વામી, પૂજા વસ્ત્રકાર, મેઘના સિંહ, રેણુકા સિંહ ઠાકુર, તાનિયા ભાટિયા (વિકેટ કીપર), રાજેશ્વરી ગાયકવાડ અને પૂનમ યાદવ.

  • સ્ટેન્ડબાય પ્લેયર્સઃ સબ્બીનેની મેધના, એકતા બિષ્ટ અને સિમરન દિલ બહાદુર

ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ સિરીઝ માટે ટીમ ઈન્ડિયા
હરમનપ્રીત કોર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ કેપ્ટન), શેફાલી વર્મા, યસ્તિકા ભાટિયા, દીપ્તિ શર્મા, ઋચા ઘોષ (વિકેટકીપર), સ્નેહ રાણા, પૂજા વસ્ત્રકાર, મેધના સિંહ, રેણુકા સિંહ ઠાકુર, તાનિયા ભાટિયા (વિકેટ કીપર), રાજેશ્વરી ગાયકવાડ, પૂનમ યાદવ, એકતા બિષ્ટ, એસ મેઘના અને સિમરન દિલ બહાદૂર

અન્ય સમાચારો પણ છે...