ICCએ આગામી T-20 વર્લ્ડ કપમાં ભાગ લેનારા દેશોને UAEમાં ટૂર્નામેન્ટમાં 15 ખેલાડીઓ અને 8 અધિકારીઓને લાવવાની મંજૂરી આપી છે. PCBના અધિકારીએ પુષ્ટિ કરી છે કે ICCએ ભાગ લેનાર દેશોને ફાઇનલ 15 પ્લેયર્સ, કોચ તથા અન્ય સ્ટાફ મેમ્બર્સના નામની યાદી મોકલવા ટકોર કરી છે.
17 ઓક્ટોબરથી T-20 વર્લ્ડ કપ શરૂ
T-20 વર્લ્ડ કપ આ વર્ષે ભારતમાં યોજાવાનો હતો, પરંતુ કોરોનાવાયરસના કારણે ટૂર્નામેન્ટને UAEમાં શિફ્ટ કરવા ફરજ પડી હતી. વર્ષ 2016 પછી પ્રથમ વખત T-20 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર વચ્ચે ઓમાન અને UAEમાં રમાશે.
અધિકારીનું નિવેદન સામે આવ્યું
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ(PCB)ના અધિકારીએ PTI સાથે વાતચીત કરતા કહ્યું હતું કે ICCએ કોવિડ-19 અને બાયો-બબલની સ્થિતિને જોતા T-20 વર્લ્ડ કપમા ભાગ લેનાર દેશોને વધુ ખેલાડીને ટીમ સાથે લઇ જવાની અનુમતિ આપી છે પરંતુ તેમના ખર્ચા બોર્ડે ઉઠાવવા પડશે. ICC માત્ર 15 ખેલાડી અને 8 અધિકારીના ખર્ચા ઉઠાવશે.
10 સપ્ટેમ્બર સુધી ટીમની જાહેરાત કરાશે
T-20 વર્લ્ડકપ માટે ક્વોલિફાઇંગ ટૂર્નામેન્ટ 23 સપ્ટેમ્બરથી રમાશે અને તેમાં 2014 T-20 ચેમ્પિયન શ્રીલંકા, આયર્લેન્ડ અને બાંગ્લાદેશ જેવી ટીમ ભાગ લેશે. આમાંથી ચાર ટીમો સુપર-12 માટે ક્વોલિફાય થશે. અધિકારીએ પોતાના નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે, 'તે હવે બોર્ડ પર નિર્ભર કરે છે કે કોવિડ-19ની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેઓ પોતાની મુખ્ય ટીમ સાથે કેટલા વધારાના ખેલાડીઓ રાખવા માંગે છે.
જો મુખ્ય ટીમના કોઈ ખેલાડીનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવે અથવા ઈજાગ્રસ્ત થાય તો વધારાના ખેલાડીઓમાંથી એક તેની જગ્યા લઈ શકે છે. જોકે, બોર્ડે 10 સપ્ટેમ્બર સુધીમાં તેની ટીમની યાદી મોકલવાની રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.