રોહિતની SIXથી નાની બાળકી ઈજાગ્રસ્ત:હિટમેને જોરદાર પુલ શોટ માર્યો, બોલ સીધો સ્ટેન્ડ્સમાં બેઠેલી બાળકીને વાગ્યો; 5 મિનિટ સુધી મેચ રોકવી પડી

5 મહિનો પહેલા

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વન-ડે શ્રેણીની પ્રથમ મેચ મંગળવારે ઓવલ ખાતે રમાઈ હતી. ઈન્ડિયન ટીમ બેટિંગ કરી રહી હતી ત્યારે સ્કોર ચેઝ દરમિયાન રોહિત શર્માના એક શોટથી 6 વર્ષની બાળકી મીરા સાલ્વી ઈજાગ્રસ્ત થઈ હતી. આ અંગે જાણ થતા રોહિતે મેચ પૂરી થતા જ મીરા પાસે જઈને તેને ચોકલેટ અને ટેડી બેયર ગિફ્ટ આપ્યું હતું. બાદમાં રોહિતે ઈજા અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને બાળકીની સ્થિતિ વિશે પૂછપરછ કરી હતી. એ સમયે મેચ 5 મિનિટ માટે અટકાવી દેવામાં આવી હતી. ઈજા પછી ઈંગ્લેન્ડે તરત જ તેની મેડિકલ ટીમને છોકરીની સારવાર અર્થે મોકલી આપી.

વાસ્તવમાં રોહિત શર્મા ભારતીય ઇનિંગ્સની 5મી ઓવરમાં સ્ટ્રાઇક પર હતો. ઈંગ્લેન્ડ તરફથી ડેવિડ વિલી બોલિંગ કરી રહ્યો હતો. આ ઓવરના પહેલા અને બીજા બોલ પર કોઈ રન નોંધાયો નહોતો. એ જ સમયે ત્રીજો બોલ શોટ પિચ હતો, જેના પર રોહિતે સ્ક્વેર લેગ બાઉન્ડરી તરફ શાનદાર સિક્સ ફટકારી દીધી હતી. ઉલ્લેખનીય છે કે આ દરમિયાન બોલ સ્ટેન્ડમાં બેઠેલી નાની છોકરીને વાગી જતા જોવાજેવી થઈ હતી. જોકે સદનસીબે છોકરીને કોઈ ગંભીર ઈજા પહોંચી નથી.

એ જ સમયે રોહિત છોકરીને થયેલી ઈજાને કારણે ઉદાસ દેખાઈ રહ્યો હતો. ઈંગ્લેન્ડની ટીમે માનવતા દાખવતાં તરત જ એક મેડિકલ ટીમને સ્ટેન્ડમાં છોકરીની સારવાર માટે મોકલી આપી હતી. બાળકના સ્વસ્થ થવાના સમાચાર પછી રમત ફરીથી શરૂ થઈ હતી.

રોહિતે 6 વર્ષની મીરાને ચોકલેટ્સ આપી

રોહિતનું વિસ્ફોટક પ્રદર્શન

મેચમાં રોહિત શર્માએ સૌથી વધુ 58 બોલમાં અણનમ 76 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 7 ફોર અને 5 સિક્સર ફટકારી હતી. તેનો સ્ટ્રાઈક રેટ 131 હતો. હિટમેનની વન-ડે કારકિર્દીમાં આ 45મી ફિફ્ટી છે. 111 રનના લક્ષ્યાંકને ચેઝ કરવા ઊતરેલી ટીમ ઈન્ડિયાએ એકપણ વિકેટ ગુમાવી ન હતી.

રોહિતે સિક્સર વડે દર્શકનું નાક ફોડી નાખ્યું હતું
આ વર્ષે બેંગલુરુમાં ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી પિંક બોલ ટેસ્ટ દરમિયાન રોહિત શર્માનીસિક્સરથી એક દર્શકનું નાક તૂટી ગયું હતું. બોલ 22 વર્ષીય દર્શક ગૌરવ વિકાસના ચહેરા પર વાગ્યો હતો. નાક પર વાગ્યા બાદ સ્ટેડિયમમાં હાજર મેડિકલ ટીમ દ્વારા ગૌરવને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને ત્યાર બાદ તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

ઈજા બહુ ઊંડી ન હતી, તેથી સર્જરીની જરૂર નહોતી. ગૌરવને ટાંકા આવ્યા બાદ હોસ્પિટલમાંથી ઘરે મોકલી દેવામાં આવ્યો હતો.

ઈંગ્લેન્ડે પ્રથમ વન-ડેમાં ભારત સામે સૌથી ઓછો સ્કોર બનાવ્યો

  • પ્રથમ બેટિંગ કરતાં ઈંગ્લેન્ડ 25.2 ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને 110 રન જ બનાવી શક્યું.
  • ભારત સામે ઈંગ્લેન્ડનો આ અત્યારસુધીનો સૌથી ઓછો સ્કોર છે.
  • એ જ સમયે ઝડપી બોલરોએ ભારતની તમામ 10 વિકેટ ઝડપી હતી.
  • ODI ક્રિકેટમાં ટીમ ઈન્ડિયા માટે આ બીજી વખત બન્યું, જ્યારે તમામ 10 વિકેટ ઝડપી બોલરોએ લીધી.
  • અગાઉ 2014માં બાંગ્લાદેશ વિરુદ્ધ મીરપુર વન-ડેમાં આવું બન્યું હતું.
  • ત્યાર બાદ સ્ટુઅર્ટ બિન્નીએ 6 અને મોહિત શર્માએ 4 વિકેટ લીધી હતી.

બુમરાહનું ઈંગ્લેન્ડ સામે ભારત તરફથી સર્વશ્રેષ્ઠ પ્રદર્શન
ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પણ ઈંગ્લેન્ડ સામેની ODIમાં બોલિંગ કરનારો સર્વશ્રેષ્ઠ ભારતીય બોલર બન્યો છે. તેણે આશિષ નેહરાના 19 વર્ષ જૂના રેકોર્ડને તોડ્યો હતો. 2003 વર્લ્ડ કપમાં નેહરાએ ઈંગ્લેન્ડ સામે 6/23 લીધા હતા, જ્યારે બુમરાહે 19 રનમાં 6 વિકેટ લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...