દેશ બદલાયો, વિરોધી ટીમ બદલાઈ, ટૂર્નામેન્ટ બદલાઈ... બસ એક વાત નથી બદલાઈ. એ છે સૂર્યકુમાર યાદવની બેટિંગ. માઉન્ટ મૌંગાનુઈના વે ઓવલ મેદાન પર ન્યૂઝીલેન્ડ સામેની બીજી T20 ઈન્ટરનેશનલ મેચમાં સૂર્યાએ માત્ર 51 બોલમાં 111 રન બનાવ્યા હતા. સ્ટ્રાઈક રેટ 217.64 હતો, તેણે આ ઈનિંગમાં 11 ફોર અને 4 સિક્સર ફટકારી હતી.
સૂર્યા આ ઈનિંગમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટર રહ્યા. બીજા ટોપ સ્કોરર ઈશાન કિશન રહ્યા. તેણે 36 રન બનાવ્યા. સૌથી શાનદાર સ્ટ્રાઈક રેટ સૂર્યાનો રહ્યો. 9 બોલમાં 13 રન બનાવનાર શ્રેયસ અય્યર બીજા નંબરે રહ્યા. તેમનો સ્ટ્રાઈક રેટ 144નો રહ્યો. ચોગ્ગા અને છગ્ગામાં પણ સૂર્યાની આસપાસ કોઈ નહતું.
સૂર્યા અને ભારતના બીજા બેટરો વચ્ચે આ તફાવત માત્ર આ મેચ દરમિયાન જોવા મળ્યો નહતો. આ પાંચ મહિનાની કહાની છે. મેચ ઈંગ્લેન્ડમાં હોય, UAEમાં હોય, ભારતમાં હોય, ઓસ્ટ્રેલિયામાં હોય અથવા ન્યૂઝીલેન્ડમાં હોય...સૂર્યા દરેક જગ્યાએ ચમક્યો છે.
મૂળ બનારસનો આ મુંબઈકર, આ વર્ષે ભારતના ઈંગ્લેન્ડ પ્રવાસથી ભારતીય T20 ક્રિકેટના આકાશમાં એકમાત્ર સૂર્યની જેમ બેટિંગ કરી રહ્યો છે. તેના સૂર્યમંડળમાં અન્ય બેટર્સની સ્થિતિ એસ્ટરોઇડ્સ કરતાં વધુ ન હતી.
દરેક પરિમાણમાં અને મોટાભાગના આંકડાઓમાં તે પ્રબળ સાબિત થયો. ચાલો જોઈએ કે સૂર્યાએ આ વર્ષે જુલાઈથી કેવી રીતે પોતાને T20 ક્રિકેટનો બાદશાહ સાબિત કર્યો છે.
25 મેચમાં 1029 રન, 51ની એવરેજ અને 187નો સ્ટ્રાઈક રેટ
સૂર્યને T20 ક્રિકેટમાં હંમેશા સારો બેટર માનવામાં આવતો હતો, પરંતુ આ વર્ષે ભારતના ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન તેનું સુપરહ્યુમન ફોર્મ દેખાવા લાગ્યું હતું. 3 મેચની સિરીઝમાં તેણે 57ની એવરેજ અને 201.17ના સ્ટ્રાઈક રેટથી 171 રન બનાવ્યા હતા.
સિરીઝની શરૂઆતથી અત્યાર સુધી સૂર્યાએ 5 મહિનામાં 25 મેચમાં 51.45ની એવરેજ અને 187.09ના સ્ટ્રાઈક રેટથી 1029 રન બનાવ્યા. બીજા નંબરે વિરાટ કોહલીએ 18 મેચમાં 59ની એવરેજથી 712 રન બનાવ્યા. પરંતુ વિરાટનો સ્ટ્રાઈક રેટ(139) સૂર્યાની આસપાસ પણ નહતો.
ચોગ્ગા-છગ્ગા મારવામાં પણ બધાને પાછળ છોડ્યા
સૂર્યાએ આ વર્ષે જુલાઈથી અત્યાર સુધી 25 મેચમાં 96 ચોગ્ગા અને 58 છગ્ગા ફટકાર્યા. કોઈ પણ બીજો ભારતીય બેટર તેની આસપાસ પણ નથી. આ સમયે ચોગ્ગા મામલે વિરાટ (18 મેચમાં 58 ચોગ્ગા) બીજા અને રોહિત શર્મા(23 મેચમાં 55 ચોગ્ગા)સ ત્રીજા પર છે. કોઈ પણ ભારતીય ખેલાડી આ દરમિયાન 30 છગ્ગા પણ ફટકારી શક્યા નહતા. 27 છગ્ગા સાથે રોહિત બીજા અને 26 છગ્ગા સાથે રાહુલ ત્રીજા પર છે.
T20 રેન્કિંગમાં વિશ્વના નંબર-1 બેટર બન્યા
સતત સારી બેટિંગના કારણે સૂર્યા T20 ક્રિકેટમાં વિશ્વનો નંબર-1 બેટર પણ બની ગયો છે. સૂર્યાએ રેન્કિંગમાં પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાન અને બાબર આઝમના શાસનનો અંત લાવ્યો. તે હાલમાં ટોપ-10માં એકમાત્ર ભારતીય બેટર છે.
શું છે સૂર્યાની સફળતાનું રહસ્ય
સૂર્યા ગ્રાઉન્ડની ચારેય બાજુ શોટ મારે છે. આથી જ તેને મિસ્ટર 360 પણ કહે છે. ભારતના મોટાભાગના બેટર સ્પિનર્સની વિરુદ્ધ સ્વીપ અને રિવર્સ સ્વીપ નથી રમતા. પરંતુ, સૂર્યા આવા શોટ રમવામાં અચકાતો નથી. એવું નથી કે તે પાવર હિટિંગ કરી રહ્યો છે. તે ફિલ્ડ પ્લેસમેન્ટ સાથે રમે છે. જ્યાં ગેપ હોય ત્યાં શોટ રમો છે.
તેણે હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેની પાસે દરેક બોલ માટે બેથી ત્રણ શોટ છે. આ ક્ષમતાના આધારે તે સામેની ટીમની દરેક યોજનાને નિષ્ફળ બનાવે છે.
T20 ઈન્ટરનેશનલમાં ભારત માટે અત્યાર સુધીમાં 11 સદી ફટકારવામાં આવી છે. આ વર્ષે 4 સદી આવી. એકલા સૂર્યકુમાર યાદવે આમાંથી 2 સદી ફટકારી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.