ગુરુવારે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પહેલી T20 મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ હતી, જેમાં ટીમ ઈન્ડિયાએ આપેલા 212 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઊતરેલી આફ્રિકન ટીમની શરૂઆત સારી રહી હતી, જોકે આ દરમિયાન તેના બેટર વાન ડેર ડુસેન અને આવેશ વચ્ચે અલગ જંગ જોવા મળ્યો હતો. આવેશ ખાને એવો ફાસ્ટ બોલ ફેંક્યો હતો, જેના પર શોટ મારવા જતાં ડુસેનના બેટના બે ટુકડા થઈ ગયા હતા.
14મી ઓવરમાં આવેશનો ગુસ્સો!
ઈનિંગની 14મી ઓવર કરવા માટે આવેશ ખાન બોલિંગ કરવા આવ્યો હતો. આ દરમિયાન ત્રીજો બોલ આવેશ ખાને એવો ફાસ્ટ ફેંક્યો કે બેટિંગ કરી રહેલા વાન ડેર ડુસેન શોટ મારવા જતાં ફસાઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે બોલ અને બેટનો જેવો સંપર્ક થયો કે તાત્કાલિક ડુસેનના બેટ વચ્ચે તિરાડ પડી ગઈ અને બે કટકા થઈ ગયા હતા.
સપોર્ટ સ્ટાફ નવા બેટ લઈને આવ્યા
ડુસેનના બેટના બે કટકા થઈ જતાં નોન-સ્ટ્રાઈકર બેટર મિલર પણ ચોંકી ગયો હતો. બીજી બાજુ, ડુસેને બેટ બદલવા સપોર્ટ સ્ટાફને ટકોર કરી હતી. આ દરમિયાન બંને બેટર વચ્ચે કંઈક ચર્ચા પણ થઈ હતી. ત્યાર પછી સપોર્ટ સ્ટાફ 2-3 બેટ લઈને આવી પહોંચ્યો હતો.
આવેશની બોલિંગમાં ગતિ હતી, પરંતુ વિકેટ ન મળી
આવેશ ખાનની બોલિંગ જોરદાર ફાસ્ટ રહી હતી, પરંતુ આ મેચમાં તેને એકપણ વિકેટ મળી નહોતી. તમને જણાવી દઈએ કે આવેશે કુલ 4 ઓવરમાં 8.75ના ઈકોનોમી રેટથી 35 રન આપ્યા હતા. આ દરમિયાન 10 ડોટ બોલ રહ્યા, જ્યારે તેને 2 વાઈડ અને 1 નો બોલ ફેંક્યા હતા. તો બીજી બાજુ, 5 ચોગ્ગા પણ ખાધા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.