ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની સિરીઝની પ્રથમ મેચ આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ ગઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાને પહેલી વન-ડેમાં 189 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેને ટીમે ઓવરમાં 5 વિકેટે ચેઝ કરી લીધો હતો. આ જીતના હીરો શમી, સિરાજ, કેએલ રાહુલ અને રવીન્દ્ર જાડેજા રહ્યા છે. કેએલ રાહુલે સૌથી વધુ 75* રન બનાવ્યા હતા. રવીન્દ્ર જાડેજાએ 45* રન બનાવ્યા હતા. બન્ને વચ્ચે 123 બોલમાં 108* રનની પાર્ટનરશિપ થઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ મિચેલ સ્ટાર્કે 3 વિકેટ લીધી હતી. તો માર્કસ સ્ટોઇનિસે 2 વિકેટ લીધી હતી. આ જીત સાથે જ ટીમ ઈન્ડિયાએ 3 મેચની વન-ડે સિરીઝમાં 1-0ની લીડ લઈ લીધી છે. હવે બીજી મેચ 19 માર્ચે વિશાખાપટ્ટનમમાં રમાશે.
રવીન્દ્ર જાડેજાએ પોતાની 300મી ઈન્ટરનેશનલ મેચમાં પ્લેયર ઑફ ધ મેચનો અવોર્ડ જીત્યો
ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા આજે 8 મહિના પછી વન-ડે મેચ રમી રહ્યા હતા. આ ઉપરાંત આજે તેમની 300મી ઈન્ટરનેશનલ મેચ હતી. જેમાં તેઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. રવીન્દ્ર જાડેજાએ બોલિંગમાં 9 ઓવરમાં 46 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. ઉપરાંત માર્નસ લાબુશેનને અકલ્પનિય કેચ કર્યો હતો.
તો બેટિંગમાં પ્રેશરવાળી પરિસ્થિતિમાં આવીને કેએલ રાહુલ સાથે 108 રનની પાર્ટનરશિપ કરી હતી. જેમાં તેમણે 65 બોલમાં 5 ચોગ્ગાની મદદથી 45* રન ફટકાર્યા હતા. તેમના ઓલરાઉન્ડ પ્રદર્શનના કારણે પ્લેયર ઑફ ધ મેચનો અવોર્ડ જીત્યો હતો.
મિચેલ સ્ટાર્કની આગઝરતી બોલિંગ, શરૂઆતમાં ફટકા પડ્યા, પણ કેએલ રાહુલે એક છેડો સાચવી રાખ્યો
ટીમ ઈન્ડિયાને 189 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જોકે આને ચેઝ કરવા માટે ઓપનિંગમાં શુભમન ગિલ અને ઈશાન કિશન આવ્યા હતા. જોકે ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને ઈશાન કિશનને સ્ટોઇનિસે આઉટ કર્યો હતો. આ પછી મિચેલ સ્ટાર્કે સતત બે બોલમાં બે વિકેટ લીધી હતી. તેણે પહેલા વિરાટ કોહલી અને પછીના બોલે સૂર્યાને LBW આઉટ કર્યો હતો. થોડીવાર પછી સ્ટાર્ક ફરી ત્રાટક્યો હતો અને તેણે શુભમન ગિલને આઉટ કર્યો હતો. આ પછી કેએલ રાહુલ સાથે હાર્દિક જોડાયો હતો. બન્નેએ પહેલા ઇનિંગને સંભાળી હતી. બન્ને વચ્ચે 55 બોલમાં 44 રનની પાર્ટનરશિપ થઈ હતી. જોકે ફરી સ્ટોઇનિસે બાઉન્સર નાખીને હાર્દિકને આઉટ કર્યો હતો.
આ પછી નંબર-7 પર રવીન્દ્ર જાડેજા આવ્યા હતા. તેઓ 8 મહિના પછી વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમી રહ્યા હતા. કેએલ રાહુલ અને રવીન્દ્ર જાડેજાએ ધીમે-ધીમે બેટિંગ કરીને સ્કોરકાર્ડને ફરતું રાખ્યું હતું. આ દરમિયાન લાંબા સમયથી આઉટ ઑફ ફોર્મ હોવાના કારણે 'એક્સપર્ટ્સ' રાહુલને બહાર કરવાની વાત કરતા હતા. જોકે આજે ખરા સમયે કેએલ રાહુલે ટીમ માટે ટકીને ધીરજપૂર્વ બેટિંગ કરીને 91 બોલમાં 75* રન ફટકાર્યા હતા. તેના અને જાડેજા વચ્ચે 108 રનની પાર્ટનરશિપ થઈ હતી. રવીન્દ્ર જાડેજાએ પણ પોતાના ઓલરાઉન્ડર હોવાનો પરચો દેખાડ્યો હતો અને 69 બોલમાં 45* રન બનાવ્યા હતા.
વાનખેડેમાં સતત 3 મેચ હારી હતી
વાનખેડે સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાની છેલ્લી જીત ઓક્ટોબર 2011માં ઇંગ્લેન્ડ સામે થઈ હતી. આ પછી ટીમે અહીં 3 મેચ રમી હતી, પરંતુ ત્રણેયમાં હારનો સામનો કરવો પડ્યો. સાઉથ આફ્રિકાએ 2015માં ભારતને 214 રનથી, ન્યૂઝીલેન્ડે 2017માં 6 વિકેટે અને 2020માં ઓસ્ટ્રેલિયાએ 10 વિકેટથી હરાવ્યું હતું. વર્લ્ડ કપ વર્ષમાં વાનખેડેની આ જીત એટલા માટે પણ યાદગાર છે કારણ કે અહીં 2 એપ્રિલ, 2011ની રાત્રે ભારતે શ્રીલંકાને હરાવીને બીજી વખત વન-ડે વર્લ્ડ કપ જીત્યો હતો.
આવી રીતે પડી ટીમ ઈન્ડિયાની વિકેટ...
પહેલી: માર્કસ સ્ટોઇનિસે ઈશાન કિશનને LBW આઉટ કર્યો હતો.
બીજી: મિચેલ સ્ટાર્કે વિરાટ કોહલીને LBW આઉટ કર્યો હતો.
ત્રીજી: મિચેલ સ્ટાર્કે સતત બીજા બોલે વિકેટ લેતા સૂર્યકુમાર યાદવને પણ LBW આઉટ કર્યો હતો.
ચોથી: મિચેલ સ્ટાર્કે તરખાટ મચાવતા શુભમન ગિલને 20 રને આઉટ કર્યો હતો. તેનો કેચ લાબુશેને કર્યો હતો.
પાંચમી: હાર્દિક સ્ટોઇનિસની બોલિંગમાં પુલ શોટ માર્યો હતો. જોકે તાકાત ના હોવાના કારણે બોલ દૂર નહોતો ગયો અને ડિપ બેકવર્ડ સ્ક્વેર લેગ પર ઊભેલા કેમરૂન ગ્રીને કેચ કરી લીધો હતો.
ઓસ્ટ્રેલિયાની ઇનિંગ...
ઓસ્ટ્રેલિયા 35.4 ઓવરમાં માત્ર 188 રનમાં જ ઓલઆઉટ થઈ ગયું હતું. ટીમ ઈન્ડિયાના બોલર્સે તરખાટ મચાવ્યો હતો. મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજે 3-3 વિકેટ લીધી હતી. રવીન્દ્ર જાડેજાએ 2 વિકેટ લીધી હતી. તો હાર્દિક અને કુલદીપ યાદવને 1-1 વિકેટ મળી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ મિચેલ માર્શે 81 રન બનાવ્યા હતા. આ પછી ટીમનો સેકન્ડ હાઇએસ્ટ રનસ્કોરર જોશ ઇંગ્લિસે 26 રન કર્યા હતા. કાંગારૂઓની ટીમના કુલ 6 બેટર્સ ડબલ ફિગર્સ સુધી પણ પહોંચ્યા નહોતા.
આવી રીતે પડી ઓસ્ટ્રેલિયાની વિકેટ...
પહેલી: બીજી ઓવરના છેલ્લા બોલે સિરાજે ટ્રેવિસ હેડને બોલ્ડ કર્યો.
બીજી: હાર્દિકે ઑફ સ્ટમ્પની ઘણો જ બહાર લેન્થ બોલ નાખ્યો હતો. જેને કેપ્ટન સ્ટીવ સ્મિથ રમવા ગયો હતો, પણ એડ્જ વાગતા વિકેટકીપર કેએલ રાહુલે ડાઇવ મારીને કેચ કરી લીધો હતો.
ત્રીજી: રવીન્દ્ર જાડેજાએ ઑફ સ્ટમ્પની બહાર સ્લોઅર બોલ નાખ્યો હતો. જેમે માર્શ કવર પરથી મારવા ગયો હતો. પણ બોલ ટર્ન થઈ જતા, થર્ડ મેન પર ઊભેલા સિરાજે કેચ કર્યો હતો.
ચોથી: આમ તો આ વિકેટ કુલદીપને મળી છે, પણ જાડેજાના ખાતામાં જવી જોઈએ. તેમણે અકલ્પનીય ડાઇવ મારીને કેચ કર્યો હતો. આમ માર્નસ લાબુશેન આઉટ થયો હતો.
પાંચમી: શમીએ આઉટસાઇડ ઑફ સ્ટમ્પની બહાર બોલ નાખ્યો હતો. જેને જોશ ઇંગ્લિશ કટ શોટ મારવા ગયો હતો, પણ એડ્જ વાગતા બોલ્ડ થયો હતો.
છઠ્ઠી: મોહમ્મદ શમીએ બીજી સફળતા મેળવતા કેમરૂન ગ્રીનને 12 રને બોલ્ડ કર્યો હતો.
સાતમી: શમીએ ત્રીજી વિકેટ લેતા માર્કસ સ્ટોઇનિસને આઉટ કર્યો હતો. સ્ટોઇનિસનો કેચ સ્લિપમાં ઊભેલા શુભમન ગિલે કર્યો હતો.
આઠમી: જાડેજાની બોલિંગમાં હાર્દિકે મેક્સવેલનો કેચ કર્યો હતો.
નવમી: સિરાજની બોલિંગમાં શુભમન ગિલે સ્લિપમાં શાનદાર કેચ કર્યો હતો. સીન અબ્બોટ ઝીરોમાં આઉટ થયો હતો.
દસમી: સિરાજે 142ની ઝડપે બોલ નાખ્યો હતો. જેને એડમ ઝામ્પા ડ્રાઇવ મારવા ગયો હતો, પણ એડ્જ વાગતા કેએલ રાહુલે કેચ કરી લીધો હતો.
મેચના ફોટોઝ...
ટીમ ઈન્ડિયા પાંચ મેઇન બોલર્સ સાથે ઉતરી
ટીમ ઈન્ડિયાએ બે સ્પિનર્સને પ્લેઇંગ-11માં જગ્યા આપી છે. જેમાં રવીન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવ છે. તો ફાસ્ટ બોલિંગમાં મોહમ્મદ શમી અને મોહમ્મગદ સિરાજની સ્થા હાર્દિક પંડ્યા અને શાર્દૂલ ઠાકુર છે. ટીમ ઈન્ડિયા પાંચ મેઇન બોલર્સ સાથે ઉતરી છે.
બન્ને ટીમની પ્લેઇંગ-11
ભારત: હાર્દિક પંડ્યા (કેપ્ટન), શુભમન ગિલ, ઈશાન કિશન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, શાર્દૂલ ઠાકુર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ અને મોહમ્મદ શમી.
ઓસ્ટ્રેલિયા: સ્ટીવ સ્મિથ (કેપ્ટન), ટ્રાવિસ હેડ, મિચેલ માર્શ, માર્નસ લાબુશેન, જોસ ઇંગ્લિસ (વિકેટકીપર), કેમરૂન ગ્રીન, માર્કસ સ્ટોઇનિસ, ગ્લેન મેક્સવેલ, સીન અબ્બોટ, મિચેલ સ્ટાર્ક અને એડમ ઝામ્પા.
રોહિત પહેલી મેચમાંથી બહાર, હાર્દિક કેપ્ટનશિપ કરી રહ્યો છે
આજની મેચમાં હાર્દિક પંડ્યા રેગ્યુલર કેપ્ટન રોહિત શર્માની જગ્યાએ ટીમનું નેતૃત્વ કરતો જોવા મળશે. રોહિત સિરીઝની બાકીની બે મેચમાં ટીમનો કેપ્ટન હશે. ભારતીય ક્રિકેટ બોર્ડ એટલે કે BCCIએ પહેલાં જ કહ્યું હતું કે રોહિતે પારિવારિક કારણોસર સિરીઝની પ્રથમ વનડેમાંથી આરામ લીધો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.