રોહિત પાસેથી T20ની કેપ્ટનશિપ છીનવાઈ શકે છે:હાર્દિક બની શકે છે કેપ્ટન, જોકે હિટમેન ODI અને ટેસ્ટમાં લીડ કરતા નજરે પડશે

3 મહિનો પહેલા

ટીમ ઈન્ડિયાની પસંદગી સમિતિને હટાવ્યા પછી BCCIની નજર હવે T20 કેપ્ટન રોહિત શર્મા પર છે. એવી ચર્ચા ચાલી રહી છે કે તેમને T20ની કેપ્ટનશિપથી હટાવી શકાય છે. T20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં ભારત ઇંગ્લેન્ડ સામે 10 વિકેટે હારી ગયું હતું. BCCIએ ગુરુવારે અચાનક ચેતન શર્માની અધ્યક્ષતાવાળી પસંદગી સમિતિને હટાવી દીધી હતી. ચેતન શર્મા ઉપરાંત ત્રણ અન્ય પસંદગીકારોને પણ પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. ત્યારે આ પદ માટે અરજીઓ પણ મગાવવામાં આવી છે.

PTIના રિપોર્ટ્સ પ્રમાણે, પસંદગી સમિતિ પછી હવે કેપ્ટન રોહિત શર્મા વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે. જોકે રોહિત શર્મા વન-ડે અને ટેસ્ટ ક્રિકેટના કેપ્ટન તરીકે ચાલુ રહેશે, જ્યારે હાર્દિક પંડ્યાને 2024માં યોજાનાર T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ટીમના કેપ્ટન બનાવવામાં આવી શકે છે. હાલમાં, હાર્દિક ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર ટીમ ઈન્ડિયાના T20 કેપ્ટન છે. જો તેમની કેપ્ટનશિપમાં ટીમનું પ્રદર્શન સારું રહેશે, તો ટૂંક સમયમાં તેમના નામ પર મહોર લાગી શકે છે.

એવું કેમ માનવામાં આવે છે કે રોહિતની કેપ્ટનશિપ જઈ શકે છે

  • નવી પસંદગી સમિતિ માટે લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યા છે. અરજીમાં જ તેનો ઉલ્લેખ છે.
  • પસંદગી સમિતિએ પ્રથમ ત્રણ ફોર્મેટ માટે અલગ-અલગ કેપ્ટન બનાવવા પડશે.

T20 વર્લ્ડ કપ-2022માં રોહિતનું પ્રદર્શન

T20 વર્લ્ડ કપમાં રોહિતનું પોતાનું પ્રદર્શન પણ ઘણું ખરાબ રહ્યું હતું. તેમણે 6 મેચમાં 19.33ની એવરેજથી માત્ર 116 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેમનો સ્ટ્રાઈક રેટ 106.42 રહ્યો છે.

રોહિત શર્માની કેપ્ટનશિપમાં T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનું પરફોર્મન્સ

તારીખVSવેન્યૂરિઝલ્ટ
23 ઓક્ટોબરપાકિસ્તાનમેલબોર્ન4 વિકેટથી જીત્યું
27 ઓક્ટોબરનેધરલેન્ડ્સસિડની56 રનથી જીત્યું
30 ઓક્ટોબરસાઉથ આફ્રિકાપર્થ5 વિકેટથી હાર્યું
02 નવેમ્બરબાંગ્લાદેશએડિલેડ5 રનથી જીત્યું
06 નવેમ્બરઝિમ્બાબ્વેમેલબોર્ન71 રનથી જીત્યું
10 નવેમ્બર (સેમિફાઈનલ)ઇંગ્લેન્ડએડિલેડ10 વિકેટથી હાર્યું

રોહિતની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાએ બે મોટી ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો. ટીમ ઈન્ડિયા બન્ને ટૂર્નામેન્ટમાં ફાઈનલમાં પહોંચી શકી નહોતી. સૌથી પહેલા રોહિતની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાએ એશિયા કપમાં ભાગ લીધો હતો. ત્યારે ટીમ ઈન્ડિયા સુપર-4માં પાકિસ્તાન અને શ્રીલંકા સામે હાર જતા ફાઈનલમાંથી બહાર થઈ ગઈ હતી. તો હાલમાં જ ઓસ્ટ્રેલિયામાં રમાયેલા T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાને સેમિફાઈનલમાં ઇંગ્લેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

કેમ હાર્દિક જ કેપ્ટનશિપની પહેલી પસંદ છે

  • ટીમ ઈન્ડિયાએ હાર્દિકની કેપ્ટનશિપમાં 3 T20 મેચ રમી છે. આ ત્રણેયમાં ભારતીય ટીમ જીતી ગઈ હતી.
  • હાર્દિકે IPLમાં ડેબ્યૂ કરનાર ગુજરાત ટાઈટન્સને તેમની કેપ્ટનશિપમાં પહેલીવારમાં જ ચેમ્પિયન બનાવ્યું હતું.
  • તેમનું પોતાનું પ્રદર્શન પણ શાનદાર રહ્યું છે. તેમણે અત્યારસુધીમાં 79 T20 મેચ રમી છે, જેમાં તેમણે 1117 રન બનાવ્યા છે અને કુલ 62 વિકેટ લીધી છે.
  • IPLમાં ગુજરાત ટાઈટન્સની કેપ્ટનશિપ કરતી વખતે તેમણે 15 મેચમાં 45ની એવરેજથી 487 રન બનાવ્યા હતા અને 8 વિકેટ પણ લીધી હતી.