T20 સિરીઝમાં ભારતે શાનદાર કમબેક કર્યું છે. ટીમ ઈન્ડિયાએ ત્રીજી T20માં દક્ષિણ આફ્રિકાને 48 રને હરાવ્યું છે. વિશાખાપટ્ટનમના ડૉ. વાયએસ રાજશેખરા રેડ્ડી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી મેચમાં ઈન્ડિયન ટીમનું આક્રમક પ્રદર્શન રહ્યું હતું. બેટિંગ ડિપાર્ટમેન્ટ બાદ બોલિંગમાં પણ ટીમ ઈન્ડિયાએ પોતાનો પરચો બતાવી સિરીઝ ડિસાઈડર મેચ જીતી લીધી હતી. બીજી બાજુ દ.આફ્રિકાના બેટર આ મેચમાં કંઈ ખાસ કરી ન શક્યા અને મિલર અને ડૂસેન સહિત કુલ 6 ખેલાડી સિંગલ ડિજિટ સ્કોરમાં પેવેલિયન ભેગા થઈ ગયા હતા. તો ચલો આપણે ભારતની જીત પાછળના કારણો પર નજર કરીએ....
સિરીઝનો સતત ત્રીજો ટોસ હાર્યો, ઓપનિંગ જોડીએ બાજી પલટી
અત્યારસુધી રમાયેલી 3 મેચમાં ભારતે સતત 3 ટોસ હાર્યા હતા. જોકે પહેલી 2 મેચ ગુમાવ્યા પછી આ મેચ પંત એન્ડ ટીમ માટે કરો અથવા મરો સમાન રહી હતી. જેમાં ભારતીય ટીમ અલગ ગેમ પ્લાન સાથે પહેલા બોલથી જ આકરા પ્રહારો કરતી જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે ઋતુરાજ અને ઈશાન કિશને 60 બોલમાં 97 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી ટીમને મજબૂત ટોટલ સુધી પહોંચાડવાનો પાયો નાંખી દીધો હતો.
હાર્દિકનો ફિનિશિંગ ટચ, શરૂઆતનો ફાયદો ન ઉઠાવી શક્યા બેટર
ભારતીય ટીમે 97 રનની શરૂઆત કર્યા પછી મિડલ ઓવર્સમાં બેક ટુ બેક વિકેટ ગુમાવી દીધી હતી. આ દરમિયાન રિષભ પંત પણ કંઈ ખાસ કરી ન શ્ક્યો અને ભારતે 16મી ઓવર સુધીમાં 143 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારપછી કાર્તિક પણ કંઈ ખાસ કરી ન શક્યો અને 8 બોલમાં 6 રન કરી પેવેલિયન ભેગો થઈ ગયો હતો. જોકે IPLથી શાનદાર ફોર્મમાં રહેલા હાર્દિક પંડ્યાએ એક એન્ડ સંભાળી રાખ્યો હતો. તેણે 21 બોલમાં 4 ચોગ્ગા ફટકારી 31 રન કર્યા હતા. તેના ફિનિશિંગ ટચના પરિણામે ભારતે 180 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
હર્ષલ-ચહલનું ફોર્મમાં કમબેક
180 રનનો ટાર્ગેટ સેટ ડિફેન્ડ કરવા માટે ભારતીય બોલર્સ ગેમમાં આવ્યા હતા. ભારતે આક્રમક બોલિંગ કરી પાવરપ્લેમાં 38 રન જ આપ્યા અને 2 મહત્ત્વપૂર્ણ વિકેટ ખેરવી દીધી હતી. ઉલ્લેખનીય છે કે પહેલી બંને મેચમાં ટીમના બોલર્સ મિડલ ઓવર્સમાં SAની પાર્ટનરશિપ તોડવામાં ફ્લોપ રહેતા હતા. પરંતુ આ મેચમાં અલગ ગેમ પ્લાન સાથે ટીમ જોવા મળી હતી.
યુઝવેન્દ્ર ચહલે લેગ બ્રેક અને ફ્લાઈટેડ બોલ પર ક્લાસેન અને પ્રિટોરિયસ જેવા બેટરની વિકેટ લઈ ભારતની મેચમાં પકડ મજબૂત બનાવવા મદદ કરી હતી. તો બીજી બાજુ હર્ષલ પટેલે બેકઓફ લેન્થ બોલ અને સ્લોઅર બોલ પર આફ્રિકન બેટર્સની વિકેટ ઝડપી હતી.
દ.આફ્રિકાના બેટર મોટી પાર્ટનરશિપ ન નોંધાવી શક્યા
સમયાંતરે ભારતીય બોલિંગ લાઈનઅપ જ્યારે વિકેટ લઈ રહી હતી ત્યારે દ.આફ્રિકન બેટર આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર નહોતા નીકળી શક્યા. આ દરમિયાન કેપ્ટન તેમ્બા બઉમા, ડેવિડ મિલર અને રાસી વાન ડેર ડૂસેન સહિત 6 ખેલાડી સિંગલ ડિજિટ સ્કોરમાં પેવેલિયન ભેગા થઈ જતા ભારતે મેચમાં મજબૂત પકડ બનાવી લીધી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.