રોમાંચક મેચમાં 3 રનથી જીત્યું ભારત:છેલ્લી ઓવરમાં 15 રન ના બનાવી શકી વેસ્ટઇન્ડીઝ ટીમ, મેયર્સે રમી 75 રનની શાનદાર ઇનિંગ

21 દિવસ પહેલા

ટીમ ઈન્ડિયાએ ત્રણ વન-ડે મેચની સિરીઝની પહેલી મેચમાં વેસ્ટઇન્ડીઝ ટીમને 3 રનથી હરાવી છે. કેપ્ટન શિખર ધવન (97), શુભમન ગિલ (64) અને શ્રેયસ અય્યર (54)ની અર્ધસદીની મદદથી ભારતે ટૉસ હારીને પ્રથમ બેટિંગ કરતાં 50 ઓવરમાં 7 વિકેટે 308 રન કર્યા હતા, જેના જવાબમાં વેસ્ટઇન્ડીઝની ટીમ 50 ઓવરમાં 305 રન જ કરી શકી હતી. વેસ્ટઇન્ડીઝ તરફથી સૌથી વધુ રન કાઇલ મેયર્સે 75 રન ફટકાર્યા હતા. બ્રેંડન કિંગે 54 રનની ઇનિંગ્સ રમી હતી. ભારત તરફથી મોહમ્મદ સિરાજ, શાર્દૂલ ઠાકુર અને યુઝવેંદ્ર ચહલે 2-2 વિકેટ ઝડપી હતી.

છેલ્લી ઓવરનો રોમાંચ
વેસ્ટઇન્ડીઝને જીત માટે છેલ્લી ઓવરમાં 15 રનની જરૂર હતી, પરંતુ તે 11 રન જ કરી શકી હતી. રોમારિયો શેફર્ડ (39) અને અકીલ હુસૈન (33)એ નોટઆઉટ રહીને વેસ્ટઇન્ડીઝને જીત અપાવવાની કોશિશ કરી હતી, પરંતુ સિરાજે 15 રન ડિફેન્ડ કરી લીધા હતા. 97 રનની શાનદાર ઇનિંગ રમવા બદલ ટીમ ઈન્ડિયાના કેપ્ટન શિખર ધવનને મેન ઑફ ધ મેચ બનાવવામાં આવ્યો હતો.

પહેલી વિકેટ માટે શિખર ધવન અને શુભમન ગિલ વચ્ચે શતકીય ભાગીદારી

ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન અને શુભમન ગિલ વચ્ચે 105 બોલમાં 119 રનની ભાગીદારી થઈ હતી. આ ભાગીદારીમાં કેપ્ટન ધવનનું 50 બોલમાં 50 રન અને ગિલનું 52 બોલમાં 64 રન યોગદાન હતું. શ્રેયસ અય્યર 54 રને આઉટ થયો હતો. બીજી વિકેટ માટે ધવન અને અય્યર વચ્ચે 97 બોલમાં 94 રનની ભાગીદારી થઈ હતી.

ભારતની પ્લેઈંગ-11- શિખર ધવન (કેપ્ટન), શુભમન ગિલ, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન (વિકેટકીપર), દીપક હુડ્ડા, અક્ષર પટેલ, શાર્દૂલ ઠાકુર, યુઝવેંદ્ર ચહલ, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણા.

વેસ્ટઈન્ડીઝની પ્લેઈંગ-11- શાઈ હોપ (વિકેટકીપર), બ્રેન્ડન કિંગ, શમર બ્રુક્સ, કાઇલ મેયર્સે, નિકોલસ પૂરન (કેપ્ટન), રોવમેન પોવેલ, જેસન હોલ્ડર, રોમારિયો શેફર્ડ, અકીલ હુસૈન, ગુડાકેશ મોતી અને અલ્ઝારી જોસેફ.

વેસ્ટઈન્ડીઝમાં 16 વર્ષથી ભારત હાર્યું નથી
વેસ્ટઇન્ડીઝને ભારતને છેલ્લે 2006માં વન-ડે સિરીઝમાં હરાવ્યું હતું. આ પછી ભારતે ચાર વાર વેસ્ટઈન્ડીઝનો પ્રવાસ કર્યો છે અને દરેક વખતે જીત મેળવી છે. બન્ને ટીમ વચ્ચે કુલ નવ વન-ડે સિરીઝ રમાઈ છે, જેમાંથી ભારતને પાંચમાં જીત મળી છે.

અન્ય સમાચારો પણ છે...