હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં બુધવારે ભારત-ન્યૂઝીલેન્ડ વન-ડે શ્રેણીની પ્રથમ મેચ રમાઈ હતી. ભારતીય ટીમે 12 રને જીત મેળવી હતી. શ્વાસ થંભાવી દે એવા આ રોમાંચક મુકાબલામાં ઘણી રસપ્રદ ક્ષણો અને કેટલાક વિવાદો પણ જોવા મળ્યાં હતાં.
40મી ઓવરમાં થર્ડ અમ્પાયરે હાર્દિક પંડ્યાને આઉટ આપ્યો એ સૌથી વધુ ચર્ચાનો વિષય હતો. આ પહેલા શુબમન ગિલે સિક્સરની હેટ્રિક સાથે પોતાની પ્રથમ બેવડી સદી પૂરી કરી હતી. ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ પોતાના હોમ ગ્રાઉન્ડ પર રમી રહ્યો હતો. સિરાજની રમત જોવા માટે પરિવારના સભ્યો સ્ટેડિયમ પહોંચ્યા હતા. આ સ્ટોરીમાં આપણે આ બધી ક્ષણોની યાદોને તાજી કરીશું.
1. શરૂઆત પંડ્યાના આઉટ થતાં કંટ્રોવર્સીથી થઈ...
શું છે મામલો
ભારતીય ઈનિંગની 40મી ઓવર ચાલી રહી હતી. ડેરિલ મિચેલ બોલિંગ કરી રહ્યો હતો અને હાર્દિક પંડ્યા ક્રીઝ પર હતો. તેણે ગિલની સાથે 5મી વિકેટ માટે 74 રન બનાવ્યા હતા. ત્યાર બાદ પંડ્યા મિશેલનો ચોથો બોલ ચૂકી ગયો અને બોલ વિકેટકીપર ટોમ લેથમના ગ્લોવ્સમાં ગયો. લેથમે ગ્લોવ્ઝથી ગિલ્લીઓ પાડી દીધી. એવું લાગ્યું કે બોલ ગિલ્લીને અડીને લેથમના ગ્લોવ્સમાં આવી ગયો. જ્યારે પંડ્યા ક્રિઝમાં હતો ત્યારે તેના સ્ટમ્પ થવાનો સવાલ જ નહોતો. ફિલ્ડિંગ ટીમની અપીલ પર ગ્રાઉન્ડ અમ્પાયરે મામલો થર્ડ અમ્પાયર પાસે મોકલ્યો હતો.
થર્ડ અમ્પાયરનું માનવું હતું કે બોલને કારણે ગિલ્લી પડી ગઈ હતી કે વિકેટકીપરના ગ્લોવ્ઝથી એ રિપ્લે જોઈને કહેવું મુશ્કેલ હતું. જોકે ગ્રાઉન્ડ અમ્પાયરનું સોફ્ટ સિગ્નલ આઉટ હતું, આથી થર્ડ અમ્પાયરે પંડ્યાને બોલ્ડ આઉટ જાહેર કર્યો હતો. પંડ્યા અને બોલર ડેરીલ મિશેલ પોતે પણ આ નિર્ણયથી આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
પંડ્યા OUT or NOT ટ્રેન્ડ
થર્ડ અમ્પાયરના નિર્ણય બાદ સોશિયલ મીડિયા પર 'પંડ્યા OUT or NOT'ની ચર્ચા ચાલી રહી છે. કેટલાક લોકો તેને આઉટ જણાવી રહ્યા હતા, તો કેટલાક થર્ડ અમ્પાયર્સના નિર્ણયને ખોટો જણાવી રહ્યા હતા.
2. ગિલે 48મી ઓવરમાં સતત 6 છગ્ગા ફટકાર્યા...અને બેવડી સદી કરી
ભારતીય ઈનિંગની 48 ઓવર પૂરી થઈ ગઈ હતી અને ગિલ 182 રનના વ્યક્તિગત સ્કોર પર રમી રહ્યો હતો. હવે ઇનિંગના માત્ર 12 બોલ બાકી હતા. કમેન્ટેટર્સ એવી ચર્ચા કરી રહ્યા હતા કે શું ગિલને બેવડી સદી ફટકારવાની તક મળશે? કિવી કેપ્ટને 49મી ઓવર ફેંકવા માટે બોલ લોકી ફર્ગ્યુસનને આપ્યો હતો.
ગિલે ફર્ગ્યુસનના પ્રથમ, બીજા અને ત્રીજા બોલ પર સતત ત્રણ છગ્ગા ફટકાર્યા અને તેની વન-ડે કારકિર્દીની પ્રથમ બેવડી સદી પૂરી કરી. બેવડી સદી ફટકાર્યા બાદ 50મી ઓવરમાં પણ તેણે સિક્સર ફટકારી હતી.
બેવડી સદી બાદ ગિલે ઓસ્ટ્રેલિયાના વિરાટ કોહલી અને ડેવિડ વોર્નરની જેમ આક્રમક રીતે ઉજવણી કરી હતી. આખરે તે 149 બોલમાં 208 રન બનાવીને આઉટ થયો હતો. આ ઈનિંગમાં તેણે 19 ફોર અને 9 સિક્સર ફટકારી હતી.
3. સિરાજની માતાએ મેચ જોઈ હતી
હૈદરાબાદમાં ભારત-ન્યૂઝીલેન્ડ વન-ડે મેચ જોવા મોહમ્મદ સિરાજની માતા અને અન્ય સંબંધીઓ પણ પહોંચ્યાં હતાં. સિરાજ હૈદરાબાદમાં જ રહે છે. આ કારણથી તેની માતા શબાના બેગમ પોતાનાં બાળકો અને સંબંધીઓ સાથે મેચ જોવા આવ્યાં હતાં. સિરાજે મેચમાં 4 વિકેટ ઝડપી હતી.
4. રનના કોલમાં મૂંઝવણ, તેથી શાર્દૂલે ગિલ માટે બલિદાન આપ્યું
ભારતીય ઇનિંગ્સની 47મી ઓવરમાં શુબમન ગિલ 169 રન પર બેટિંગ કરી રહ્યો હતો. ફર્ગ્યુસનના ફુલર લેન્થ બોલને ગિલ કવરની દિશામાં શોટ ફટકારે છે અને સિંગલ રન લેવા માટે દોડે છે. મિશેલ સેન્ટનરે બોલ ઉઠાવ્યો અને કીપર તરફ થ્રો કર્યો હતો.
નોન-સ્ટ્રાઈકર છેડે ઊભેલા શાર્દૂલ ઠાકુર ક્રીઝની બહાર આવ્યો અને ગિલને ક્રીઝની અંદર મોકલ્યો, જેથી તે રન આઉટ થઈ જાય અને ગિલ રમવાનું ચાલુ રાખે તથા તેની બેવડી સદી પૂરી કરી શકે. શાર્દૂલ 3 બોલમાં 3 રન બનાવીને આઉટ થયો હતો.
5. ઈશાને તેના હાથથી ગિલ્લીઓ પાડી અને અપીલ પણ કરી
બીજા દાવમાં ભારતની 16મી ઓવર કુલદીપ યાદવ ફેંકી રહ્યો હતો. સ્પિનર કુલદીપે સારી લેન્થ પર બોલ ફેંક્યો હતો, જેનો બચાવ ન્યૂઝીલેન્ડના કેપ્ટન ટોમ લાથમે બેકફૂટ પર ડિફેન્સ કર્યો હતો. બોલ રોહિત શર્મા પાસે ગયો, ત્યાર પછી લેથમની ગિલ્લીઓ પણ પડી. ભારતના વિકેટકીપર ઈશાન કિશન વિકેટ માટે અપીલ કરી હતી.
મામલો થર્ડ અમ્પાયર પાસે ગયો. પરંતુ, રિપ્લેમાં સ્પષ્ટપણે જોવા મળ્યું હતું કે લેથમ હિટ વિકેટ થયો ન હતો. કિશને કીપિંગ ગ્લવ્ઝથી ગિલ્લી પાડી હતી. લેથમને થર્ડ અમ્પાયરે નોટ આઉટ જાહેર કર્યો હતો. નિર્ણય પછી, કિશન રમુજી અંદાજમાં હસવા લાગ્યો હતો, કારણ કે તેણે આવું ફક્ત લેથમને ટ્રોલ કરવા માટે કરતો હતો. લેથમે પ્રથમ દાવમાં 2-3 વખત તેના ગ્લવ્ઝથી ગિલ્લિ પાડી દીધી હતી.
6. છેલ્લી ઓવર રોમાંચક રહી
350 રનના ટાર્ગેટનો પીછો કરવા ઊતરેલી ન્યૂઝીલેન્ડ ટીમે 49 ઓવરમાં 330 રન બનાવ્યા હતા. છેલ્લી ઓવરમાં 20 રનની જરૂર હતી. શાર્દૂલ ઠાકુરના પહેલા જ બોલ પર સિક્સર ફટકારી હતી. તેણે બીજો બોલ વાઈડ નાખ્યો અને બીજા જ બોલ પર યોર્કર ફેંકીને માઈકલ બ્રેસવેલને એલબીડબ્લ્યુ કરી દીધો. બ્રેસવેલે રિવ્યૂ લીધો અને રિપ્લેમાં તે આઉટ થયો હોવાનું દર્શાવ્યું હતું. જો રિવ્યૂનો નિર્ણય ન્યૂઝીલેન્ડની તરફેણમાં ગયો હોત તો માઈકલ બ્રેસવેલ કિવી ટીમને જિતાડી પણ શક્યો હોત.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.