ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજથી વનડે સિરીઝની શરૂઆત થઈ રહી છે. આ સિરીઝ બંને ટીમો માટે એટલા માટે મહત્ત્વની છે, કારણ કે વર્ષ 2023 વનડે વર્લ્ડ કપનું છે અને ભારતમાં જ આ ટુર્નામેન્ટ થવાની છે. બંને ટીમો લગભગ 3 વર્ષ બાદ ટકરાશે. છેલ્લે 2 ડિસેમ્બરે 2020માં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે મેચ રમાઈ હતી.
સિરીઝ શરૂ થવાની સાથે જ અનેક રેકોર્ડ પણ દાવ પર લાગ્યા છે. શુભમન ગિલે વર્ષ 2023માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં હજાર રન પૂરા કરવાથી લઈને રોહિત-વિરાટની સદી સુધી, આ સ્ટોરીમાં આપણે જાણીશું કે ટીમ ઈન્ડિયા અને તેના ખેલાડીઓ કયા નવા રેકોર્ડ તોડી શકે છે.
રોહિત શર્મા અને વિરાટ કોહલી તોડી શકે છે સચિનની સદીનો રેકોર્ડ
ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા અને વિરાટ કોહલીની પાસે તેંડુલકરના રેકોર્ડ તોડવાની તક છે. ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયામાં સચિનના નામે વનડેમાં સૌથી વધુ સદી છે. સચિને ઓસ્ટ્રેલિયા સામે અત્યાર સુધીમાં કુલ 9 સદી ફટકારી છે. જ્યારે રોહિત શર્મા અને વિરાટ કોહલીના નામે 8-8 સદી છે. ત્રણ વનડેમાંથી રોહિત પ્રથમ વનડે નહીં રમે. જો કે, આગળની બે વનડેમાં તેની પાસે આ રેકોર્ડને તોડવાની પૂરી તક છે.
શુભમન ગિલ 1,000નો આંકડો પાર કરી શકે છે
ભારતીય વનડે ટીમનો 23 વર્ષીય બેટ્સમેન શુભમન ગિલ આ વર્ષે ફોર્મમાં જોવા મળી રહ્યો છે. ગિલે 2023ની શાનદાર શરૂઆત કરી છે. ગિલે માત્ર ત્રણ મહિનાથી ઓછા સમયમાં 4 સદી અને એક બેવડી સદી ફટકારી છે. વનડેમાં બેવડી સદી ફટકારી હતી. જ્યારે, 2 વધુ સદીઓ વનડેમાં અને એક T20 અને એક ટેસ્ટમાં કરી છે.
આ વર્ષે અત્યાર સુધીમાં ત્રણેય ફોર્મેટમાં મળીને ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેના નામે 14 મેચમાં 923 રન છે. તે ઓસ્ટ્રેલિયાની સામે માત્ર ત્રણ મહિનામાં જ 1000 રનનો આંકડો પાર કરી શકે છે.
એક વર્ષમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ રિકી પોન્ટિંગના નામે છે. વર્ષ 2005માં તેણે ત્રણેય ફોર્મેટમાં મળીને 2,833 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 9 સદી અને 15 ફિફ્ટી ફટકારી હતી.
કોહલી અને રોહિતની પાસે 200 ચોગ્ગા પૂરા કરવાની તક
સદીની સાથે વિરાટ કોહલી અને રોહિત શર્મા પાસે ઓસ્ટ્રેલિયા સામે 200 ચોગ્ગાનો આંકડો પાર કરવાની તક છે. ચોગ્ગાના મામલામાં સચિન આ સમયે સૌથી આગળ છે. તેણે ઓસ્ટ્રેલિયા સામેની વનડેમાં કુલ 330 ચોગ્ગા ફટકાર્યા છે. વિરાટે 185 અને રોહિતે 178 ચોગ્ગા ફટકાર્યા છે.
કુલદીપ વનડેમાં છેલ્લાં 5 વર્ષમાં બીજો સૌથી વધુ વિકેટ લેનારો ખેલાડી, હવે નંબર 1 બનવાની તક
કુલદીપ યાદવ ભલે ટીમ ઈન્ડિયામાં રેગ્યુલર ખેલાડી ન હોય, પરંતુ તેણે છેલ્લાં 5 વર્ષમાં વનડેમાં ભારતીય ટીમમાં સૌથી વધુ વિકેટો લીધી છે. જ્યારે, તે આ મામલે વિશ્વમાં બીજા ક્રમે છે. નેપાળના કેપ્ટન સંદીપ લામિછાનેનું નામ પ્રથમ ક્રમે છે. તેણે 41 મેચમાં 99 વિકેટ લીધી હતી. આ સાથે જ બાંગ્લાદેશનો મુસ્તાફિઝુર કુલદીપની બરાબરી પર છે. બંને બોલરોએ 58 મેચમાં 91 વિકેટ ઝડપી છે. કુલદીપ જો સિરીઝની તમામ મેચ રમે અને જો તે દરેક મેચમાં તેની સંપૂર્ણ બોલિંગ કરે છે, તો તેની પાસે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બનવા માટે કુલ 30 ઓવર હશે.
ટીમ ઈન્ડિયાની પાસે ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે લીડ મેળવવાની તક
ટીમ ઈન્ડિયાની પાસે ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામે લીડ મેળવવાની તક છે. ભારત ઓસ્ટ્રેલિયા સામે ઓસ્ટ્રેલિયામાં તો તેના કરતાં વધુ મેચ હાર્યું છે, પરંતુ ટીમની ઘરઆંગણે પણ આવી જ સ્થિતિ છે. ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામેની વનડેમાં ઘરઆંગણે કુલ 64 મેચ રમી છે. આમાંથી 30 ઓસ્ટ્રેલિયા જીત્યું છે, જ્યારે 29 ભારતના નામે છે. 5 મેચનું પરિણામ આવ્યું નથી. આ સિરીઝમાં ભારત પાસે ઓસ્ટ્રેલિયા સામે લીડ લેવાની તક છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.