• Gujarati News
  • Sports
  • Cricket
  • From Mahendra Singh Dhoni's Amazing Captaincy To King Kohli's Match Winning Innings; Watch Other Match Moments Too

T20 વર્લ્ડ કપમાં ભારત-પાક.ના મુકાબલાની સ્ટોરી:મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશિપની કમાલથી માંડીને કિંગ કોહલીની મેચ વિનિંગ ઇનિંગ; જુઓ અન્ય મેચની મોમેન્ટ્સ પણ

2 મહિનો પહેલા

ભારત અને પાકિસ્તાન વચ્ચેના મહામુકાબલામાં હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે હવે ફરી એકવાર આ હાઈવોલ્ટેજ મેચના ભણકારા વાગવા માંડ્યા છે. બન્ને ટીમના પ્લેયર્સની સાથે-સાથે બન્ને ટીમના ફેન્સની ઉત્સુકતા ચરમસીમાએ હોય છે. ત્યારે હવે તમારા માટે આજે દિવ્ય ભાસ્કર દુનિયાના સૌથી મોટા જંગની અમુક સ્ટોરીઝ લાવ્યું છે. જેમાં 2007ની મેચની જીતથી લઈને 2021ની હાર સુધીની વાત આજે અમે અહિં કરીશું.

2007ના T20 વર્લ્ડ કપમાં મહેન્દ્રસિંહ ધોનીની જાદુઈ કેપ્ટનશિપથી માંડીને 2016માં વિરાટ કોહલીની ક્લાસિક ઇનિંગથી લઈને 2021માં પહેલીવાર પાકિસ્તાન સામે હારની બધી જ વાત અહિં રજૂ કરી રહ્યા છે...

1. 2007માં બોલઆઉટમાં પાકિસ્તાનને હરાવ્યું

વર્ષ 2007માં 14 સપ્ટેમ્બરના રોજ ડર્બનમાં રમાયેલી ગ્રુપ મેચમાં ટીમ ઈન્ડિયા પહેલી બેટિંગ કરી રહ્યું હતું. જેમાં નિર્ધારિત ઓવરમાં ભારતે 141 રન કર્યા હતા. જેમાં રોબિન ઉથપ્પાએ 50 રન બનાવ્યા હતા. તો મહેન્દ્રસિંહ ધોનીએ 33 રન કર્યા હતા. મોહમ્મદ આસિફે 4 વિકેટ લીધી હતી. જેના જવાબમાં પાકિસ્તાનની ટીમ પણ 141 રને જ અટકી ગઈ હતી. છેલ્લી ઓવરમાં એસ.શ્રીસંથની ધારદાર બોલિંગના કારણે પાકિસ્તાન જીતી શક્યું નહિ, અને મેચ ટાઈમાં પરિણમી હતી.

ત્યારે મેચ ઑફિશિયલ્સે મેચનું પરિણામ લાવવા માટે બોલ આઉટ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં ભારતે ત્રણ બોલર સિલેક્ટ કર્યા હતા. હરભજન સિંહ, રોબિન ઉથપ્પા અને વિરેન્દ્ર સહેવાગને રાખ્યા હતા. આ તમામ ખેલાડીઓ સ્પિનર્સ છે. તો પાકિસ્તાને એક સ્પિનર અને બે ફાસ્ટ બોલર રાખ્યા હતા. જેમાં ભારતના ત્રણેય ખેલાડીઓએ બેઇલ્સ ઉડાડી હતી. તો પાકિસ્તાનના એક પણ ખેલાડીઓ ડાંડી ઉડાડી શક્યા નહોતા. જેના કારણે ટીમ ઈન્ડિયાએ આ મેચમાં જીત મેળવી હતી.

તમે આ ફોટોઝમાં જોઈ શકો છો કે ધોની સ્ટંપ્સની એકદમ પાછળ ઊભો છે, જ્યારે પાકિસ્તાનનો કીપર આડોઅવળો ઊભો છે.
તમે આ ફોટોઝમાં જોઈ શકો છો કે ધોની સ્ટંપ્સની એકદમ પાછળ ઊભો છે, જ્યારે પાકિસ્તાનનો કીપર આડોઅવળો ઊભો છે.

આ બોલઆઉટમાં ભારતની જીતનો મુખ્ય આધાર ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પણ છે. તમે નીચે આપેલા વીડિયોમાં જોશો તો ધોની બોલઆઉટ વખતે એકદમ સ્ટંપ્સની પાછળ ઊભેલો છે. એટલે બોલર્સને સ્ટંપ્સને નિશાને લેવા માટે પરફેક્ટ જજમેન્ટ આવે, જે એકદમ સટીક નીકળ્યું હતું અને ભારતના ત્રણેય બોલર્સે સ્ટંપ્સ ઉડાડ્યું હતું. જ્યારે તેની સરખામણીમાં પાકિસ્તાનનો વિકેટકીપર કામરાન અકમલ આડોઅવળો ઊભો છે. જેના કારણે પાકિસ્તાનના બોલર્સને જજમેન્ટ મેળવવું અઘરું થઈ પડ્યું હતું અને તેઓ એકપણ વાર સ્ટંપ્સને અડી પણ શક્યો નહોતા.

2. ફાઈનલમાં ભારતે તિરંગો લહેરાવ્યો

24 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઈનલ રમાઈ હતી. જોહનિસબર્ગમાં રમાયેલી આ ફાઈનલમાં ભારતે પાકિસ્તાન સામે પ્રથમ બેટિંગ કરી હતી. જેમાં ભારતે 20 ઓવરમાં 5 વિકેટે 157 રન બનાવ્યા હતા. જેમાં ગૌતમ ગંભીરે 54 બોલમાં 75 રન ફટકાર્યા હતા, તો રોહિત શર્માએ 16 બોલમાં જ 30 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. ઉમર ગુલે 3 વિકેટ લીધી હતી. ત્યારે 158 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઊતરેલી પાકિસ્તાનનો ધબડકો થયો હતો. ઈરફાન પઠાણે તરખાટ મચાવતા શોએબ મલિક, શાહિદ આફ્રિદી અને યાસીર અરાફતની વિકેટ ઝડપી હતી. તો આરપી સિંહે પણ 3 વિકેટ લીધી હતી. જોકે મિસબાહ ઉલ હકે એક છેડો સાચવી રાખતા મેચને છેલ્લી ઓવર સુધી ખેંચી હતી. છેલ્લી ઓવરમાં પાકિસ્તાનને જીતવા માટે 13 રનની જરૂર હતી. અને કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ સાવ નવા-સવા એવા જોગિંદર શર્માના હાથમાં બોલ સોંપ્યો હતો.

જુઓ છેલ્લી ઓવરનો રોમાંચ... જોગિંદર શર્મા ટુ મિસબાહ ઉલ હક...
19.1: જોગિંદર શર્માએ પ્રેશરમાં આવીને પહેલો બોલ વાઈડ નાખ્યો હતો. હવે પાકિસ્તાનને જીતવા માટે 6 બોલમાં 12 રનની જરૂર.
19.1: જોગિંદર શર્માએ આઉટ સાઇડ ઑફ સ્ટંપમાં બોલ નાખ્યો હતો અને મિસબાહ તેને મારી શક્યો નહોતો અને બોલ ખાલી ગયો હતો. હવે પાકિસ્તાનને 5 બોલમાં 12 રનની જરૂર.
19.2: જોગિંદર શર્માએ ફૂલટોસ બોલ નાખ્યો, જેને મિસબાહે સીધો છગ્ગો ફટકારીને પાકિસ્તાનની છાવણીમાં જીતનો માહોલ સર્જી દીધો હતો. હવે પાકિસ્તાનને 4 બોલમાં માત્ર 6 રનની જરૂર.
19.3: મિસબાહને જોગિંદર શર્માએ સ્લોઅર બોલ નાખ્યો હતો, જેને મિસબાહ થર્ડમેન ઉપરથી સ્કુપ શોટ મારીને ચોગ્ગો ફટકારવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે તેનાથી સરખું ટાઈમિંગ થયું નહોતું અને તે થર્ડમેન ઉપર ઊભેલા એસ. શ્રીસંથના હાથે કેચ આઉટ થયો હતો.

આ સાથે જ ટીમ ઈન્ડિયાએ ઈતિહાસ રચીને પાકિસ્તાનને 5 રને હરાવીને T20 વર્લ્ડ કપનું સૌપ્રથમ ચેમ્પિયન બન્યું હતું. આ સાથે જ મહેન્દ્રસિંહની કેપ્ટનશિપનો સુવર્ણ યુગ પણ શરૂ થયો હતો. આ મેચમાં ઈરફાન પઠાણ પ્લેયર ઑફ ધ મેચ બન્યો હતો

3. 2012ના T20 વર્લ્ડ કપમાં એકલા કોહલીએ જ પાકિસ્તાનને પછાડી દીધું હતું

2012નો T20 વર્લ્ડ કપ શ્રીલંકાના કોલંબોમાં રમાયો હતો. જેમાં સુપર-8ના મુકાબલામાં ભારત અને પાકિસ્તાન આમને-સામને ટકરાયા હતા. જેમાં પાકિસ્તાને પહેલી બેટિંગ કરતા 20 ઓવરમાં 128 રનમાં જ ખખડી દીધા હતા. લક્ષ્મીપતિ બાલાજીએ 3 વિકેટ ઝડપી હતી. આ પછી 129 રનના ટાર્ગેટના જવાબમાં ભારતીય ટીમે 2 વિકેટે 17 ઓવરમાં જ પાર પાડી લીધો હતો.

ચેઝ માસ્ટર વિરાટ કોહલીએ શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું. તેણે 61 બોલમાં 78 રન ફટકાર્યા હતા અને પ્લેયર ઑફ ધ મેચ બન્યો હતો.

4. અમિત મિશ્રાની ફિરકીમાં પાકિસ્તાનની ટીમ લપેટાઈ ગઈ

2014નો T20 વર્લ્ડ કપ બાંગ્લાદેશના ઢાકામાં રમાયો હતો. જેમાં સુપર-10ની મેચમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટે હરાવીને ટૂર્નામેન્ટમાં જીતથી પોતાના અભિયાનની શરૂઆત કરી હતી. ટીમ ઈન્ડિયાએ પહેલા ફિલ્ડિંગ કરીને પાકિસ્તાનને 130 રને જ અટકાવી દીધુ હતું. ટીમના લેગ સ્પિનર અમિત મિશ્રાએ 2 વિકેટ ઝડપી હતી. 131 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઊતરેલી ટીમ ઈન્ડિયાએ 3 વિકેટે જ પાર પાડીને વધુ એકવાર પાકિસ્તાનને કચડ્યું હતું.

લેગ સ્પિનર અમિત મિશ્રાને તેના શાનદાર પ્રદર્શન માટે પ્લેયર ઑફ ધ મેચ બનાવવામાં આવ્યો હતો. આ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાએ ફાઈનલ સુધીની સફર ખેડી હતી. જોકે ફાઈનલમાં શ્રીલંકાએ ભારતને હરાવીને ચેમ્પિયન બની હતી.

5. 2016માં કિંગ કોહલીની ઇનિંગે કોલકત્તામાં ભારતનો ઝંડો લહેરાવ્યો

2016માં ભારતની ધરતી પર યોજાયેલા T20 વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવીને સતત 5મી વાર હરાવ્યું હતું. આ મેચ વરસાદના કારણે 18 ઓવરની થઈ ગઈ હતી. કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાયેલી સુપર-10ની મેચમાં શરૂઆત હાર્દિકે શર્જીલ ખાનનો જબરદસ્ત કેચ કર્યો હતો. આ પછી શોએબ મલિક (26) અને ઉમર અકમલ (22)ના કારણે પાકિસ્તાનની ટીમે 18 ઓવરમાં 5 વિકેટે 118 રન કર્યા હતા. આ પછી 119 રનના પડકારને ચેઝ કરવા માટે ભારતીય ટીમના ટૉપ ઑર્ડરનો ધબડકો થયો હતો. મોહમ્મદ આમિર અને મોહમ્મદ સમીની ધારદાર બોલિંગના કારણે ભારતીય ટીમ બેકફૂટ ઉપર આવી ગઈ હતી. જોકે ભારતીય ટીમના કિંગ કોહલીએ યુવરાજ સિંહ (24) સાથે મળીને ટીમની ઇનિંગને સંભાળી હતી અને ટીમને જીત તરફ અગ્રેસર કર્યું હતું. આ પછી ધોનીએ પોતાની આગવી ઓળખ એવી ફિનિશિંગ ટચ આપીને ઈરફાનની બોલ ઉપર સ્ટ્રેટ છગ્ગો ફટકારીને ભારતને જિતાડ્યું હતું.

કોહલીએ તેની આ ઇનિંગ સ્ટેન્ડમાં ઊભેલા ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરને અર્પિત કરી હતી.
કોહલીએ તેની આ ઇનિંગ સ્ટેન્ડમાં ઊભેલા ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરને અર્પિત કરી હતી.

વિરાટ કોહલીએ 37 બોલમાં 55 રનની ક્લાસિક ઇનિંગ રમી હતી. તેને પ્લેયર ઑફ ધ મેચ બનાવવામાં આવ્યો હતો.

6. નાલેશીભરી હાર મળી, પાકિસ્તાને પહેલીવાર ટીમ ઈન્ડિયાને હરાવી

2021નો વર્લ્ડ કપ દુબઈમાં રમાયો હતો. આ વર્લ્ડ કપ ભારતનો સૌથી ખરાબ રહ્યો હતો. જેમાં ટીમને પહેલી જ મેચમાં પાકિસ્તાન સામે 10 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં ભારતે પહેલી બેટિંગ કરી હતી. જેમાં ઓપનિંગ પેર શાહિન શાહ આફ્રિદીના સ્વિંગ સામે ટકી શકી નહોતી અને આઉટ થઈ ગઈ હતી. આ પછી દરવખતની જેમ વિરાટ કોહલીએ ટીમની ઇનિંગને સંભાળીને ભારતને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યું હતું. તેણે 49 બોલમાં 57 રન કર્યા હતા. તેની આ ઇનિંગને કારણે ભારતે 20 ઓવરમાં 151 રન કર્યા હતા.

આ પછી પાકિસ્તાનની ટીમના કેપ્ટન અને વાઇસ કેપ્ટને શાનદાર ઇનિંગ રમીને ટીમને પહેલીવાર ભારત સામે જિતાડ્યું હતું. બાબર આઝમે 52 બોલમાં 68 રન કર્યા હતા અને મોહમ્મદ રિઝવાને 55 બોલમાં 79 રન કર્યા હતા. શાહિન શાહ આફ્રિદીએ ત્રણ મહત્ત્વની વિકેટ ઝડપી હતી. તેણે રોહિત શર્મા, કેએલ રાહુલ અને વિરાટ કોહલીની વિકેટ ઝડપી હતી, અને પ્લેયર ઑફ ધ મેચ બન્યો હતો.

કેપ્ટન કોહલીએ એકલા હાથે પાકિસ્તાન સામે રમીને ભારતને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યું હતું.
કેપ્ટન કોહલીએ એકલા હાથે પાકિસ્તાન સામે રમીને ભારતને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યું હતું.

7મી વાર આમને-સામને ટકરાશે ટીમ ઈન્ડિયા

23 ઓક્ટોબરે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભારત અને પાકિસ્તાન 7મી વાર આમને-સામને ટકરાશે. ત્યારે ભારતીય ટીમ ગત વર્લ્ડ કપનો બદલો લેવા માટે મેદાને ઊતરશે. આ મેચ માટે ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...