ન્યૂઝીલેન્ડના પૂર્વ દિગ્ગજ ઓલરાઉન્ડર ક્રિસ કેઇર્ન્સ અત્યારે જીવન-મરણ વચ્ચે જંગ લડી રહ્યા છે. તે આ સપ્તાહે અચાનક બેભાન થઈ ગયા હતા. ત્યારપછી ક્રિસને ઓસ્ટ્રેલિયાના કૈનબરામાં એક ખાનગી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા હતા. તે અત્યારે લાઇફ સપોર્ટ સિસ્ટમ પર છે અને એમની હાલત પણ ગંભીર જણાઈ રહી છે. ક્રિસ હૃદય રોગની ગંભીર બીમારી એઓરટિક ડિસેક્શનથી પિડાઈ રહ્યા છે. જેથી કૈનબરામાં એની સર્જરી કર્યા બાદ સિડનીમાં એમના હાર્ટની સર્જરી કરવામાં આવી હતી.
તબિયત લથડતા બેભાન થયા ક્રિસ કેઇર્ન્સ
ન્યૂઝીલેન્ડ હેરાલ્ડના અહેવાલમાં ઉલ્લેખ કરાયો હતો કે ઓપરેશન થયું હોવા છતા ક્રિસનું બોડી યોગ્ય પ્રતિક્રિયા આપી રહ્યું નથી. જોકે અત્યારે એમની હાલત સ્થિર છે. ક્રિસની પત્નીએ જણાવ્યું હતું કે અત્યારે અમે કપરા સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ, તમે બધા અમારા માટે પ્રાર્થના કરો. અમે સતત અત્યારે ડોક્ટરના સંપર્કમાં છીએ. 51 વર્ષીય ક્રિસ ગત સપ્તાહે તબિયત લથડતા કૈનબરામાં બેભાન થઈ ગયા હતા.
મેક્કલમ અને લક્ષ્મણે સારા સ્વાસ્થ્ય અંગે પ્રાર્થના કરી
ન્યૂઝીલેન્ડ ક્રિકેટના ચીફ એક્ઝિક્યૂટિવ ડેવિડ વ્હાઇટ, પૂર્વ ક્રિકેટર બ્રેન્ડન મેક્કલમ અને VVS લક્ષ્મણે પણ ક્રિસના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી. વ્હાઇટે કહ્યું હતું કે ક્રિસ એક આદર્શ પતિ, પિતા અને પુત્ર છે. અમને આશા છે કે તે જલદી સાજા થઈ જશે. વળી મેક્કલમે પણ ક્રિસના વખાણ કર્યા હતા.
ન્યૂઝીલેન્ડના બેસ્ટ ઓલરાઉન્ડર્સમાંથી એક ક્રિસ કેઇર્ન્સ
ક્રિસ ન્યૂઝીલેન્ડના દિગ્ગજ ખેલાડી ગણાતા લાંસ કેઇર્ન્સનો પુત્ર છે. ક્રિસને 1990ના દશકાનો બેસ્ટ ઓલરાઉન્ડર ગણવામાં આવતો હતો. એણે ન્યૂઝીલેન્ડ માટે 1989થી 2006 વચ્ચે 62 ટેસ્ટ, 215 વનડે અને 2 T-20 ઇન્ટરનેશનલ મેચ રમી હતી. તે અત્યારે સ્કાય સ્પોર્ટ્સમાં કોમેન્ટ્રી કરી રહ્યા હતા.
2008મા ક્રિસ પર ફિક્સિંગનો આરોપ લાગ્યો
ક્રિસ પર 2008મા ઈન્ડિયન ક્રિકેટ લીગ (ICL)મા રમતી વખતે મેચ ફિક્સિંગના આક્ષેપો લાગ્યા હતા. કેઇર્ન્સે પોતાને નિદોર્ષ સાબિત કરવા માટે કાયદાનો સહારો લીધો હતો. જોકે મેચ ફિક્સિંગના આરોપ સામે તેમણે 2012મા ઈન્ડિયન પ્રીમિયર લીગના સંસ્થાપક લલિત મોદી સામે માનહાનિનો કેસ પણ જીત્યો હતો.
ફિક્સિંગના આરોપની અસર તેમના અંગત જીવન પર પડી
ક્રિસને પોતાના સાથી ખેલાડી લૂ વિન્સેન્ટ અને બ્રેન્ડન મેક્કલમ સાથે ફરી એકવાર ફિક્સિંગના આરોપનો સામનો કરવો પડ્યો હતો. 2015મા લંડનમાં લાંબી અજમાયશ પછી, તેને ખોટી અને ન્યાયમાં અવરોધ આપવાના આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. એક સમયે તેની પાસે કાનૂની પ્રક્રિયાની ફી પણ નહોતી. આ પછી, ક્રિસે ઓકલેન્ડ કાઉન્સિલમાં ટ્રક ચલાવવાનું અને બસ સ્ટેન્ડની સફાઈનું કામ પણ કર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.