ગંભીરે કહ્યું-કોહલી-ધોનીની પૂજા કરવાનું બંધ કરો:પૂર્વ ક્રિકેટર બોલ્યો- ફેન્સ અને બ્રોડકાસ્ટર્સ ભારતીય ક્રિકેટની ઇજ્જત કરે, સ્ટાર ના બનાવે

14 દિવસ પહેલા

ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનિંગ ખેલાડી ગૌતમ ગંભીરે ઈન્ડિયન ક્રિકેટર્સને સ્ટાર બનાવવાના કલ્ચર ઉપર સવાલ ઉઠાવ્યા છે. તેમણે ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે '1983ના વર્લ્ડ કપથી આવું ચાલતું આવે છે. કપિલ દેવે માત્ર વર્લ્ડ કપ નહોતો અપાવ્યો, પરંતુ તમે તેમને સ્ટાર બનાવીને તેમની પૂજા કરવા લાગ્યા હતા. આવું જ ધોની અને કોહલી સાથે પણ થયું છે. માત્ર આ બન્નેએ જ ભારતને જીત અપાવી નથી.'

1983માં પહેલીવાર ભારતીય ક્રિકેટ ટીમે કપિલ દેવની કેપ્ટનશિપમાં વર્લ્ડ કપ જીત્યો હતો.
1983માં પહેલીવાર ભારતીય ક્રિકેટ ટીમે કપિલ દેવની કેપ્ટનશિપમાં વર્લ્ડ કપ જીત્યો હતો.

ભારતીય ક્રિકેટ જ સાચા હીરો

ગૌતમ ગંભીર ફેન્સ અને બ્રોડકાસ્ટર્સ ઉપર પણ ભડક્યો હતો. ગંભીરે આગળ જણાવ્યું હતું કે 'ડ્રેસિંગ રૂમમાં સ્ટાર અથવા હીરો જન્મ લેતા નથી. ભારતીય ક્રિકેટ જ સાચા હીરો છે. આપણે કોઈ એક ખેલાડીને મોટો બનાવવાની જગ્યાએ પૂરી ટીમને મોટા બનાવવા ઉપર જોર અને ધ્યાન લગાવવું જોઈએ. ફેન્સ અને ખાસ કરીને મેચના બ્રોડકાસ્ટર્સએ આ વાત વિચારવી જોઈએ. તેમણે ભારતીય ક્રિકેટની ઇજ્જત કરવી જોઈએ. કોઈ એક ખેલાડીની નહિ.'

મહેન્દ્રસિંહ ધોનીએ 28 વર્ષ પછી પોતાની કેપ્ટનશિપમાં ભારતને 2011માં વર્લ્ડ કપ અપાવ્યો હતો.
મહેન્દ્રસિંહ ધોનીએ 28 વર્ષ પછી પોતાની કેપ્ટનશિપમાં ભારતને 2011માં વર્લ્ડ કપ અપાવ્યો હતો.

વિરાટના વખાણ થયા, ભુવનેશ્વરના નહિ

ગંભીરે એશિયા કપનું ઉદાહારણ આપતાં કહ્યું હતું કે ' જે દિવસે વિરાટ કોહલીએ 71મી સેન્ચુરી ફટકારી હતી, તે જ મેચમાં નાનકડા શહેર મેરઠના ખેલાડી ભુવનેશ્વર કુમારે પણ 5 વિકેટ ઝડપી હતી. કોઈએ તે વાતને ધ્યાને પણ લીધી નહોતી.

આ સાચે જ દુર્ભાગ્યપૂર્ણ વાત કહેવાય. હું એકલો વ્યક્તિ હતો કે જે કોમેન્ટ્રીમાં ભુવનેશ્વરને લઈને સતત ચર્ચા કરતો હતો. ભુવનેશ્વર કુમારે 4 ઓવરમાં માત્ર 4 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. પરંતુ મને નથી લાગતું કે આ વિશે કોઈને યાદ હશે.'

એશિયા કપમાં અફઘાવિસ્તાન સામેની મેચમાં ભુવનેશ્વર કુમારે 5 વિકેટ ઝડપી હતી, પરંતુ કોહલની સેન્ચુરીની જ ચર્ચા થતી હતી.
એશિયા કપમાં અફઘાવિસ્તાન સામેની મેચમાં ભુવનેશ્વર કુમારે 5 વિકેટ ઝડપી હતી, પરંતુ કોહલની સેન્ચુરીની જ ચર્ચા થતી હતી.

વિરાટની ઇનિંગ પછી દેશમાં જશ્ન મનાવવા ઉપર પણ ભડક્યો

ગૌતમ ગંભીર આટલેથી રોકાયો નહોતો અને વિરાટ કોહલીની સેન્ચુરી પછી દેશમાં જશ્ન મનાવવા ઉપર પણ ગુસ્સો કર્યો હતો. તેણે કહ્યું હતું કે 'વિરાટની આ ઇનિંગનાં ખૂબ ગુણગાન ગવાયાં છે. પૂરા દેશમાં જશ્નનો માહોલ હતો. આપણે આવી સંસ્કૃતિથી બહાર આવવું જોઈએ. પછી તે ક્રિકેટ હોય કે પછી રાજનીતિ. સોશિયલ મીડિયા ફોલોઅર્સ દેશમાં સૌથી નકલી વસ્તુ છે.'

વિરાટની ઓપનિંગ પોઝિશન ઉપર પણ સવાલ ઉઠાવી ચૂક્યો છે ગંભીર

થોડા દિવસ પહેલાં ગંભીરે જણાવ્યું હતું કે 'વિરાટે અફઘાનિસ્તાન સામે સેન્ચુરી ફટકારી હતી, ત્યારે દરેક લોકો તેના વખાણ કરવા લાગ્યા હતા. આપણે કેએલ રાહુલ અને રોહિત શર્માનું યોગદાન ભૂલવાનું શરૂ કરી દઈએ છીએ, જેઓ લાંબા સમયથી પરફોર્મ કરતા આવ્યા છે.'

તેણે આગળ વધુમાં જણાવ્યું હતું કે 'અચાનક જ ચર્ચાઓ શરૂ થઈ જાય છે કે વિરાટથી ઓપનિંગ કરાવવી જોઈએ. વિચારો કે આ બધા પછી રાહુલ ઉપર શું થઈ રહ્યું હશે? તમારે મોટી ટુર્નામેન્ટની પહેલાં પોતાના પ્લેયર્સને પ્રેશર ફ્રી રાખવા જોઈએ. ખાસ કરીને રાહુલ જેવા પ્લેયર્સ, કે જેની પાસે વિરાટ કોહલી અને રોહિત શર્માથી પણ વધુ યોગ્યતા છે. આપણને IPL અને ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ઘણીવાર પુરાવો મળી ગયો છે.'