ટીમ ઈન્ડિયા આ વર્લ્ડ કપમાંથી હવે બહાર થઈ ગઈ છે. ઇંગ્લેન્ડ સામેની સેમિફાઈનલમાં ટીમને 10 વિકેટે શરમજનક પરાજય મળ્યો છે. T20 વર્લ્ડ કપના સેમિફાઈનલના ઈતિહાસમાં કોઈપણ ટીમને અત્યારસુધીમાં 10 વિકેટે હારનો સામનો કરવો પડ્યો નથી. ત્યારે ટીમ ઈન્ડિયા આજે પહેલી ટીમ એવી બની ગઈ છે, જેને T20 વર્લ્ડ કપના સેમિફાઈનલમાં 10 વિકેટે હાર મળી હોય. IPLમાં હંમેશા પરફોર્મ કરનાર પ્લેયર્સ આ મેચમાં પાણીમાં બેસી ગયા હતા. ત્યારે ચાલો જાણીએ કે હારના ક્યા-ક્યા કારણો છે...
રાહુલ પ્રેશરવાળી મેચમાં ફરી ફ્લોપ
ટીમ ઈન્ડિયાના ઓપનર કેએલ રાહુલની પ્રેશરવાળી મેચમાં અને સારી ટીમ સામે પરફોર્મન્સ ખરાબ આપવાનું ચાલુ રહ્યું છે. રાહુલે બાંગ્લાદેશ અને ઝિમ્બાબ્વે સામે અડધી સદી ફટકારી હતી. આ મેચમાં પણ તેણે પહેલા જ બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો, પરંતુ તેનાથી વધારે ફાયદો થયો નહોતો. તે 5 બોલમાં 5 રન બનાવીને ક્રિસ વોક્સની બોલિંગમાં આઉટ થયો હતો.
પાવર-પ્લેમાં ખૂબ જ ધીમી બેટિંગ
આ મેચમાં ઇંગ્લેન્ડે ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે ભારતીય કેપ્ટન રોહિત શર્માએ કહ્યું હતું કે જો તે ટૉસ જીત્યો હોત તો પણ પહેલા બેટિંગ કરી હોત, પરંતુ આ દાવ ટીમ માટે અઘરો થઈ પડ્યો હતો. ટીમ ઈન્ડિયાએ પહેલી જ વિકેટ જલદી ગુમાવ્યા પછી દબાણમાં આવી ગઈ હતી અનેવ પાવરપ્લેમાં માત્ર 38 રન બનાવ્યા હતા. જ્યારે ઇંગ્લેન્ડે પાવરપ્લેમાં 63 રન ફટકારી દીધા હતા.
હાર્દિક સિવાય કોઈ પાવર હિટિંગ કરી શક્યું નથી
ધીમી શરૂઆત પછી ભારતને છેલ્લી ઓવર્સમાં પાવર હિટિંગની જરૂર હતી. હાર્દિક પંડ્યા આમાં ચોક્કસપણે સફળ થયો, પરંતુ આ મામલામાં તે એકમાત્ર સાબિત થયો હતો. તેનું કારણ એ છે કે તેના સિવાય અન્ય કોઈ બેટર પાવરહિટર જ નથી. હાર્દિકે 190ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી હતી, પરંતુ ઓછામાં ઓછા 15 બોલ રમનાર કોઈપણ બેટર 130ના સ્ટ્રાઈક રેટ સાથે પણ બેટિંગ કરી શક્યો ન હતો. કેપ્ટન રોહિત શર્માએ 96 અને વિરાટ કોહલીએ 125ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા. સૂર્યાએ સારી શરૂઆત કરી હતી, પરંતુ તે 10 બોલ રમીને આઉટ થઈ ગયો હતો. રિષભ પંત પણ 4 બોલમાં માત્ર 6 રન જ બનાવી શક્યો હતો.
બોલિંગ સંપૂર્ણપણે ખરાબ રહી
આ વર્લ્ડ કપમાં સેમિફાઈનલ પહેલા ભારતે સારી બોલિંગ કરી હતી. તેનું કારણ એ કે ટીમને સ્વિંગ મળતા હતા. ત્યારે આ મેચમાં સ્વિંગ મળ તા નહોતા અને પરિણામે ભારતીય બોલર્સ બિલકુલ બિનઅસરકારક સાબિત થયા હતા. માત્ર ભુવનેશ્વર અને અર્શદીપ જ નહીં, શમીએ પણ ખરાબ પ્રદર્શન કર્યું હતું. તો અક્ષર પટેલ અને અશ્વિને પણ ખૂબ જ ખરાબ બોલિંગ કરી હતી.
ઇંગ્લેન્ડના ઓપનર્સની તોફાની બેટિંગ
169 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી ઇંગ્લેન્ડે ખૂબ જોરદાર શરૂઆત કરી હતી. ઇંગ્લેન્ડના ઓપનર્સે પાવરપ્લેમાં જ 63 રન બનાવી લીધા હતા. બન્ને ઓપનર્સે 169 રનના ટાર્ગેટને 10+ની રનરેટથી ચેઝ કરી લીધો હતો. ઇંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે 163.27ની સ્ટ્રાઈક રેટથી 49 બોલમાં 80 રન ફટકાર્યા હતા. તો એલેક્સ હેલ્સે 182.98ની સ્ટ્રાઈક રેટથી 47 બોલમાં 86 રન ફટકાર્યા હતા. 169 રનનો ટાર્ગેટ ઇંગ્લેન્ડે વિના વિકેટે ચેઝ કરી લીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.