પાકિસ્તાની પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર અવાર-નવાર લોકોનું ધ્યાન આકર્ષિત કરવાની કોશિશ કરતો રહે છે. તેવામાં રોવલપિંડી એક્સપ્રેસથી પ્રખ્યાત પાકિસ્તાની ફાસ્ટ બોલરે ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો. અખ્તરે સ્પોર્ટ્સ કીડાને આપેલા ઈન્ટરવ્યુમાં એક ઘટનાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે એકવાર સચિન તેંડુલકર મારા દ્વારા ભૂલથી જમીન પર પટકાઈ ગયા હતા, એવામાં જો સચિન ઈજાગ્રસ્ત થયા હોત તો કદાચ ઈન્ડિયન ફેન્સ મને જીવતો સળગાવી દેત.
ઈન્ડિયન ક્રિકેટ ફેન્સ મને જીવતો સળગાવી દેત- શોએબ અખ્તર
2007મા પાકિસ્તાની ટીમ ઈન્ડિયન ટૂર પર આવી હતી. આ દરમિયાન એક અવોર્ડ ફંક્શનમાં સચિન તેંડુલકર, શોએબ અખ્તર, હરભજન સિંહ અને યુવરાજ સિંહ એક સાથે જોવા મળ્યા હતા. શોએબે મજાક-મજાકમાં સચિન તેંડુલકરને તેડવાની કોશિશ કરી હતી. જોકે અખ્તર તેંડુલકરને કેડી શક્યો નહોતો અને તે નીચે પડી જતાં ચકચાર મચી જવા પામી હતી. આ અંગે અખ્તરે ઘટસ્ફોટ કરતાં કહ્યું હતું કે જો ઘટનામાં તેંડુલકર ઈજાગ્રસ્ત થયો હોત તો મને ભય હતો કે ઈન્ડિયન ક્રિકેટ ફેન્સ જીવતો સળગાવી દેત.
પાકિસ્તાન પછી ઈન્ડિયામાં લોકોએ મને પ્રેમ મળ્યો
શોએબે કહ્યું હતું કે સદભાગ્યે સચિનને કંઈ થયું નથી. પાકિસ્તાન પછી મને ભારત તરફથી સૌથી વધુ પ્રેમ મળ્યો છે. જ્યારે પણ હું ભારતની મુલાકાતે આવ્યો છું, હું અહીંથી સારી યાદો સાથે લઇ ગયો છું.
હરભજન અને યુવરાજ પણ ગુસ્સે થયેલા, કહ્યું- શું કરી રહ્યો છે તું
આ ઘટના બની ત્યારે હરભજન અને યુવરાજ પણ શોએબ અખ્તર પર ગુસ્સે થયા હતા. જોકે ત્યારપછી શોએબ ગભરાઈ ગયો અને તાત્કાલિક સચિન પાસે જઈને ભેટી ગયો હતો.
ક્રિકેટના કોરિડોરમાં સચિન અને અખ્તરનો સંબંધ જૂનો
ક્રિકેટના મેદાન પર શોએબ અખ્તર અને સચિન તેંડુલકર વચ્ચે હંમેશાં ઉગ્ર સ્પર્ધા થતી હતી. અખ્તરે 19 વનડે ઇનિંગ્સમાં 5 વાર અને 14 ટેસ્ટ ઇનિંગ્સમાં 3 વાર સચિનને પોતાનો શિકાર બનાવ્યો હતો.
ઈન્ડિયાએ ટેસ્ટ અને વનડે મેચોની સિરીઝ જીતી
ઈન્ડિયાએ આ ટૂરમાં પાકિસ્તાને 3 ટેસ્ટ અને 5 વનડેની સિરીઝ રમી હતી. ઈન્ડિયાએ ટેસ્ટ સિરીઝ 1-0 અને વનડે સિરીઝ 3-2થી જીતી હતી. સચિનના પ્રદર્શનની વાત કરીએ તો તેણે બે ટેસ્ટ મેચમાં 139 રન અને પાંચ વનડેમાં 259 રન બનાવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.