ટીમ ઈન્ડિયાની મુશ્કેલી વધી:ફાસ્ટ બોલર મોહમ્મદ શમી હજુ સુધી ફિટ નથી થયો; સાઉથ આફ્રિકા સામેની સિરીઝમાં રમવું પણ શંકાસ્પદ

9 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઓસ્ટ્રેલિયા સામેની પહેલી મેચ ગુમાવ્યા પછી ટીમ ઈન્ડિયાની મુશ્કેલીમાં વધારો થયો છે. કોરોનાનાં કારણે ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાંથી ટીમ ઈન્ડિયાની બહાર થઈ જનારા ફાસ્ટ બોલર મોહમ્મદ શમી હજુ સુધી ફિટ થયો નથી. તેને તાવના કારણે શરીરમાં દુખાવો છે. જેના લીધે તેનો ગુરુવારે થનારા કોરોના ટેસ્ટ હાલ પુરતો મોકુફ રાખવામાં આવ્યો છે. હવે સોમવારે ટેસ્ટ કરાવવામાં આવશે. જો શમી ફિટ નહિ થાય, તો તેનું સાઉથ આફ્રિકા સામેની T20 સિરીઝમાં પણ રમવું શંકાસ્પદ થઈ જશે.

મોહમ્મદ શમીનો મેચના એક દિવસ પહેલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેના પછી તેની જગ્યાએ ઉમેશ યાદવનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આ મેચમાં ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા સામે 4 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.

ભારતીય ક્રિકેટ બોર્ડના સૂત્રોએ ભાસ્કરને જણાવ્યું છે કે મોહમ્મદ શમીની તબિયત હાલ સુધારા ઉપર છે. પરંતુ હજુ તેને શરીરમાં દુખાવો રહ્યા કરે છે. જેના કારણે તેનો ગુરુવારે થનારા કોરોના ટેસ્ટ ત્રણ દિવસ માટે ટાળી દેવામાં આવ્યો છે.

શમીને ભુવનેશ્વરની જગ્યાએ ટીમમાં સમાવેશ કરવાની માગણી કરવામાં આવી રહી છે

ઓસ્ટ્રેલિયામાં આવતા મહિને યોજાનારા T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં મોહમ્મદ શમીનો સમાવેશ કરવાની માગણી કરવામાં આવી રહી છે. તો અમુક દિગ્ગજોએ તો તેને T20 વર્લ્ડ કપ માટેની ટીમમાં સામેલ ના કરવા ઉપર સવાલો ઉઠાવ્યા છે. જોકે શમીને રિઝર્વ પ્લેયર તરીકે રાખવામાં આવ્યો છે.

વાત એમ છે કે ઓસ્ટ્રેલિયાની પિચ ફાસ્ટ અને સીમ વાળી હોય છે. શમી જે રીતનો ફાસ્ટ બોલર છે, તેને ઓસ્ટ્રેલિયામાં ચોક્કસ મદદ મળવાની સંભાવના હોત. હાલ જે ફાસ્ટ બોલરોનું સિલેક્શન થયું છે, તેમાં બુમરાહને છોડીને એકપણ બોલર નથી, કે જે 140 કિમીની ઝડપે બોલિંગ નાખી શકે. તેવામાં મોહમ્મદ શમીને ટીમમાં લેવાની માગણી કરવામાં આવી હતી.

IPL 2022માં શમીએ શાનદાર પ્રદર્શનનું કર્યું હતું

આ વર્ષની IPL સિઝનમાં મોહમ્મદ શમી ગુજરાત ટાઈટન્સની ટીમનો ભાગ હતો અને તેણે પોતાની શાનદાર બોલિંગથી ટીમને ચેમ્પિયન બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેણે 16 મેચમાં 20 વિકેટ ઝડપી હતી. આ દરમિયાન તેની એવરેજ 24.40ની રહી હતી. તો ઇકોનોમી 8ની રહી હતી.

બુમરાહ પણ હજુ સુધી સંપૂર્ણપણે ફિટ થયો નથી

એશિયા કપથી ઈજાના કારણે ટીમમાંથી બાહર થઈ જનારા ટીમ ઈન્ડિયાના સ્ટાર પેસર જસપ્રીત બુમરાહ પણ હજુ સુધી સંપૂર્ણપણે ફિટ થયો નથી. મોહાલીમાં રમાયેલી ઓસ્ટ્રેલિયા સામેની પહેલી T20 મેચમાં તેને પ્લેઇંગ-11માં લેવામાં આવ્યો નહોતો. જોકે નાગપુરમાં રમાનારી બીજી T20 મેચમાં તેનો પ્લેઇંગ-11માં સમાવેશ કરવામાં આવશે તેવી ધારણા બંધાય રહી છે.