ટીમ ઈન્ડિયાએ રવિવારે તિરુવનંતપુરમમાં રમાયેલી ત્રીજી વન-ડેમાં શ્રીલંકાને 317 રનથી હરાવ્યું. મેચ દરમિયાન ફેન્સે સંજુ સેમસનને યાદ કર્યો. મેચ તેમના હોમ ટાઉન કેરળમાં રમાઈ હતી. સંજુ સેમસન ઘૂંટણની ઈજાના કારણે શ્રીલંકા વિરુદ્ધ T20 સિરીઝ દરમિયાન બહાર થઈ ગયા હતા. આ કારણે વન-ડે સિરીઝમાં ભાગ ન લઈ શક્યો. ફેન્સે બાઉન્ડરીલાઈન પર ફિલ્ડિંગ કરી રહેલા સૂર્યકુમાર યાદવને પૂછ્યું કે 'અમારો સંજુ ક્યાં છે.' સ્ટાર બેટર સૂર્યકુમારના રિએક્શને બધાનું દિલ જીતી લીધું.
સૂર્યકુમારે કહ્યું-સંજુ અમારા દિલમાં છે
સૂર્યકુમાર બાઉન્ડરી રોપ પાસે ઊભો હતો, એ સમયે ફેન્સને તેનું ધ્યાન ખેંચવાની તક મળી. એક ફેન પૂછે છે કે અમારો સંજુ ક્યાં છે? સૂર્યકુમાર યાદવે પોતાના દિલ તરફ ઈશારો કર્યો અને કહ્યું-સંજુ અમારા દિલમાં છે. સૂર્યાની આ પ્રતિક્રિયાએ ફેન્સનાં દિલ જીતી લીધાં અને વીડિયો વાઇરલ થઈ ગયો.
સેમસન શ્રીલંકા સામેની પ્રથમ T20માં ઈજાગ્રસ્ત થયો હતો
સંજુ સેમસન મુંબઈમાં શ્રીલંકા સામેની પ્રથમ T20 મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. ફિલ્ડિંગ કરતી વખતે સેમસનના ડાબા ઘૂંટણમાં ઈજા થઈ હતી. મેચમાં તે 5 બોલમાં 6 રન જ બનાવી શક્યા હતા. મેચ બાદ તે મુંબઈમાં જ રોકાયો હતો. તેના સ્થાને વિદર્ભ અને પંજાબ કિંગ્સના વિકેટકીપર બેટર જીતેશ શર્માને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.
ત્રીજી વન-ડેના હીરો રહ્યા કોહલી, ગિલ અને સિરાજ
ત્રીજી વન-ડે મેચમાં વિરાટ કોહલી, શુબમન ગિલ અને મોહમ્મદ સિરાજ જીતના હીરો રહ્યા હતા. વિરાટે 166* રનની ઈનિંગ રમી 46મી વન-ડે સદી ફટકારી હતી. શુબમન ગિલે 116 રન માર્યા હતા. મોહમ્મદ સિરાજે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. ભારતે 50 ઓવરમાં 5 વિકેટે 390 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. તેના જવાબમાં શ્રીલંકા માત્ર 73 રન જ બનાવી શકી હતી. કોહલી પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ સિરીઝ રહ્યો. સાથે જ ટીમ ઈન્ડિયાની વન-ડે ક્રિકેટ ઈતિહાસમાં સૌથી મોટી જીતનો વર્લ્ડ રેકોર્ડ બન્યો. ભારતે 3 મેચની વન-ડે સિરીઝ 3-0થી જીતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.