પાર્લના બોલેન્ડ પાર્કમાં રમાયેલી પહેલી વનડે મેચમાં વિરાટ કોહલી અને આફ્રિકન કેપ્ટન વચ્ચે ઊગ્ર બોલાચાલી થઈ હતી. ઉલ્લેખનીય છે કે ફિલ્ડિંગ દરમિયાન કોહલીના રોકેટ થ્રોથી બઉમાનું સંતુલન બગડી જતા તેને વિરાટ સામે આંખો કાઢી હતી. બસ પછી તો કિંગ કોહલી ભલે કેપ્ટન ન હોય પરંતુ પહેલાની જેમ તેણે આક્રમક અંદાજમાં બઉમાને ધમકાવી નાખ્યો હતો. આનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. તો ચલો આપણે આ સમગ્ર ઘટનાક્રમ પર નજર ફેરવીએ....
36મી ઓવરમાં વિરાટ VS બઉમા વિવાદ
ઈન્ડિયન ટીમ બઉમા અને વાન ડેર ડૂસેનની પાર્ટનરશિપ તોડવા માટે પોતાનું બેસ્ટ આપી રહી હતી. આ દરમિયાન કેપ્ટન રાહુલે 36મી ઓવર કરવા માટે યુઝવેન્દ્ર ચહલની પસંદગી કરી હતી. આ દરમિયાન આફ્રિકન કેપ્ટન બઉમાએ વિરાટ ફિલ્ડિંગ કરી રહ્યો હતો ત્યાં શોટ માર્યો હતો. જેને કોહલીએ સ્ફુર્તીથી પકડી લીધો અને બઉમા રન લેવા ભાગે એની પહેલા પંત પાસે બોલ થ્રો પણ કરી દીધો હતો.
વિરાટનો થ્રો એટલો ફાસ્ટ હતો કે બઉમાનું બેલેન્સ બગડી ગયું અને તે જમીન પર લગભગ ઢળી જ પડ્યો હતો. એટલું જ નહીં રિષભ પંત પણ આ થ્રો પ્રોપર કેચ કરી શક્યો નહોતો.
બઉમાએ વિરાટ સામે આંખો કાઢી
વિરાટના રોકેટ થ્રોથી માંડ માંડ બચ્યો હોવાથી બઉમાએ કોહલી સામે આંખો કાઢીને વિવાદિત ટિપ્પણી કરી હતી. બસ ત્યારપછી તો શું...કોહલી પણ સાંભળી ગયો કે બઉમા શું બોલ્યો અને તાત્કાલિક તેની સામે ઈશારો કરીને કંઈ બોલતો જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે વિરાટને તેની પાસે આવતો જોઈને તેમ્બા બઉમાની બોડિલેન્ગ્વેજ જોતા સ્પષ્ટપણે લાગ્યું હતું કે તે ગભરાઈ ગયો હતો.
બઉમાએ ટોપિક ચેન્જ કરવાનો પ્રયત્ન કર્યો
વિરાટને તેની સામે આવતો જોઈને બઉમાએ તાત્કાલિક નોનસ્ટ્રાઈકર ડૂસેન સાથે ઈશારાથી ચર્ચા કરવાનું શરૂ કરી દીધું હતું. તેમ છતાં વિરાટ તો શાંત નહોતો રહ્યો અને તેને ઈશારો કરીને જાણે કહેતો હોય એમ લાગ્યું કે હું એક ફિલ્ડર છું મારા થ્રોથી તને મુશ્કેલી થઈ એમાં હું શું કરું? મારો શું વાંક છે આમાં!
બઉમા-ડુસેનની શાનદાર સદી
પહેલી 3 વિકેટ મળ્યા પછી ઈન્ડિયન બોલર્સ બેક ટુ બેક વિકેટ લેવામાં સફળ થયા નહોતા. જેનો ફાયદો ઉઠાવીને દ.આફ્રિકન કેપ્ટન તેમ્બા બઉમા અને વાન દેર ડૂસેને સદી ફટકારી હતી. આ દરમિયાન બંને વચ્ચે 204 રનની પાર્ટનરશિપ થઈ હતી.
બુમરાહે કેપ્ટન બઉમાને આઉટ કરી ટીમને ડેથ ઓવર્સમાં ચોથી સફળતા અપાવી હતી. પરંતુ આ વિકેટ ઘણી મોડી આવતા આફ્રિકન બેટરે ભારત સામે જીતવા માટે 297 રનનો ટાર્ગેટ સેટ કરી દીધો હતો.
વિરાટ કોહલી સ્વીપ રમવાના ચક્કરમાં આઉટ
ફિફ્ટી ફટકાર્યા પછી વિરાટ કોહલી આક્રમક બેટિંગ કરવા જતા આઉટ થયો હતો. ઉલ્લેખનીય છે કે 29મી ઓવરમાં કોહલી લેગ સ્ટમ્પ ફુલર બોલ પર સ્વીપ મારવા જતા કેચ આઉટ થયો હતો. તેવામાં જોવાજેવી ઘટના એ રહી કે કોહલીનો કેચ પણ બઉમાએ પકડ્યો હતો. કોહલી 51 રન કરી પેવેલિયન ભેગો થયો હતો.
કોહલીએ ગાંગુલી, દ્રવિડ અને તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો
વિરાટ કોહલી આ ઈનિંગમાં 27 રન કરતાની સાથે જ રાહુલ દ્રવિડ (1309 રન) અને સૌરવ ગાંગુલી (1313)ને ઓવરટેક કરી ઈન્ડિયા V/S દ.આફ્રિકા વનડે મેચમાં સૌથી વધુ રન કરનારો પાંચમો ખેલાડી બની ગયો છે.
પાર્લમાં ભારતની 25 વર્ષમાં પહેલી હાર..વિગતવાર માહિતી માટે અહીં ક્લિક કરો
દ.આફ્રિકાએ પાર્લમાં રમાયેલી પહેલી વનડે મેચ 31 રનથી જીતી લીધી છે. ઉલ્લેખનીય છે કે તેમ્બા બઉમાએ ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેનો ફાયદો ઉઠાવી ટીમે 50 ઓવરમાં 4 વિકેટના નુકસાને 296 રનનો સ્કોર કર્યો હતો. જેના જવામાં ઈન્ડિયન ટીમની શરૂઆત સારી રહી હતી પરંતુ મિડલ ઓવર્સમાં 99 રન કરવામાં 6 વિકેટ ગુમાવી દેતા ઈન્ડિયન ટીમ મેચમાં પાછળ ફેંકાઈ ગઈ હતી. જોકે શાર્દૂલે વનડેમાં મેડન ફિફ્ટી ફટકારી ટીમને ઓલઆઉટ થતા બચાવી લીધી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.