સાઉથ આફ્રિકાની ટીમ શનિવારે 3 મેચની વનડે સિરિઝની બીજી મેચમાં ઇંગ્લેન્ડના બોલરો સામે પત્તાના ઢગલાની માફક ખરી પડી હતી. સાઉથ આફ્રિકાની ટીમ ઇંગ્લેન્ડના 201 રનના જવાબ સામે 83 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. વર્લ્ડ ચેંપિયને સાઉથ આફ્રિકાને વનડે ક્રિકેટમાં બીજી વખત 83ના સ્કોર પર ઓલઆઉટ કર્યા છે. આ અગાઉ તેઓએ 2008માં નોટીંઘમમાં આ કારનામું કર્યુ હતુ. ત્યારે ગ્રિમ સ્મિથ સાઉથ આફ્રિકાની ટીમનો કેપ્ટન હતો.
ટીમની ખરાબ બેટિંગનો અંદાજો ત્યારે જ આવી જાય જ્યારે તેના ટૉપ-4 બેટ્સમેનો માત્ર 5 રન જ બનાવી શક્યા હોય! આમાંથી 3 તો ફાસ્ટ બોલર ડેવિડ વિલી અને ટૉપ્લીનો શિકાર થયા હતા. અને બાકીનું કામ સ્પિનર્સે પૂરૂ કરી નાખ્યુ હતુ. આદિલ રાશિદે 3 વિકેટ જ્યારે મોઈન અલીએ 2 વિકેટ ઝડપી હતી. ટૉપ્લીને પણ 2 વિકેટ મળી હતી.
બોલરોના આ શાનદાર પ્રદર્શનનાં કારણે ઇંગ્લેન્ડે 118 રનથી મેચ જીતી લીધી હતી. તેઓએ વનડે ક્રિકેટમાં ત્રીજી વખત સાઉથ આફ્રિકાને 100થી વધુ રનથી હાર આપી હતી. આ જીતથી યજમાન ટીમે સિરિઝને 1-1ની બરાબરી પર લાવી દીધુ છે.
પ્રથમ મેચમાં સાઉથ આફ્રિકાએ ચેસ્ટર લી સ્ટ્રીટમાં 62 રનથી જીત મેળવી હતી. સિરિઝનો નિર્ણાયક મેચ 24 જુલાઈએ લિડ્ઝ ખાતે રમાશે.
સાઉથ આફ્રિકાએ 6 રન પર 4 વિકેટ ગુમાવી દીધી
202 રનના સામાન્ય લક્ષ્યનો પીછો કરતા સાઉથ આફ્રિકાએ ખૂબ જ ખરાબ શરૂઆત કરી હતી. તેના ટૉપ-3 બેટ્સમેનો રીસ ટૉપ્લી અને ડેવિડ વિલીની ધારદાર બોલિંગ સામે આઉટ થઈ ગયા હતા. આમાંથી ક્વિંટન ડિકૉક (5) જ ખાતુ ખોલાવી શક્યો હતો. મલાન, રાસી વાન ડર ડુસેં અને એડન માર્કરમ પોતાનું ખાતુ પણ ખોલાવી શક્યા નહોતા.
તેવામાં હેનરિક ક્લાસેન અને ડેવિડ મિલરે મોર્ચો સંભાળ્યો હતો અને ટીમને ગેમમાં લાવવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે મિલર ટીમના 27 રનના સ્કોર પર આઉટ થયો હતો. તેને સેમ કરને આઉટ કર્યો હતો. થોડી વાર પછી ક્લાસેન પણ 33 રનના સ્કોર પર આઉટ થયો હતો.
મોઈન અને રાશિદની ફિરકીમાં ફસાયા આફ્રિકન બેટ્સમેનો
અંતમાં એક વખત ફરી વિકેટો પડવા લાગી હતી. રાશિદ અને મોઈન અલીએ મળીને નિચલા ક્રમના બેટ્સમેનોને પેવેલિયન મોકલ્યા હતા. સાઉથ આફ્રિકા તરફથી સૌથી વધુ રન ક્લાસેને (33) બનાવ્યા હતા. સેમ કરન મેન ઑફ ધ મેચ બન્યો હતો. તેણે 35 રન બનાવ્યા હતા અને 1 વિકેટ પણ લીધી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.