તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • England Scored 62% More Runs Than India In The First 35 Overs, Not Having A Sixth Bowler Option But Costly

ટીમ ઇન્ડિયાની હારનું એનાલિસિસ:ઇંગ્લેન્ડે પ્રથમ 35 ઓવરમાં ભારતથી 62% વધુ રન બનાવ્યા, છઠ્ઠા બોલરનો વિકલ્પ ન હોવો પણ મોંઘો પડ્યો

પુણે3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઇંગ્લેન્ડે બીજી વનડેમાં ટીમ ઇન્ડિયાને 6 વિકેટે હરાવીને ત્રણ મેચની શ્રેણી 1-1થી બરાબર કરી લીધી છે. જોની બેરસ્ટો અને બેન સ્ટોક્સની પાવર હિટિંગ આગળ ભારતનો 336 રનનો સ્કોર પણ સાધારણ લાગ્યો હતો. ભારતની હાર પાછળ બેટ્સમેનોની ધીમી બેટિંગ, સ્પિનર્સની નિષ્ફ્ળતા, છઠ્ઠા બોલરનો વિકલ્પ ન હોવો સહિત 6 મહત્ત્વના ફેક્ટર હતા.

6. સાચા ટાર્ગેટનું અનુમાન ન લગાવી શકી ટીમ ઇન્ડિયા
વનડે ક્રિકેટમાં સામાન્યપણે 325થી ઉપરના ટોટલને વિનિંગ ટોટલ માનવામાં આવે છે. જોકે, આ વાત વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન ઇંગ્લેન્ડની ટીમ પણ લાગુ પડતી નથી. ઇંગ્લેન્ડની ટીમ ભલે પ્રથમ વનડેમાં ચોક કરી ગઈ હોય, પરંતુ એ ન ભૂલવું જોઈએ કે એક સમયે તેમનો સ્કોર 14 ઓવરમાં 135 રન હતો. તેઓ અત્યારે 300+ નો ટાર્ગેટ ચેઝ કરવામાં દુનિયાની સૌથી સફળ ટીમ છે.

5. અંતિમ ઓવર્સમાં હિટિંગ કરવાનો પ્લાન
ભારતે સતત બીજી મેચમાં શરૂઆતની 30-35 ઓવરમાં સંભાળીને બેટિંગ કરવા અને વિકેટ બચાવવા પર ધ્યાન રાખ્યું. 35 ઓવરમાં ભારતનો સ્કોર 173/3 હતો. આ જ કારણથી અંતિમ 15 ઓવરમાં 163 રન ફટકારવા છતાં ભારત 336 રન જ બનાવી શક્યું. બીજીતરફ, ઇંગ્લેન્ડે પ્રથમ 35 ઓવરમાં 281 બનાવી લીધા હતા. ભારતની તુલનામાં 62% વધારે. ઇંગ્લિશ ટીમ શરૂઆતથી પાવર હિટિંગ કરે છે, તેથી તેમને મોટો સ્કોર ચેઝ કરવામાં તકલીફ પડતી નથી.

4. બંને સ્પિનર્સ નિષ્ફ્ળ રહ્યા
ભારતીય ટીમ પ્રથમ વનડેની જેમ આ મેચમાં પણ કુલદીપ યાદવ અને કૃણાલ પંડ્યા સાથે ઊતરી હતી. પરંતુ બંને નિષ્ફ્ળ રહ્યા હતા. કુલદીપે 10 ઓવરમાં 84 રન આપ્યા હતા, જ્યારે કૃણાલે 6 ઓવરમાં 72 રન આપ્યા હતા. બંનેમાંથી કોઈને વિકેટ મળી નહોતી. બંને સ્પિનર્સનું સાથે નિષ્ફ્ળ થવું ભારતને ભારે પડ્યું.

3. છઠ્ઠા બોલરનો વિકલ્પ નહોતો
ભારતીય ટીમમાં હાર્દિક પંડ્યા સામેલ હતો, પરંતુ તેણે બોલિંગ કરી નહીં. પછી કપ્તાન વિરાટ કોહલીએ કહ્યું કે, ટીમ મેનેજમેન્ટ પંડ્યાને ભવિષ્ય માટે ફિટ રાખવા માગે છે. તેથી તેનો વર્ક લોડ મેનેજ કરવામાં આવી રહ્યો છે. આમ ભારત પાસે છઠ્ઠા બોલરનો વિકલ્પ નહોતો અને જે બોલર્સ ધોવાઈ રહ્યા હતા તેમની પાસે જ બોલિંગ કરાવી પડી હતી.

2. વિરાટની નબળી કપ્તાની
ઇંગ્લેન્ડની ઇનિંગ્સની 36મી ઓવરમાં ભુવનેશ્વર કુમારે બેન સ્ટોક્સને આઉટ કર્યો. જ્યારે 37મી ઓવરમાં પ્રસિદ્વ કૃષ્ણએ જોની બેરસ્ટો અને જોસ બટલરને આઉટ કર્યા. તે સમયે ઇંગ્લેન્ડને વધુ 50 રનની જરૂર હતી અને એક-બે વિકેટ પડે તો બાજી ફરી શકે એમ હતી. જોકે, વિરાટે બંને બોલર્સને કાઢીને કુલદીપ -કૃણાલને ઓવર આપી. બંનેમાં ફરી રન આવ્યા અને ભારતની જીતવાની અંતિમ આશા પણ સમાપ્ત થઈ ગઈ.

1. બેરસ્ટો અને સ્ટોક્સની શાનદાર બેટિંગ
જોની બેરસ્ટોએ 112 બોલમાં 124 રન બનાવ્યા. જ્યારે બેન સ્ટોક્સે 52 બોલમાં 99 રન ફટકાર્યા. બંનેએ મળીને કુલ 17 સિક્સ ફટકારી. ભારતીય પિચો પર વિદેશી બેટ્સમેનની આવી પાવર હિટિંગ બેટિંગ ઓછી જોવા મળે છે. આ બંને બેટ્સમેને બતાવું કે ઇંગ્લેન્ડ વર્લ્ડ ચેમ્પિયન ટીમ કેમ છે. તેમની આક્રમક બેટિંગનો ભારતીય ટીમ પાસે કોઈ જવાબ નહોતો.