ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ભારતની શરમજનક હાર:પાંચમી ટેસ્ટમાં 7 વિકેટથી અંગ્રેજોએ માત આપી, 350+નો ટાર્ગેટ આપીને પહેલી વખત ટીમ ઈન્ડિયા મેચ હારી

એક મહિનો પહેલા

ભારતનું ઈંગ્લેન્ડમાં 15 વર્ષ પછી ટેસ્ટ સીરીઝ જીતવાનું સપનું તૂટી ગયું છે. ઈંગ્લેન્ડે બર્મિગહામ ટેસ્ટમાં ઈન્ડિયાને 7 વિકેટથી હરાવ્યું છે. શાનદાર ફોર્મને કારણે જો રૂટ (142) અને જોની બેયરસ્ટો (114) વચ્ચે ચોથી વિકેટ માટે 269 રનની પાર્ટનરશિપના કારણે ઈંગ્લેન્ડે 378 રનના ટાર્ગેટને ત્રણ વિકેટ ગુમાવીને મેળવી લીધો. આ સાથે જ પાંચ ટેસ્ટની સીરીઝ 2-2થી બરોબરી પણ પૂરી થઈ.

આ પહેલી વખત છે જ્યારે ભારતે વિરોધી ટીમને 350 રનથી વધુનો ટાર્ગેટ આપ્યો હોય તેમ છતાં મેચ ગુમાવી દીધી હોય.

જો રુટે પાંચમા દિવસે પોતાની ટેસ્ટ કરિયરની 28મી સેન્ચુરી ફટકારી, 2021 પછી ઈંગ્લેન્ડના આ બેટ્સમેનના બેટમાંથી 47 ઈનિંગમાં 11 સેન્ચુરી મારી છે. ભારત વિરૂદ્ધ રુટની 9મી સેન્ચુરી હતી. ભારતીય ટીમ બીજી ઈનિંગમાં 245 રને ઓલઆઉટ થઈ ગઈ અને ઈંગ્લેન્ડને 378 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

એવું લાગતું હતું કે લક્ષ્યાંક મોટો છે, પરંતુ ભારતીય બોલર્સને પહેલા ઈંગ્લેન્ડના ઓપનર બેટ્સમેનોએ ધોઈ નાખ્યા. એલેક્સ લીસ અને જેક ક્રોલીએ પહેલી વિકેટ માટે 107 રન કર્યા, જો કે તે બાદ 2 રનની અંદર 3 બેટ્સમેન પેવેલિયન પરત ફર્યા ત્યારે એવું લાગતું હતું કે ભારતે મેચમાં વાપસી કરી છે. પરંતુ એવું ન થયું. જોની બેયરસ્ટો અને જો રુટે આખી મેચ જ બદલી નાખી.

છેલ્લા દિવસે ઈંગ્લેન્ડને જીત માટે 119 રન જોઈતા હતા અને તેની પાસે સાત વિકેટ હતી. આ પહેલાં ઓસ્ટ્રેલિયાએ 1977માં ટીમ ઈન્ડિયા સામે 339 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો.

ભારતની બીજી ઈનિંગ
બીજી ઈનિંગમાં ભારતની પ્રથમ વિકેટ 4 રને પડી હતી. ગિલ 4 રન બનાવી આઉટ થયો હતો. પૂજારાએ સૌથી વધારે 66 રન અને પંતે 57 રન બનાવ્યા હતા. શાર્દૂલ ઠાકુર માત્ર 4 રન પર આઉટ થયો હતો. ભારત 245 રન પર ઓલ આઉટ થયું હતું. ઈંગ્લેન્ડ વતી બીજી ઈનિંગમાં બેન સ્ટોક્સે સૌથી વધારે 4 વિકેટ લીધી હતી. જ્યારે સ્ટુઅર્ટ બ્રોડ અને મેથ્યુ પોટ્સે 2-2 તેમજ એન્ડરસન અને જેક્સ લીચે 1-1 વિકેટ લીધી હતી. એન્ડરસને પ્રથમ ઈનિંગમાં 5 વિકેટ લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...