• Gujarati News
  • Sports
  • Cricket
  • Ipl
  • During The Match Against Punjab, Dhoni Hinted, "I Will Be Seen In A Yellow Jersey; But I Don't Know What Role I Will Play

ધોની CSKનો પણ મેન્ટોર બનશે?:પંજાબ સામેની મેચ દરમિયાન ધોનીએ સંકેત આપ્યો, કહ્યું- યલો જર્સીમાં તો જોવા મળીશ; પરંતુ કયો રોલ ભજવીશ એ નથી ખબર

18 દિવસ પહેલા

IPL 2021માં હવે ગણતરીની મેચ બાકી રહી છે, ત્યારે છેલ્લા કેટલાક દિવસથી મહેન્દ્ર સિંહ ધોનીની નિવૃત્તિ અંગે ઘણા સવાલો તેમને પૂછવામાં આવી રહ્યા છે. આ અંગે તેણે 1-2 દિવસ પહેલા પણ વિવિધ ઘટસ્ફોટ કર્યા હતા. તેવામાં આજે ગુરુવારે પંજાબ અને ચેન્નઈ વચ્ચેની મેચમાં ટોસ દરમિયાન મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાની IPL કારકિર્દી અંગે માહિતી આપી હતી. તેના નિવેદન પછી ઇરફાન પઠાણ પણ પ્રિમેચ શોમાં ભાવુક થઈ ગયો હતો અને ઇમોશનલ મેસેજ આપ્યો હતો.

ટોસ દરમિયાન ધોનીનો ઘટસ્ફોટ
ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર ડેની મોરિસને ટોસ હાર્યા પછી મહેન્દ્ર સિંહ ધોનીને પુછ્યું હતું કે તમે ટોસ હારી ગયા છો એની મને ચિંતા નથી પરંતુ તમારી ફિટનેસ કેવી છે એ મુદ્દે મને ચિંતા છે. જેનો જવાબ આપતા ધોનીએ કહ્યું હતું કે આમ જોવા જઈએ તો ફિટનેસ મેનેજ કરવી ઘણી મુશ્કેલ છે. IPLમાં 2 ફેઝ થયા અને બેક ટુ બેક મેચ રમવાની આવે છે તેના કારણે વધારે ધ્યાન રાખવું પડે છે.

ડેની મોરિસન: અત્યારે એક ટ્રેન્ડિંગ પ્રશ્ન ચાલી રહ્યો છે કે શું મહેન્દ્ર સિંહ ધોની આવતા વર્ષે પણ યલો જર્સી પહેરીને મેદાનમાં ઉતરશે?
ધોનીઃ હવે આગામી સિઝનમાં નવી પોલિસી તથા 2 ટીમ આવવાની છે. તેવામાં કેટલા ખેલાડીને ટીમ રિટેન કરી શકશે એ અંગે હજુ સ્પષ્ટ સત્તાવાર માહિતી મળી શકી નથી. હું નવા નિયમોની પ્રતિક્ષા કરીશ. જોકે હું યલો જર્સીમાં તો જોવા મળીશ પરંતુ કયો રોલ મારી પાસે હશે એ અંગે અત્યારે હજુ કંઈ નક્કી નથી.

પ્રિમેચ શોમાં ઇરફાન પઠાણે ભાવુક સંદેશો આપ્યો
ટોસ દરમિયાન ધોનીના નિવેદન પછી ઈરફાન પઠાણે ભાવુક સંદેશો આપ્યો હતો. તેણે કહ્યું હતું કે 2 વર્ષથી મહેન્દ્ર સિંહ ધોની પહેલા જેવા વિસ્ફોટક ફોર્મમાં જોવા મળ્યા નથી. પરંતુ કોઇપણ ક્રિકેટરના જીવનમાં એવો એક સમય તો આવે જ છે, જ્યારે તેણે ક્રિકેટ રમવાનું છોડવું જ પડે છે. આ તેમના માટે પણ એક ભાવુક નિર્ણય રહેશે. ધોની એક દિગ્ગજ ક્રિકેટર છે અને ઈન્ડિયન ટીમને પણ વર્લ્ડ કપમાં તેમના મેન્ટોર હોવાથી ઘણો ફાયદો થશે.

ઈરફાને વધુમાં કહ્યું હતું કે મારી પણ એક ઇચ્છા છે કે ધોની ચેન્નઈમાં જ ફેન્સ સામે ફેરવેલ મેચ રમી શકે. પરંતુ ક્યારેક તો ક્રિકેટરે દિલ પર પથ્થર રાખી ગ્રાઉન્ડને છોડવું જ પડે છે. તેવામાં પ્રિમેચ શોમાં પણ નિષ્ણાંતોએ અનુમાન લગાવ્યું હતું કે મહેન્દ્ર સિંહ ધોની હવે CSKના મેન્ટોર તરીકે કામ કરી શકે છે. જોકે આ અંગે હજુ સુધી કોઇ સત્તાવાર માહિતી બહાર આવી નથી.

આ મેચમાં PBKSના રવિએ ધોનીને આઉટ કર્યો
ઈનિંગની 12મી ઓવરમાં રવિ બિશ્નોઇએ છેલ્લા બોલ પર ફુલ લેન્થ ગુગલીમાં ધોનીને ફસાવ્યો હતો. ધોની આ મેચમાં પણ હાઇસ્કોર કરી શક્યો નહોતો, તેણે 15 બોલમાં 12 રન કર્યા હતા.

IPLમાં નિવૃત્તિ બાબતે ધોનીનું મોટું નિવેદન આપ્યું હતું (આ ચર્ચા ધોનીએ 2-3 દિવસ પહેલા કરી હતી)
છેલ્લા કેટલાક દિવસો પહેલા ચેન્નઈ સુપર કિંગ્સ(CSK)ના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ સ્પષ્ટ કરી દીધું છે કે તે ફરી ઓછામાં ઓછી એક સિઝનમાં પોતાની પ્રિય પીળી જર્સી પહેરશે અને CSKના ફેન્સ સામે ચેન્નઈના મેદાનમાં મેચ રમશે. ધોનીની નિવૃત્તિ અંગે છેલ્લા ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી. પરંતુ ધોનીએ 5 ઓક્ટોબર મંગળવારે સ્પષ્ટ સંકેત આપી દીધા હતા કે તે આગામી સિઝનમાં રમશે. પરંતુ આજે તેણે જે વાત જણાવી હતી તેના કારણે ફેન્સ પણ મુંઝવણમાં મુકાયા હતા.

આશા છે કે છેલ્લી મેચ ચેન્નઈમાં રમીશ
ધોનીએ ફેન્સ સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે જ્યાં સુધી નિવૃત્તિની વાત છે તો તમે મને CSK તરફથી રમતો જોઈ શકશો અને તે મારી છેલ્લી મેચ પણ હોઈ શકે છે. તમને મને વિદાય આપવાનો અવસર મળશે. આશા છે કે અમે ચેન્નઈમાં રમીશું અને ત્યાં ફેન્સને મળી શકાશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે CSK આવનારી નીલામીમાં ત્રણ ખેલાડીઓ કેપ્ટન ધોની, ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને ઋતુરાજ ગાયકવાડને ટીમમાં રિટેન કરી શકે છે.

મહેન્દ્ર સિંહ ધોની અને બોલિવૂડના અભિનેતા સુશાંત સિંહ રાજપુતની ફાઇલ તસવીર
મહેન્દ્ર સિંહ ધોની અને બોલિવૂડના અભિનેતા સુશાંત સિંહ રાજપુતની ફાઇલ તસવીર

બોલિવુડમાં જવાનું કોઈ મન નથી
ધોનીએ કહ્યું હતું કે નિવૃત્તિ બાદ બોલિવુડમાં જવાનું મારું કોઈ મન નથી. એક ફેનના સવાલના જવાબમાં ધોનીએ કહ્યું કે તેમે જાણો જ છો કે બોલિવુડ વાસ્તવમાં સરળ નથી. જ્યાં સુધી જાહેરાતો કરવાની વાત છે તો તે કરવામાં હું ખુશ છું. ફિલ્મોની વાત આવે છે તો મને લાગે છે કે તે એક અઘરી બાબત છે અને એક્ટિંગ કરવી મુશ્કેલ છે.

અન્ય સમાચારો પણ છે...