લક્ષ્મણ હેડ કોચ બને તેવી સંભાવના:દ્રવિડ ટેસ્ટ ટીમ સાથે ઈંગ્લેન્ડ જશે, હોમ સિરીઝમાં VVS આફ્રિકા વિરુદ્ધ કોચપદ સંભાળશે

એક મહિનો પહેલા

મિસ્ટર વેરી વેરી સ્પેશિયલ તરીકે ઓળખાતા VVS લક્ષ્મણ ઈન્ડિયન ક્રિકેટ ટીમના હેડ કોચ બની શકે છે. ટીમ ઈન્ડિયાના ચીફ કોચ રાહુલ દ્રવિડ ટેસ્ટ ટીમ સાથે ઈંગ્લેન્ડ જવાના છે અને તે જ સમયે સાઉથ આફ્રિકાની ટીમ ટી-20 સિરીઝ રમવા ભારત આવી રહી છે. તેવામાં લક્ષ્મણ સાઉથ આફ્રિકા અને આયરલેન્ડ વિરુદ્ધ યૂથ બ્રિગેડને તૈયાર કરશે.

ટીમ ઈન્ડિયાને આવનારા બે મહિનામાં બે મહત્વની સિરીઝ રમવાની છે. એક ઈંગ્લેન્ડમાં ટેસ્ટ અને બીજી પોતાના જ દેશમાં ટી-20 ઈન્ટરનેશનલની. આ બંને સિરીઝ માટે બે અલગ-અલગ ટીમોની જાહેરાત થવાની છે. તેવામાં તેમની સાથે અલગ-અલગ કોચિંગ સ્ટાફ પણ હાજર રહેશે.

ઈનસાઈડ સ્પોર્ટ પ્રમાણે, BCCIના એક અધિકારીએ કહ્યું છે કે બર્મિધમ ટેસ્ટ પહેલા અમે 24 જૂનથી લેસ્ટરશાયર વિરુદ્ધ વોર્મઅપ મેચ પણ રમીશું. રાહુલ દ્રવિડ ટીમ સાથે 15-16 જૂને રવાના થશે. તેવામાં અમે લક્ષ્મણ પાસેથી આફ્રિકા અને આયરલેન્ડ વિરુદ્ધ ટીમ કોચ કરવાનું કહીશું.

આ સપ્તાહે થઈ શકે છે ટીમની જાહેરાત
સિલેક્ટર્સ એક સપ્તાહમાં ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી શકે છે. ટેસ્ટ ટીમમાં રેગ્યુલર ખેલાડીઓ સિલેક્ટ કરાશે, જ્યારે ટી-20 ટીમમાં IPLમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા યુવા પ્લેયર્સને તક મળી શકે છે.

સીનિયર ખેલાડીઓને સાડા ત્રણ સપ્તાહનો આરામ મળી શકે છે
BCCI એ સંકેત પહેલા પણ આપી ચૂક્યુ છે કે દ.આફ્રિકા ટી-20 સિરીઝ માટે શિખર ધવન કે હાર્દિક પંડ્યાને કેપ્ટનશિપની જવાબદારી સોંપવામાં આવી શકે છે. સૂત્રોએ કહ્યું- સીનિયર ખેલાડીઓને ઓછામાં ઓછા સાડા ત્રણ સપ્તાહનો આરામ મળી શકે છે. રોહિત, કોહલી, રાહુલ, પંત અને બુમરાહ IPL બાદ સીધા ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાંચમી ટેસ્ટ મેચ રમવા જશે. અમે ઈચ્છીએ છીએ કે અમારા દરેક ખેલાડીઓ ઈંગ્લેન્ડ સિરીઝ માટે ફ્રેશ રહે.

9 જૂનથી શરુ થશે T-20 સિરીઝ
સાઉથ આફ્રિકા વિરુદ્ધ પાંચ મેચોની ટી-20 સિરીઝ 9 જૂનથી શરુ થવા જઈ રહી છે. તેની મેચો દિલ્હી, કટક, વાઈઝેગ, રાજકોટ અને બેંગ્લોરમાં રમાશે. સિરીઝ 19 જૂન સુધી ચાલશે. ત્યાર બાદ યૂથ બ્રિગેડ આયરલેન્ડ સામે 26 અને 28મીએ બે ટી-20 મેચ રમશે. પછી ઈન્ડિયન ટેસ્ટ ટીમ 1-5 જૂલાઈએ ગયા વર્ષે ઈંગ્લેન્ડ પ્રવાસની બચેલી એક ટેસ્ટ મેચ રમશે.

અન્ય સમાચારો પણ છે...