• Gujarati News
  • Sports
  • Cricket
  • Domestic Season Begins With Syed Mushtaq Ali Trophy, Rituraj Gaekwad Venkatesh Iyer Shine In Opening Matches

ક્રિકેટ:સૈયદ મુશ્તાક અલી ટ્રોફી સાથે ડોમેસ્ટિક સિઝનનો પ્રારંભ થયો, પ્રારંભિક મેચોમાં ઋુતુરાજ ગાયકવાડ-વેંકટેશ અય્યર ઝળક્યા

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ઋુતુરાજ ગાયકવાડ - Divya Bhaskar
ઋુતુરાજ ગાયકવાડ
  • મધ્ય પ્રદેશે પોતાની પ્રથમ મેચમાં આસામ સામે 6 વિકેટે જીત મેળવી કરી શરૂઆત, હૈદરાબાદ સામે સૌરાષ્ટ્રનો 2 વિકેટે પરાજય
  • હૈદરાબાદે તન્મયના 55 રનની ઈનિંગ્સની મદદથી 8 વિકેટે 177 રન કરી જીત મેળવી

સૈયદ મુશ્તાક અલી ટી-20 ટૂર્નામેન્ટ સાથે જ ભારતીય ક્રિકેટની ડોમેસ્ટિક સિઝનનો પ્રારંભ થયો છે. આ દરમિયાન આઈપીએલના યુવા સ્ટાર્સે પોત-પોતાની ટીમો તરફથી રમતા શાનદાર પ્રદર્શન કર્યું હતું. આઈપીએલ-14માં ઓરેન્જ કેપ મેળવનાર ઋુતુરાજ ગાયકવાડે 30 બોલમાં 51 રનની શાનદાર ઈનિંગ્સ રમી હતી. જોકે તેમછતાં મહારાષ્ટ્રની ટીમે તામિલનાડુ સામે 12 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

તામિલનાડુએ મહારાષ્ટ્ર સામે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટના ભોગે 167 રન કર્યા હતા. જ્યારે રનચેઝ કરતા મહારાષ્ટ્રની ટીમ 20 ઓવરમાં 6 વિકેટમા ભોગે માત્ર 155 રન જ કરી શકી હતી. મહારાષ્ટ્ર વતી ઋુતુરાજ સિવાય એકપણ ખેલાડી 30 રનનો આંક પાર કરી શક્યો નહોતો.

બીજી તરફ અન્ય એક મેચમાં સૌરાષ્ટ્રની ટીમને હૈદરાબાદ સામે 2 વિકેટથી પરાજયનો સામનો કરવો પડ્યો. સૌરાષ્ટ્રએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટના ભોગે 173 રન કર્યા હતા. સૌરાષ્ટ્ર તરફથી રમતા પ્રેરક માંકડે 46 બોલમાં 71 રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે જયદેવ ઉનડકટે 32 બોલમાં 58 રનની આક્રમક ઈનિંગ્સ રમી હતી. હૈદરાબાદ તરફથી મોહમ્મદ સિરાજ અને સી.વી.મિલિન્દે 3-3 વિકેટ ઝડપી હતી.

જ્યારે રનચેઝ કરતા હૈદરાબાદે તન્મય અગ્રવાલના 55 રનની ઈનિંગ્સની મદદથી 8 વિકેટના ભોગે 177 રન કરી જીત મેળવી હતી. સૌરાષ્ટ્ર તરફથી જયદેવ ઉનડકટે 2 અને ચેતન સાકરિયાએ 3 વિકેટ ઝડપી હતી. અન્ય એક મેચમાં રાજસ્થાને ઝારખંડની ટીમને 6 વિકેટે માત આપી હતી. ઝારખંડે 5 વિકેટે 146 રન કર્યા હતા. જ્યારે રાજસ્થાને 20 ઓવરમાં 4 વિકેટના ભોગે 147 રન કરી જીત મેળવી હતી.

વેંકટેશ અય્યરનું ઓલરાઉન્ડ પ્રદર્શન, આવેશ ખાને 3 વિકેટ ઝડપી
આઈપીએલ ફેઝ-2માં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમતા વેંકટેશ અય્યરે બેટ અને બોલ વડે શાનદાર પ્રદર્શન કર્યું હતું. વેંકટેશ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મધ્ય પ્રદેશની ટીમ તરફથી રમી રહ્યો છે. મધ્ય પ્રદેશ સામે પ્રથમ બેટિંગ કરતા આસામની ટીમ 20 ઓવરમાં માત્ર 103 રન કરી શકી હતી. જેમાં આવેશ ખાને 18 રનમાં 3 વિકેટ ઝડપી હતી. જ્યારે વેંકટેશ અય્યરે પણ 1 વિકેટ ઝડપી હતી. રનચેઝ કરતા મધ્ય પ્રદેશની ટીમે 14 ઓવરમાં જ 4 વિકેટના ભોગે લક્ષ્યાંક મેળવી લીધું હતું. આ સમયે વેંકટેશ અય્યરે 23 બોલમાં 37 રનની ઈનિંગ્સ રમી હતી. આસામ તરફથી રોશન આલમે 20 રનમાં 3 વિકેટ ઝડપી હતી.

વિદર્ભની ટીમના દર્શન નલકંડેએ 9 રનમાં 5 વિકેટ ઝડપી
સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની પ્રથમ મેચમાં વિદર્ભની ટીમે અરુણાચલ પ્રદેશ વિરુદ્ધ 94 રનથી જીત મેળવી હતી. વિદર્ભે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટના ભોગે 163 રન કર્યા હતા. વિદર્ભ તરફથી એસકે વથે 36, વાડકરે 37 અને એવી વાનખેડે અણનમ 39 રનની ઈનિંગ્સ રમી હતી. અરુણાચલ તરફથી આર.બિશ્નોઈ જુનિયરે 3 વિકેટ ઝડપી હતી. જ્યારે રનચેઝ કરતા અરુણાચલ પ્રદેશની ટીમ 20 ઓવરમાં 9 વિકેટના ભોગે માત્ર 69 રન કરી શકી હતી. વિદર્ભના ઝડપી બોલર દર્શન નાલકંડેએ 4 ઓવરમાં માત્ર 9 રન આપી 5 વિકેટ ઝડપી હતી. દર્શને પોતાના સ્પેલમાં 19 ડૉટ બોલ નાંખ્યા હતા.

નાગાલેન્ડ-બંગાળે પોત-પોતાની મેચોમાં જીત મેળવી
સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની અન્ય મેચોમાં નાગાલેન્ડે મણિપુરને 17 રનથી હરાવ્યું હતું. નાગાલેન્ડના 3 વિકેટે 150 રનના સ્કોર સામે મણિપુર 6 વિકેટના ભોગે માત્ર 133 રન જ કરી શકી હતી. બીજી તરફ બંગાળની ટીમે છત્તિસગઢને 7 વિકેટે માત આપી હતી. છત્તિસગઢે 7 વિકેટના ભોગે 118 રન કર્યા હતા, જેની સામે બંગાળે 3 વિકેટના ભોગે 119 રન કરી સરળ જીત મેળવી હતી.

અન્ય સમાચારો પણ છે...