કાર્તિક અને હાર્દિક ઈમોશનલ થયા:DKએ કહ્યું- હું જાણું છું ડ્રોપ થવું શું હોય છે, પંડ્યાએ ધોનીને સફળતાનો શ્રેય આપ્યો

17 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજકોટમાં દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી ચોથી T20 મેચમાં મેન ઓફ ધ મેચ બનેલા દિનેશ કાર્તિકે (DK) મેચ પછી હાર્દિક પંડ્યા સાથે વાતચીત કરી હતી. આ સાથે તેણે ટીમ ઈન્ડિયામાંથી 3 વર્ષ બહાર રહેવાની પીડા પણ વ્યક્ત કરી છે. તે જ સમયે, પંડ્યાએ એ પણ ઘટસ્ફોટ કર્યો છે કે તેને એક તેજસ્વી ક્રિકેટર બનાવવામાં ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો હાથ હતો.

જ્યારે પંડ્યાએ વાતચીતમાં કાર્તિકને પૂછ્યું કે તમે તમારામાં એવું કયું પરિવર્તન કર્યું છે કે લોકો આવા આક્રમક દિનેશ કાર્તિકને જોઈ રહ્યા છે? તમારી માનસિકતા કેવી રીતે બદલાઈ? આ સવાલ પર કાર્તિકે કહ્યું- મને ટીમમાંથી બહાર થવાથી કેવું લાગે છે તેનો મને સારો ખ્યાલ છે. હું એ પણ જાણું છું કે ભારત માટે રમવું કેટલું મહત્ત્વનું છે.

એટલા માટે હું કંઈક ખાસ કરવા માંગતો હતો. નસીબજોગે RCBએ મને તે પ્લેટફોર્મ આપ્યું. ફિનિશર બનવા માટે મેં ઘણી પ્રેક્ટિસ કરી છે. હું એવો ખેલાડી બનવા માંગુ છું જે મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી પસાર થઈ શકે અને ભારતીય ટીમ માટે મેચ જીતી શકે. હું સારી રીતે જાણું છું કે તેનો ભાગ બનવું કેટલું મુશ્કેલ છે. ડ્રેસિંગ રૂમની અંદર જે પ્રકારનું ટેલેન્ટ છે તે અદ્ભુત છે.

ધોનીએ પંડ્યાને ગુરુમંત્ર આપ્યો હતો
જ્યારે કાર્તિક સાથે ટીમ ઈન્ડિયાને જીત અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા હાર્દિક પંડ્યાએ ઘટસ્ફોટ કર્યો હતો કે તેને એક સારો ક્રિકેટર બનાવવામાં ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો હાથ હતો. પંડ્યાએ કાર્તિકને પૂછ્યું કે ગુજરાત ટાઇટન્સનું નેતૃત્વ કરતી વખતે અને ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરતી વખતે તેણે કયા ફેરફારો કરવા પડશે.

આ પ્રશ્નના જવાબમાં પંડ્યાએ કહ્યું, 'મેં માહી ભાઈને તેમની કારકિર્દીના શરૂઆતના દિવસોમાં પૂછ્યું હતું કે તેઓ પ્રેશરને કેવી રીતે ટાળે છે અને તેમણે મને એક સલાહ આપી હતી. ધોનીએ કહ્યું હતું કે તમારા સ્કોર વિશે ન વિચારો અને ટીમને શું જોઈએ છે તે વિશે વિચારવાનું શરૂ કરો. ત્યારથી આ મારા મગજમાં છે અને તે મને આજે હું જે ખેલાડી છું તે બનવામાં મદદ કરી છે.

કાર્તિકની તોફાની બેટિંગ

અત્યારની ઈન્ડિયન ટીમના સૌથી અનુભવી બેટર એવા દિનેશ કાર્તિકે ત્યારપછી ઈનિંગ સંભાળી હતી. અને જાણે આફ્રિકન બોલર્સની સામે એ.બી.ડિવિલિયર્સ બેટિંગ કરતો હોય તેવું પ્રદર્શન કરવા લાગ્યો હતો. તેણે 27 બોલમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકારી કુલ 55 રન નોંધાવી દીધા હતા.

તમને જણાવી દઈએ કે દિનેશ કાર્તિકે 16 વર્ષની આંતરરાષ્ટ્રીય T20 કારકિર્દીમાં પહેલી ફિફ્ટી નોંધાવીને અનોખો ચોંકાવનારો રેકોર્ડ પણ બનાવી દીધો છે. લગભગ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી ચૂકેલા કાર્તિકે ફરીથી કમબેક કરી પોતાની આગવી છાપ ઊભી કરી દીધી છે.

દિનેશ - હાર્દિક વચ્ચેની પાર્ટનરશિપ ટર્નિંગ પોઈન્ટ
ઈન્ડિયન ટીમના વાઈસ કેપ્ટન હાર્દિક પંડ્યા અને બેટર દિનેશ કાર્તિક વચ્ચે પાંચમી વિકેટ માટે 33 બોલમાં 65 રનની પાર્ટનરશિપ નોંધાઈ હતી. આ બંનેની પાર્ટનરશિપમાં જો અંગત યોગદાનની વાત કરીએ તો હાર્દિકે 11 બોલમાં 21 રન જોડ્યા હતા. તો બીજી બાજુ આમાં 22 બોલમાં 43 રન કાર્તિકે જોડી તોફાની બેટિંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...