ચેમ્પિયનનું અપમાન:જોકોવિચ વેક્સિનેશન સર્ટિફિકેટ વગર ઓસ્ટ્રેલિયા ઓપન રમવા પહોંચ્યો, એરપોર્ટ પરથી જ તગેડી મૂક્યો

20 દિવસ પહેલા

ઓસ્ટ્રેલિયા ઓપનનું આયોજન કોરોના મહામારી વચ્ચે કરવામાં આવી રહ્યું છે. તેવામાં 17 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહેલી ટૂર્નામેન્ટની શરૂઆતથી જ હોબાળો મચી જવા પામ્યો છે. ઉલ્લેખનીય છે કે વર્લ્ડના નંબર-1 ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચનો વિઝા રદ કરવામાં આવતા વિવાદ સર્જાયો છે. 20 ગ્રાન્ડ સ્લેમ વિજેતા નોવાક બુધવારે મેલબોર્ન પહોંચ્યો હતો, પરંતુ તેને એરપોર્ટથી બહાર જવા દેવામાં આવ્યો નહોતો. તેને પહેલા કેટલાક કલાકો માટે એરપોર્ટ પર રોકી દેવામાં આવ્યો હતા, પછી પ્રવેશ સંબંધિત જરૂરી દસ્તાવેજોના અભાવે તેના વિઝા રદ કરવામાં આવ્યા હતા.

એવું કહેવામાં આવી રહ્યું છે કે જોકોવિચ પાસે વેક્સિનેશનનું પ્રમાણપત્ર નથી અને તે તેના વિના ટૂર્નામેન્ટ રમવા માગતો હતો.

ઓસ્ટ્રેલિયાના PMએ કહ્યું- કાયદો પહેલા
એક દિવસ અગાઉ, જોકોવિચને ઓસ્ટ્રેલિયન ઓપનમાં ભાગ લેવા માટે ઓસ્ટ્રેલિયા દ્વારા મંજૂરી આપવામાં આવી હતી, જેમાં વેક્સિનેશનના નિયમોમાંથી મુક્તિ આપવામાં આવી હતી. ત્યારપછી ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિસને પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે કાયદો બધા માટે સમાન છે અને કોઈપણ કાયદાથી ઉપર નથી. સમાચાર મુજબ જોકોવિચ ઓસ્ટ્રેલિયન સરકારના આ નિર્ણયને પડકારી શકે છે.

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન મોરિસન અહીં જ ન અટક્યા, તેમણે ટ્વિટર પર લખ્યું, 'જોકોવિચનો વિઝા રદ્દ કરવામાં આવ્યો છે. નિયમ તો નિયમ જ છે. ખાસ કરીને જ્યારે તે આપણી સરહદોની વાત આવે છે ત્યારે. આ નિયમોથી ઉપર કોઈ નથી. અમારી મજબૂત સરહદ નીતિઓ ઓસ્ટ્રેલિયા માટે મહત્વપૂર્ણ રહી છે. કોરોનાથી વિશ્વમાં સૌથી ઓછો મૃત્યુદર અહીં છે. અમે સતત સતર્ક રહીએ છીએ.

સર્બિયન રાષ્ટ્રપતિએ જોકોવિચ સાથે વાત કરી
સર્બિયાના પ્રેસિડેન્ટ એલેક્ઝાન્ડર વ્યુસિકે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરતા લખ્યું કે, 'મેં જોકોવિચ સાથે ફોન પર વાત કરી છે અને આખું સર્બિયા તેની સાથે છે. અમારા અધિકારીઓ શક્ય તેટલી વહેલી તકે વિશ્વના શ્રેષ્ઠ ટેનિસ ખેલાડીના દુર્વ્યવહાર સમાપ્ત કરવા માટે તમામ પગલાં લઈ રહ્યા છે. સર્બિયા આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ જોકોવિચ માટે ન્યાય અને સત્ય માટે લડશે.

34 વર્ષીય જોકોવિચની નજર રેકોર્ડ 21મું ગ્રાન્ડ સ્લેમ જીતવા પર છે. જોકોવિચ, રોજર ફેડરર અને રાફેલ નડાલે અત્યારસુધીમાં 20 ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સ ટાઇટલ જીત્યા છે.

અન્ય સમાચારો પણ છે...